‘ન્યાય હજુ બાકી છે’:AI એન્જિનિયરના આપઘાત મામલે પત્ની-સાસુ સહિત 4 સામે FIR; વીડિયોમાં કહ્યું- આરોપીઓને સજા ન થાય તો મારાં અસ્થિને ગટરમાં વહાવી દેજો - At This Time

‘ન્યાય હજુ બાકી છે’:AI એન્જિનિયરના આપઘાત મામલે પત્ની-સાસુ સહિત 4 સામે FIR; વીડિયોમાં કહ્યું- આરોપીઓને સજા ન થાય તો મારાં અસ્થિને ગટરમાં વહાવી દેજો


બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ સિંઘાનિયા અને કાકા-સસરા સુશીલ સિંઘાનિયાનાં નામ છે. અતુલના ભાઈ વિકાસ કુમારે બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે ભારતીય ન્યાયસંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), કલમ 3(5) (બે કે તેથી વધુ લોકો સામેલ હોય ત્યારે સામૂહિક જવાબદારી ઊભી થાય છે) હેઠળ કેસ નોંધ્યો છે. અતુલે 1 કલાક 20 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. આમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. અતુલે એવી પણ માગણી કરી હતી કે જો તેને ત્રાસ આપનારાઓને નિર્દોષ જાહેર કરવામાં આવે તો તેનાં અસ્થિને કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવી જોઈએ. રૂમમાંથી એક પ્લેકાર્ડ મળ્યું, જેમાં લખ્યું હતું - ન્યાય હજુ બાકી છે અતુલે ઉત્તરપ્રદેશના જૌનપુરના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે ન્યાયાધીશે કેસને શાંત પાડવાના નામે 5 લાખ રૂપિયા માગ્યા હતા. અતુલે એમ પણ લખ્યું છે કે તેની પત્ની અને સાસુએ તેને આત્મહત્યા કરવાનું કહ્યું હતું અને આ સાંભળીને જજ હસ્યા હતા. મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં તેમના ફ્લેટમાંથી મળ્યો હતો. જ્યારે પાડોશીઓએ તેના ઘરનો દરવાજો તોડ્યો તો તેની લાશ લટકતી મળી આવી હતી. રૂમમાંથી 'જસ્ટિસ ઇઝ ડ્યૂ' લખેલું પ્લેકાર્ડ મળ્યું હતું. અતુલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અતુલની પત્ની અને તેની પત્નીના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. અતુલે પોતાના પત્રમાં રાષ્ટ્રપતિને એક નોંધ પણ લખી અતુલ સુભાષે 24 પાનાંના પત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેણે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની ખામીઓ વિશે લખ્યું હતું અને પુરુષો વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. બીજી નોંધમાં તેણે લખ્યું છે કે તે તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા તમામ કેસોમાં નિર્દોષ હોવાની દલીલ કરી રહ્યો છે, જેમાં દહેજવિરોધી કાયદો અને મહિલાઓ પર અત્યાચારના કેસનો સમાવેશ થાય છે. તેણે કહ્યું છે કે હું કોર્ટને વિનંતી કરું છું કે આ ખોટા કેસોમાં મારાં માતા-પિતા અને ભાઈને હેરાન કરવાનું બંધ કરે. આખો મામલો જાણો અતુલના શબ્દોમાં... બે વર્ષ સાથે રહ્યાં બાદ પત્નીએ ઘર છોડી દીધું હતું આત્મહત્યા પહેલાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં અતુલે સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું છે કે મેટ્રિમોની સાઇટ દ્વારા મેચ મળ્યા બાદ તેમણે 2019માં લગ્ન કર્યાં હતાં. પછીના વર્ષે તેમને એક પુત્ર થયો. તેણે કહ્યું હતું કે તેની પત્ની અને તેની પત્નીનો પરિવાર હંમેશાં તેની પાસે પૈસાની માગણી કરતો હતો, જેને તે પૂરો કરતો હતો. તેણે તેની પત્નીના પરિવારને લાખો રૂપિયા આપ્યા હતા, પરંતુ જ્યારે તેણે વધુ પૈસા આપવાનું બંધ કરી દીધું, ત્યારે પત્નીએ 2021માં પુત્ર સાથે બેંગલુરુ છોડી દીધું. અતુલે કહ્યું હતું કે હું તેને દર મહિને 40 હજાર રૂપિયા ભરણપોષણ આપું છું, પરંતુ હવે તે બાળકના ઉછેર માટે દર મહિને 2-4 લાખ રૂપિયાની માગ કરી રહી છે. મારી પત્ની મને અને મારા પુત્રને મળવા દેતી નથી કે વાત પણ કરવા દેતી નથી. પત્નીએ દહેજ અને પિતાની હત્યાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો બીજા વર્ષે પત્નીએ તેની અને તેના પરિવારના સભ્યો સામે અનેક કેસ દાખલ કર્યા, જેમાં હત્યા અને અકુદરતી સેક્સના કેસ સામેલ હતા. તેણે કહ્યું હતું કે તેની પત્નીએ આરોપ લગાવ્યો કે તેણે 10 લાખ રૂપિયાનું દહેજ માગ્યું હતું, જેના કારણે તેના પિતાનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયું હતું. તેણે કહ્યું હતું કે આ આરોપ એક ફિલ્મની ખરાબ સ્ટોરી જેવો છે, કારણ કે મારી પત્નીએ કોર્ટમાં પહેલા જ સવાલમાં સ્વીકાર્યું છે કે તેના પિતા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા અને છેલ્લાં 10 વર્ષથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ડાયાબિટીસ માટે AIIMSમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ તેમને જીવવા માટે માત્ર થોડા મહિના આપ્યા હતા, તેથી જ અમે ઉતાવળમાં લગ્ન કરી લીધાં. પત્નીએ માગ્યા 3 કરોડ, પત્નીએ કહ્યું- તમે આત્મહત્યા કેમ નથી કરી લેતા તેણે કહ્યું હતું કે મારી પત્નીએ આ કેસના સમાધાન માટે શરૂઆતમાં 1 કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ બાદમાં એને વધારીને 3 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. જ્યારે તેણે જૌનપુરની ફેમિલી કોર્ટના જજને 3 કરોડ રૂપિયાની આ માગણી વિશે જણાવ્યું તો તેણે પણ તેની પત્નીને સમર્થન આપ્યું. અતુલે કહ્યું હતું કે મેં જજને જણાવ્યું કે NCRB રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં ઘણા પુરુષો ખોટા કેસોને કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તો પત્નીએ મને કહ્યું કે તમે આત્મહત્યા કેમ નથી કરતા. આટલું સાંભળીને જજ હસ્યા અને કહ્યું કે આ કેસ ખોટો છે, પરિવાર વિશે વિચારીને કેસનો ઉકેલ લાવો. હું કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયા લઈશ. પત્નીની માતાએ કહ્યું- તું મરી જશે તો તારા પિતા પૈસા આપશે અતુલે જણાવ્યું હતું કે જ્યારે તેણે તેની સાસુ સાથે આ બાબતે વાત કરી તો તેની સાસુએ કહ્યું કે તેં હજી આત્મહત્યા નથી કરી, મને લાગ્યું કે આજે તારા આપઘાતના સમાચાર આવશે, જેના પર અતુલે જવાબ આપ્યો કે જો હું મરી જઈશ તો તમારી પાર્ટી કેવી રીતે ચાલશે? તેના સાસુએ જવાબ આપ્યો કે પૈસા તારા પિતા આપશે. પતિના મૃત્યુ પછી બધું જ પત્નીનું હોય છે. તારાં માતા-પિતા પણ જલદી મૃત્યુ પામશે. એમાં પણ વહુનો ભાગ હોય છે. આખું જીવન તારો આખો પરિવાર કોર્ટના ધક્કા ખાશે. મારી કમાણીથી જ મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તેણે કહ્યું હતું કે મને લાગે છે કે મારા માટે મરી જવું વધુ સારું રહેશે, કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તેનાથી હું મારા પોતાના દુશ્મનને મજબૂત કરી રહ્યો છું. હું મારા કમાયેલા પૈસા વેડફી રહ્યો છું. મારા પોતાના ટેક્સના પૈસાથી આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મને, મારા પરિવારને અને મારા જેવા બીજા ઘણા લોકોને હેરાન કરશે. જો હું અહીં નહીં હોઉં તો મારા માતા-પિતા અને ભાઈને પરેશાન કરવા માટે ન તો પૈસા હશે અને ન કોઈ કારણ હશે. અતુલે એમ પણ કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારો દીકરો મારા માતા-પિતાને પાછો આપવામાં આવે. મારી પત્ની પાસે એવી કોઈ વેલ્યૂ નથી જે મારા દીકરાને તે આપી શકે. તે તેને ઉછેરવામાં પણ સક્ષમ નથી. આ સિવાય મારી પત્નીને મારા મૃતદેહની નજીક ન આવવા દેવી જોઈએ. જ્યારે મને આ કેસમાં ન્યાય મળે ત્યારે જ મારી અસ્થિઓનું વિસર્જન કરવું જોઈએ. નહીં તો તેને ગટરમાં ફેંકી દેવી જોઈએ. અતુલની છેલ્લી ઈચ્છા - મને ન્યાય ના મળે તો મારી અસ્થીઓને ગટરમાં ફેંકી દેવી અતુલે પોતાની છેલ્લી ઇચ્છામાં લખ્યું- મારા કેસની સુનાવણીનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. મારી પત્નીએ મારા મૃત શરીરને સ્પર્શ ન કરવો જોઈએ. જ્યાં સુધી મારા પર ત્રાસ ગુજારનારાઓને સજા ન થાય ત્યાં સુધી મારી અસ્થીઓનું વિસર્જન ન કરવું જોઈએ. જો ભ્રષ્ટ ન્યાયાધીશ મારી પત્ની