48 ટકા વ્યાજ ઉઘરાવ્યું, સમાન ભરી જઈ દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી - At This Time

48 ટકા વ્યાજ ઉઘરાવ્યું, સમાન ભરી જઈ દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી


રાજકોટની ભાગોળે આવેલા મેટોડામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અત્રે સલૂન ચલાવતા મેહુલ ભટ્ટીએ પોતાના પિતાની સારવાર માટે રાહુલ ઉર્ફે ગાંડુ અને તેના ભાઈ મનીયા બાબુતર પાસેથી રૂ.50 હજાર લીધા હતા. આપેલ રૂપિયાનું 48 ટકા વ્યાજ ઉઘરાવતા હોય અને સમાન ભરી જઈ દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી હોવાથી મેટોડા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી મેહુલ રાજેશભાઇ ભટ્ટી (ઉ.વ.25, રહે.બાલાજી સોસાયટી, પાઠક સ્કુલની પાછળ, મેટોડા જી.રાજકોટ)એ જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું. મેટોડા જી.આઈ.ડી.સી. ગેઇટ નં.3માં આવેલા સહયોગ કોમ્પલેક્ષમાં ચેમ્પીયન હેર આર્ટના નામે સલુન ચલાવી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. મારા પિતા રાજેશભાઇ મેટોડાથી રાજકોટ ભાડાની રીક્ષા ચલાવે છે.

મારા માતા રેખાબેન અદાણી મસાલા કંપનીમાં મજુરી કામ કરે છે. મારાથી નાનો ભાઈ અજય મારી સાથે સલુનમાં મદદ કરે છે. ત્રણેક મહીના પહેલા મારા પિતા બીમાર પડતા તેઓની રાજકોટની આરાધના હોસ્પિટલમાં સારવાર કરાવેલ અને આ દવાખાનામાં મારે રૂ.25,000ની જરૂરત હોય મારી સલુનની દુકાનની બાજુમાં ચા નો ધંધો કરતા રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતર (રહે. ચીભડા તા.લોધીકા)ને પૈસાની જરૂરીયાત બાબતે વાત કરેલ.

તો તેણે મને કહેલ કે, હું તને રૂ.25,000 આપુ પણ એ માટે તારે રોજના રૂ.400 એમ મહિનાના રૂ. 12,000 વ્યાજ આપવું પડશે. રૂપીયાની ખુબજ જરૂરીયાત હોય જેથી મેં તેની આ શરત માનેલ. રાહુલ ઉર્ફે ગાંડુએ રૂ.25,000 આપેલ હતા.

જે પછી તે રોજ મારી દુકાને આવી રૂ. 400 વ્યાજ લઇ જતો હતો. મેં તેને વ્યાજના રૂ.12,000 ચુકવેલ હતા. ત્યારબાદ હું ગાંડુને વ્યાજ આપી શકતો નહોતો. જેથી તે મારી દુકાને આવી મારી પાસે બળજબરી પુર્વક પૈસા માંગતો. પૈસા નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી દઈશ. તારી ખુરશીઓ ભરી જઈશ. તેવી ધમકીઓ આપતો.

જેથી હું કંટાળીને ગાંધીધામ ખાતે મારા ઓળખીતા જશુભાઈ કસોટની પાનની દુકાને નોકરી કરવા જતો રહેલ, પરંતુ મારા પિતાની તબીયત સારી રહેતી ન હોય દશેક દિવસમાં પરત મેટોડા આવવુ પડેલ. ત્યાર બાદ ગાંડુ સાથે વાત કરી રૂ.25,000 ના રૂ.40,000 આપવાના અને દર મહિને રૂ.5000નો હપ્તો આપવાનું નક્કી કરી સમાધાન કરેલ હતુ. જે ને મેં રૂ.5,000/- ના બે હપ્તા એમ કુલ રૂ. 10,000 આપેલ છે.

હજુ મારી પાસે રૂ.30,000/- માંગે છે. એક મહિના અગાઉ અમારે ફરીથી પૈસાની જરૂરત હોય આ ગાંડુના નાનાભાઈ મનીયા બાબુતર (રહે. ચીભડા તા. લોધીકા) પાસેથી રૂ.25,000 વ્યાજે લીધેલ જેમાં પણ રૂ.400 વ્યાજ નક્કી થયેલ. એક મહિનામાં રૂ.12,000 ચુકવેલ છે. અને જો ક્યારેક રૂ.400 આપવાનું ચુકાય જાય તો બીજે દિવસે રૂ.400 પેનલ્ટી તરીકે વધારાના રૂપીયા વસુલ કરે છે.

ત્રણ મહિનાના ટુંકા ગાળામાં ગાંડુભાઈને રૂ.22,000 તથા તેના નાના ભાઈ મનીયાને એક મહિનામાં જ રૂ.12,000 વ્યાજ ચુકવેલ. મેં મૂળ રકમ લઈ બાકીનું વ્યાજ માફ કરવા આ બંને સાથે વાત કરી પણ બંનેએ કહ્યું કે, વ્યાજ સહિત રકમ નહીં આપે તો તારી દુકાનનો સમાન ભરી લેશું અને તારી દુકાન બંધ કરાવી દેશું. ફરિયાદ પરથી પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપી ભાઈઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.