મહારાષ્ટ્ર ચૂંટણી- EVM ગોટાળાની ફરિયાદ લઈને વિપક્ષ SCમાં જશે:ચૂંટણી પંચે તપાસ બાદ કહ્યું છે કે VVPAT અને EVM વચ્ચે કોઈ મિસમેચ નથી
વિપક્ષ ગઠબંધન હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળાના આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. NCP-શરદ પવારના નેતા પ્રશાંત જગતાપે મંગળવારે ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જગતાપ પુણેની હડપસર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. વિપક્ષી ગઠબંધન EVMમાં ગોટાળા મામલે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. મંગળવારે વિપક્ષના નેતાઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક NCP-SPના વડા શરદ પવારના ઘરે યોજાઈ હતી. જેમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ હાજર રહ્યા હતા. INDIA ગઠબંધને દાવો કર્યો છે કે તેઓ EVMમાં કથિત ગોટાળાને કારણે મહારાષ્ટ્રની ચૂંટણી હારી ગયા હતા. ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને 288 બેઠકોમાંથી 235 બેઠકો જીતી હતી, જ્યારે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનને 46 બેઠકો મળી હતી. ECએ કહ્યું- મહારાષ્ટ્ર ચૂંટણીમાં VVPAT-EVM વચ્ચે કોઈ મિસમેચ નથી
ચૂંટણી પંચ (EC) એ મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં EVM મતો સાથે VVPAT સ્લિપને મેચ કરવામાં કોઈ ગોટાળા મળ્યા નથી. પંચે માહિતી આપી હતી કે 23 નવેમ્બરે મતગણતરીનાં દિવસે દરેક વિધાનસભા મતવિસ્તારના 4 બૂથની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. આ દરમિયાન, 288 વિધાનસભા મતવિસ્તારના 1440 VVPAT યુનિટની સ્લિપ મેચ કરવામાં આવી હતી. ખરેખરમાં, વિરોધ પક્ષોએ પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે ધારાસભ્યોના શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો હતો. અગાઉ, વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે મતદાન દરમિયાન EVM સાથે ગોટાળા કરવામાં આવ્યા હતા અને વોટ VVPAT સ્લિપ સાથે મેળ ખાતા નથી. 95 બેઠકો પરથી 104 ઉમેદવારોએ કમિશનને EVM અને VVPAT સ્લિપને મેચ કરવાની માંગ કરી હતી. પંચના જણાવ્યા અનુસાર, 31 જિલ્લાની 95 બેઠકો પર ચકાસણીની માંગ કરવામાં આવી હતી. માર્કડવાડી વિવાદ, જેના કારણે વિપક્ષે EVM પર સવાલો ઉઠાવ્યા
માર્કરવાડીના લોકોએ 3 ડિસેમ્બરે બેલેટ પેપરનો ઉપયોગ કરીને મોક મતદાન કર્યું હતું, પરંતુ વહીવટીતંત્રે તેને અટકાવી દીધું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. NCP (શરદ પવાર) ના ઉમેદવાર ઉત્તમરાવ જાનકર સોલાપુર જિલ્લાની માલસિરસ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેમણે ભાજપના રામ સાતપુતેને હરાવ્યા હતા. પરિણામો બાદ માલસીરસ વિધાનસભાના મારકડવાડી ગામના લોકોએ દાવો કર્યો હતો કે ગામના મોટાભાગના લોકોએ NCPના ઉમેદવારને મત આપ્યા છે, પરંતુ EVMના આંકડા મુજબ ભાજપના ઉમેદવારને 1003 અને NCPના ઉમેદવારને 843 મત મળ્યા છે. આ ખોટા છે. ગ્રામજનોનો દાવો છે કે ભાજપના ઉમેદવાર 100-150થી વધુ મત મેળવી શકે જ નથી. ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્રને પોતાના ખર્ચે બેલેટ પેપર પર ફરીથી મતદાન કરાવવાની અપીલ કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. આ પછી, EVMમાં ગોટાળાનો આરોપ લગાવીને, ગ્રામજનોએ જાતે જ 4 ડિસેમ્બરે બેલેટ પેપર પર મતદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. 3 ડિસેમ્બરે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. એક મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ વહીવટીતંત્રે ગ્રામજનોને બેલેટ પેપર દ્વારા મતદાન કરતા અટકાવ્યા હતા. 17 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. 2014માં પ્રથમ વખત VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
VVPAT મશીનોનો ઉપયોગ ભારતમાં સૌપ્રથમવાર 2014ની સામાન્ય ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. તે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા બનાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.