અને તેના પરિવારને નિર્દોષ જાહેર કરે તો મારી અસ્થીઓને એ જ કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવી જોઈએ. મારા પુત્રની કસ્ટડી મારા માતા-પિતાને આપવી જોઈએ. SC એ ઘરેલુ શોષણની કલમ પર ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે વૈવાહિક મતભેદોમાંથી ઉદ્ભવતા ઘરેલુ વિવાદોમાં IPC કલમ 498-A હેઠળ પતિ અને તેના પરિવારના સભ્યોને ફસાવવાના વધતા વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે 10 ડિસેમ્બરે સમાન કેસને ફગાવી દેતાં કહ્યું હતું કે કલમ 498-A (ઘરેલું ત્રાસ) પત્ની અને તેના પરિવાર માટે સ્કોર્સ સેટલ કરવા માટેનું હથિયાર બની ગયું છે. ​​​​​​ ​તેલંગાણા સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. ખરેખર, એક પતિએ તેની પત્ની પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. તેની સામે પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલું ક્રૂરતાનો કેસ દાખલ કર્યો હતો. આની સામે પતિ તેલંગાણા હાઈકોર્ટમાં ગયો હતો, પરંતુ કોર્ટે તેની સામે નોંધાયેલ કેસ રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પતિએ સુપ્રીમ કોર્ટનું શરણ લીધું. વિગતવાર સુનાવણી પછી, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાઇકોર્ટે અરજદારો સામે નોંધાયેલ કેસને રદ ન કરીને ગંભીર ભૂલ કરી છે. ત્યારબાદ કોર્ટે કેસ રદ કર્યો હતો. ગયા મહિને પણ સર્વોચ્ચ અદાલતે તમામ અદાલતોને ચેતવણી આપી હતી કે પતિના દૂરના સંબંધીઓ ઘરેલું હિંસા કેસમાં બિનજરૂરી રીતે ફસાવવામાં ન આવે. અતુલના પિતાએ કહ્યું- તે ચિંતિત હતો, પરંતુ તેણે અમને કશું કહ્યું નહીં અતુલના પિતા પવન કુમારે કહ્યું કે અતુલ કહેતો હતો કે સમાધાન કોર્ટમાં કાયદા પ્રમાણે કામ નથી થતું, અહીં સુપ્રીમ કોર્ટના નિયમોનું પણ પાલન નથી થતું. તેણે 40 વખત બેંગલુરુથી જૌનપુર જવું પડ્યું. તેની પત્ની તેની સામે કેસ કર્યા બાદ કેસ કરતી જ રહી. તે ખૂબ જ થાકી ગયો હોવો જોઈએ, પરંતુ તેણે ક્યારેય અમને કંઈ કહ્યું નહીં. અચાનક અમને તેની આત્મહત્યાના સમાચાર મળ્યા. તેણે રાત્રે 1 વાગ્યે અમારા નાના પુત્રને ઈ-મેલ મોકલ્યો. મારા પુત્રએ તેની પત્ની અને તેના પરિવાર પર જે આક્ષેપો કર્યા છે તે તમામ સાચા છે. અતુલના ભાઈ વિકાસ કુમારે કહ્યું કે મારા ભાઈથી અલગ થયાના 8 મહિના પછી તેની પત્નીએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો અને મારા ભાઈ અને અમારા સમગ્ર પરિવાર વિરુદ્ધ અલગ-અલગ કાયદા અને કલમો હેઠળ કેસ દાખલ કર્યો. આ દેશમાં દરેક કાયદો સ્ત્રીઓ માટે છે, પુરુષો માટે કોઈ કાયદો નથી. મારો ભાઈ આની સામે લડ્યો, પણ તે અમને છોડીને જતો રહ્યો. તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે જો હું સિસ્ટમ સામે જીતી જવું છું તો મારી અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરજો. નહીં તો તેને કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેજો. મારા ભાઈએ તેની પત્ની માટે બધું જ કર્યું. જો તેણે અમારી સાથે એકવાર પણ વાત કરી હોત તો અમે તેને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી હોત. હું ભારત સરકાર અને રાષ્ટ્રપતિને અપીલ કરવા માગુ છું કે જો મારો ભાઈ સત્યની સાથે છે તો તેને ન્યાય મળવો જોઈએ, નહીં તો મને પુરાવો આપવામાં આવે કે તે ખોટો હતો. મારા ભાઈએ જેનું નામ સુસાઇડ નોટમાં લખ્યું છે તે જજની પણ સઘન તપાસ થવી જોઈએ. , આપઘાત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... પાઈલટ યુવતીએ બોયફ્રેન્ડથી કંટાળીને સુસાઈડ કર્યું:નોનવેજ ખાવાથી રોકતો, રસ્તામાં અપમાન કર્યું, નંબર પણ બ્લોક કરી દીધો હતો મુંબઈમાં પાઈલટ યુવતીના આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બોયફ્રેન્ડ યુવતીને હેરાન કરતો હતો. તેનું અપમાન કર્યું હતું. નોનવેજ ખાવાને લઈને પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.