સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત રાધાકૃષ્ણન કમિટીની ભલામણો:NTA માત્ર એન્ટ્રન્સ એક્ઝામ લેશે, ભરતી પરીક્ષા નહીં, નીટ ઓનલાઇન હોય કે ઑફલાઇન; અંતિમ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલય કરશે - At This Time

સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત રાધાકૃષ્ણન કમિટીની ભલામણો:NTA માત્ર એન્ટ્રન્સ એક્ઝામ લેશે, ભરતી પરીક્ષા નહીં, નીટ ઓનલાઇન હોય કે ઑફલાઇન; અંતિમ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલય કરશે


અનિરુદ્ધ શર્મા | નવી દિલ્હી
નીટ પેપરલીક કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશને પગલે બનેલી આર. રાધાકૃષ્ણન સમિતિએ એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની પુનર્રચના કરવા ભલામણ કરી છે. હવાઈમથકે મુસાફરોની ઓળખ માટે જે રીતે ડીજી યાત્રા સિસ્ટમનો ઉપયોગ થાય છે તે રીતે વિદ્યાર્થીઓની ખરાઈ કરવા માટે ડીજી એક્ઝામ સિસ્ટમ વિકસિત કરવા સમિતિએ ભલામણ કરી છે. બીજી તરફ માત્ર સરકારી સ્કૂલ-કૉલેજમાં જ ટેસ્ટિંગ સેન્ટર રાખવા ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને આ અહેવાલ સુપરત કર્યો છે અને મોટા ભાગની ભલામણોનો અક્ષરશ: અમલ કરવાની ખાતરી આપી છે.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે કહ્યું હતું કે એનટીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની નીટ, જેઈઈ, સીયુઈટી સહિત અંદાજે 15 જેટલી પરીક્ષાઓ જ યોજશે પણ ભરતી માટે યોજાતી 2થી 3 પરીક્ષાનું આયોજન નહીં કરે. નીટ સિવાયની બધી પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. નીટ પેન-પેપર ટેસ્ટ (પીપીટી) મોડમાં ઓએમઆર શીટ પર લેવી કે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) યોજવી તે અંગે આરોગ્ય મંત્રાલયે નિર્ણય લેવાનો છે. એક-બે અઠવાડિયાંમાં નિર્ણય લેવાયા પછી નીટ-2025નું જાહેરનામું બહાર પડાશે. સમિતિએ અંતરિયાળ અને ઓછી વસ્તીવાળા વિસ્તારો માટે મોબાઇલ ટેસ્ટિંગ સેન્ટર ઊભાં કરવાના સૂચન સાથે સીયુઈટીમાં વિષયના વિકલ્પ ઓછા રાખવાની ભલામણ પણ કરી છે. એનટીએમાં 10 વર્ટિકલ બનાવવા ભલામણ રાધાકૃષ્ણન સમિતિએ એનટીએમાં 10 વર્ટિકલ (ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટ્રાન્સપરન્સી એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ટરનલ કોલેબોરેશન, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, ટેસ્ટ સિક્યોરિટી એન્ડ રિયલ ટાઇમ મૉનિટરિંગ, વિજિલન્સ એન્ડ ફોરેન્સિક, એડમિન-એચઆર, ફાઈનાન્સ એન્ડ લીગલ વગેરે) બનાવવા ભલામણ કરી છે. જોકે પહેલાં પણ 9 વર્ટિકલ (એન્જિનિયરિંગ, મેડિકલ, યુજીસી-નેટ, અન્ય પરીક્ષાઓ વગેરે) હતા. એનટીએના સંચાલન માટે ડીજીની સાથે બે એડિશન ડીજી અને 4 ડાયરેક્ટર ઉમેરવા જોઈએ. સમિતિએ નવા 8 ડાયરેક્ટર અને 8 જોઇન્ટ ડાયરેક્ટર પદ ઊભાં કરવા પણ ભલામણ કરી છે. સમિતિએ કહ્યું કે ગવર્નિંગ કમિટીના સભ્યોની નિમણૂક 3 વર્ષ માટે કરવી અને નવરચના પછી એનટીએની 5 વર્ષે સમીક્ષા કરવી. એનટીએની ગવર્નિંગ બૉડીની દર 3 મહિને બેઠક યોજવી. 37 હજારથી વધુ લોકોના પ્રતિભાવ, 23 બેઠકો બાદ નિર્ણયો લેવામાં આવ્યા 50 સીટર બસમાં 30 લેપટોપ સેન્ટર બનાવાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.