ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ - કબડ્ડી, ખો-ખો, વોલીબોલ વગેરે સાત રમતોમાં કૌશલ્ય દાખવશે સ્પર્ધકો - At This Time

ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ ————— કબડ્ડી, ખો-ખો, વોલીબોલ વગેરે સાત રમતોમાં કૌશલ્ય દાખવશે સ્પર્ધકો


ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ
---------------
કબડ્ડી, ખો-ખો, વોલીબોલ વગેરે સાત રમતોમાં કૌશલ્ય દાખવશે સ્પર્ધકો
---------------
ગીર સોમનાથ,૦૬: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આજથી ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં વિવિધ સાત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તાલુકાકક્ષાના ખેલમહાકુંભમાં સુનિયોજીત સંચાલન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા તથા જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરાના માર્ગદર્શન હેઠળ તાલુકા કન્વિનિયરની નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા તાલુકાની સ્પર્ધાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાત રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને સરકાર દ્વારા પ્રોત્સાહક ઈનામ તરીકે રોકડ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.

તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ અને એથ્લેટિક્સનો સમાવેશ થાય છે. તાલુકાકક્ષાની રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લાકક્ષાએ ભાગ લેવાની તક મળશે. જિલ્લાકક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ સાથે જ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન અંતર્ગત ખેલમહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. જેમને સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અને વિવિધ રમતોની રાજ્યકક્ષાની એકેડમીમાં નિઃશુલ્ક પ્રવેશની સાથે અભ્યાસ, ભોજન અને નિવાસ તેમજ સ્પોર્ટ્સ કિટ પૂરી પાડવામાં આવશે. ઉપરાંત ખેલાડીઓને નિષ્ણાંત કોચ દ્વારા પ્રશિક્ષણ અને દર મહિને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.

ઉપરાંત તા.૧૫ જાન્યુઆરીથી જિલ્લાકક્ષાના ખેલમહાકુંભની શરૂઆત થશે. જેમાં વિવિધ ૨૪ રમતોનો સમાવેશ થશે. ફૂટબોલ, સ્વિમિંગ, રસ્સાખેંચ, જૂડો, ચેસ, હેન્ડબોલ, કરાટે, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, સ્કેટિંગ વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાકક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓને રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.