આમલીયાત પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી દાતા દ્વારા ૧૪ પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ
શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સેવાભાવી દાતા વંચિત અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાંથી રાહત મળે તે માટે સેવાની સરવાણી વહાવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આમલીયાત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલની ઉપસ્થિતિમાં સુવિધા હોસ્પિટલના સેવાભાવી દાતા ડો. આર બી પટેલ અને લાયન્સ ક્લબ દ્વારા ૧૪ પ્રાથમિક શાળાના અંદાજે ૮૦૦ જેટલા બાળકોને સ્વેટર વિતરણ તથા ૧૫૦૦ ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મહાનુભાવોએ સેવાભાવી દાતા ડો. આર બી પટેલ ની અંતરિયાળ વિસ્તારમાં લોકસેવાની ઉમદા ભાવનાને બિરદાવી તંત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ડોક્ટર આર બી પટેલે બાળકોને અભ્યાસમાં વધુ કાળજી લઇ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને ઉમદા નાગરિક બનવા અપીલ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ શાળામાં બાળકોના ઇકેવાયસી તેમજ ગંગાસ્વરૂપા બહેનોને નિયમિત સહાયની રકમ મળવા જેવી બાબતોની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના સભ્યો, બીઆરસી, સીઆરસી શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.