વીંછિયા તાલુકાના હાથસણી ગામે રૂ 32 લાખના ખર્ચે નિર્માણ પામેલ આયુષ્યમાન પેટા આરોગ્ય કેન્દ્ર શરૂ, દર્દીઓને સાજા થવા દૂર નહીં જવું પડે : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વીંછિયા તાલુકાના હાથસણી ગામે નવા નકોર બનેલા પેટા આરોગ્ય કેન્દ્રનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉદ્ઘાટન કર્યું હતું. રૂ.32 લાખના ખર્ચે નિર્માણ પામેલા આ આયુષ્માન આરોગ્ય મંદિર હાથસણી ગ્રામજનોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે. અને સામાન્ય રોગની સારવાર માટે દુર સુધી ધક્કા ખાવા નહીં પડે. એટલું જ નહી, સામાન્ય સારવાર તો સ્થાનિકે જ મળી રહેવાને લીધે દર્દીઓને વીંછિયા કે નજીકના આરોગ્ય કેન્દ્ર સુધીનો ધક્કો બચી જશે. અને ઘરઆંગણે જ સારી સારવાર મળી રહેશે. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, 'ગામે ગામ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક નિદાન, સારવાર અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્યલક્ષી યોજનાઓથી નાગરિકોને બિમારીમા વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ લેવાનો પણ તેમણે આ તકે અનુરોધ કર્યો હતો. આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વ્યસનમુક્ત રહેવા, સવારે વહેલા જાગી શરીરને કાર્યરત રાખવાની સાથે પોષણયુક્ત આહાર મેળવવા મંત્રીએ અપીલ કરી હતી. આ ઉપરાંત ગામમાં કોઈ ટી.બી.ના દર્દી હોય તો તેમણે નિયમિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવા લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમુક બીમારીમાં સાવચેતી જ સલામતી છે. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજાએ પેટા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાની વિસ્તૃત જાણકારી આપી હતી. અગ્રણી અશ્વિનભાઈ સાકળીયાએ સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ મેડિકલ ઓફિસર ડો. હરસીભાઈએ તેમજ કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગામેતીએ કર્યું હતું. આ તકે દેવાભાઈ ગઢાદરા, અશ્વિનભાઈ સાંકળીયા, યાર્ડના ચેરમેન કડવાભાઈ, સરપંચ દિનેશભાઈ ડેકાણી, મામલતદાર આર.કે.પંચાલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.