ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ
--------------
ગીર સોમનાથ, તા.૨૪: ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ ૩૪ સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર, જિલ્લાના રેડ ઝોન, ગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે અનુસાર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.
આ સ્થળોમાં સોમનાથ મંદિર, ભાલકા મંદિર, સ્પેશ્યિલ બ્યૂરો ઓફિસ (સુત્રાપાડા), કોસ્ટગાર્ડ સ્ટેશન(વેરાવળ), વેરાવળ-તાલાલા-ઉના સબ જેલ, વેરાવળ-ઉના જિલ્લા ન્યાયાલય, કલેક્ટર ઓફિસ(ઈણાજ), જિલ્લા પોલીસવડાની કચેરી, વેરાવળ અને છારા બંદર, વેરાવળ-પ્રભાસપાટણ ૬૬ કે.વી. સબસ્ટેશન, કંસારી-ટિંબડી ૨૨૦ કે.વી. સબસ્ટેશન, ૧૩૨ કે.વી.સબસ્ટેશન તાલાલા, વેરાવળ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર, ઈન્ડિયન રેયોન ઉદ્યોગ, વોટર ટેન્ક, લોકોશેડ, તાલાલા હિરણ ડેમ-૨, નવાબંદર લાઈટ હાઉસ, માઈક્રોવેવ ટાવર ઉના, અંબુજા સિમેન્ટ કોડિનાર, સિદ્ધિ સિમેન્ટ સૂત્રાપાડા, જી.એચ.સી.એલ. સુત્રાપાડા, ઉના બ્રિજ નં.૩૪૦ સહિતના સ્થળનો સમાવેશ થાય છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.