તમિલનાડુના રાજ્યપાલ ભાષણ આપ્યા વિના જ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ:કહ્યું- રાષ્ટ્રગીતનું અપમાન થયું; CM સ્ટાલિને કહ્યું- રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે - At This Time

તમિલનાડુના રાજ્યપાલ ભાષણ આપ્યા વિના જ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ:કહ્યું- રાષ્ટ્રગીતનું અપમાન થયું; CM સ્ટાલિને કહ્યું- રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે


તમિલનાડુ વિધાનસભા સત્ર દરમિયાન સોમવારે ગૃહમાં હાઈલેવલ ડ્રામા થયો હતો. રાજ્યપાલ આરએન રવિએ રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવીને અભિભાષણ આપવાનો ઇનકાર કરી દીધો અને અધવચ્ચેથી જ વિધાનસભામાંથી ચાલ્યા ગયા હતા. અગાઉ ફેબ્રુઆરી 2024માં પણ તેમણે આવું કર્યું હતું. પરંપરા મુજબ, ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં રાજ્ય ગીત તમિલ થાઈ વઝથુ ગાવામાં આવે છે અને અંતે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. પરંતુ રાજ્યપાલ રવિએ આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રાષ્ટ્રગીત બંને સમયે ગાવું જોઈએ. રાજ્યપાલના આ વર્તન પર સીએમ સ્ટાલિને કહ્યું કે આ લોકતાંત્રિક પરંપરાઓનું ઉલ્લંઘન છે. જ્યારે રાજ્યપાલ તેમની બંધારણીય ફરજો નિભાવી શકતા નથી તો પછી તેઓ આ પદ પર કેમ બેઠા રહે છે. આ રાજ્યની જનતાનું અપમાન છે. રાજભવને કહ્યું- CM અને સ્પીકરે રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દીધી રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજે ફરી એકવાર તમિલનાડુ વિધાનસભામાં ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગીતનું સન્માન કરવું એ આપણા બંધારણમાં સમાવિષ્ટ પ્રથમ મૂળભૂત ફરજોમાંનું એક છે. રાજ્યપાલના અભિભાષણની શરુઆતમાં અને અંતમાં તમામ રાજ્યની વિધાનસભામાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે." "આજે જ્યારે રાજ્યપાલ ગૃહમાં આવ્યા ત્યારે માત્ર તમિલ થાઈ વઝથુ ગાવામાં આવ્યું હતું. રાજ્યપાલે ગૃહને તેની બંધારણીય ફરજની યાદ અપાવી હતી અને મુખ્યમંત્રી, ગૃહના નેતા અને સ્પીકરને રાષ્ટ્રગીત ગાવાની અપીલ કરી હતી. જો કે, તેઓ બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાનથી નારાજ થઈને રાજ્યપાલ ગૃહમાંથી નીકળી ગયા હતા. રાજ્યપાલે ફેબ્રુઆરીમાં પણ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ હતું
રાજ્યપાલ ગૃહમાંથી બહાર નીકળ્યા પછી, વિધાનસભા અધ્યક્ષ એમ. અપ્પાવુએ રાજ્યપાલ વતી અભિભાષણ આપ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે તમિલનાડુ વિધાનસભામાં આ પ્રથાને લઈને રાજભવન અને ડીએમકે સરકાર વચ્ચે દલીલ થઈ હોય. ફેબ્રુઆરીમાં, રાજ્યપાલે વિધાનસભામાં અભિભાષણ આપવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે ડ્રાફ્ટમાં "ભ્રામક દાવાઓ ધરાવતા ઘણા ફકરાઓ છે જે સત્યથી ઘણા દૂર છે." રાજભવને એમ પણ કહ્યું હતું કે રાજ્યપાલના અભિભાષણની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીતને યોગ્ય સન્માન આપવું જોઈએ અને ગાવું જોઈએ. 2022માં, આરએન રવિએ ભાષણના અંશ વાંચવાનો ઇનકાર કર્યો હતો જેમાં બીઆર આંબેડકર, પેરિયાર, સીએન અન્નાદુરાઈના નામો સિવાય 'દ્રવિડિયન મોડેલ' વાક્ય અને તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાના કેટલાક સંદર્ભ હતા. ગૃહે માત્ર સત્તાવાર ભાષણો રેકોર્ડ કરવાનો અને રાજ્યપાલના ભાષણને રેકોર્ડ ન કરવાનો ઠરાવ પસાર કર્યા પછી પણ, તેઓ રાષ્ટ્રગીતની રાહ જોયા વિના વોકઆઉટ કર્યુ હતું. સરકારનો આરોપ- રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે આરએન રવિને 2021માં તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી રાજ્યની એમકે સ્ટાલિન સરકાર અને તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાલિન સરકારનો આરોપ છે કે રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. તેઓ સરકારી બિલો અટકાવે છે. આ અંગે રાજ્યપાલે કહ્યું છે કે બંધારણ તેમને કાયદા પર તેમની સહમતિ રોકવાનો અધિકાર આપે છે. રાજભવન અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન સુધી પણ પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે પણ કહ્યું હતું કે રાજ્યપાલોએ કેબિનેટની સલાહ પર કામ કરવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.