પોલીસ બનવાની તૈયારી કરતી યુવતીને પિતાએ લગ્ન કરવાનું કહેતાં જ ફાંસો ખાઈ જીવ દઈ દીધો
રાજકોટના તિરૂપતિ બાલાજી પાર્કમાં કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ બનવાની તૈયારી કરતી 30 વર્ષીય યુવતીને માતા-પિતાએ ફોનમાં લગ્ન કરવા માટે વાત કરતાં જ યુવતીની સહનશીલતા તૂટી હતી અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, તપસી હોટલ બાજુ વાળી શેરીમાં તિરૂપતિ બાલાજી પાર્ક શેરી નં.01 માં રહેતી મૂળ ઉનાની વતની રેણુકાબેન કરશનભાઇ પરમાર (ઉ.વ.30) ગઈકાલે બપોરે ઘરે હતી.
ત્યારે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડાં સમય બાદ તેમના બહેન અને બનેવીએ રૂમ ખોલી તપાસ કરતાં યુવતી લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંતસિંહ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનવા પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક મૂળ ઉનાની વતની છે, તે ત્રણ બહેન-એક ભાઈમાં વચ્ચેટ હતી. તેમના માતાપિતા ખેતી કામ કરે છે. પોતાને સરકારી નોકરી મેળવી તેમાં પોલીસ બનાવની પ્રબળ ઈચ્છાથી તે રાજકોટ સાસરિયે બહેન ઘરે આવી હતી અને એક વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દિધી હતી. દરમિયાન ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ તેમના માતા પિતાનો ફોન આવ્યો જેમાં દીકરીને લગ્ન કરવા માટે વાત કરી હતી. જે બાબતનું માઠું લાગી આવતાં અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.