શહેરમાં ત્રણ સ્થળેથી બે ધાર્મિક, હોટેલ સહિત 14 દબાણ પર બુલડોઝર ફેરવાયું - At This Time

શહેરમાં ત્રણ સ્થળેથી બે ધાર્મિક, હોટેલ સહિત 14 દબાણ પર બુલડોઝર ફેરવાયું


બેડી યાર્ડ નજીક સહિતના સ્થળે રૂ.5.31 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ મનપા અને તાલુકા મામલતદાર તંત્રે અલગ-અલગ કાર્યવાહી હાથ ધરી

રાજકોટ તાલુકાના બેડી માર્કેટ યાર્ડ સામે આવેલી સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા હોટેલ સહિતના અડધો ડઝન જેટલા દબાણ પર તાલુકા મામલતદાર તંત્રે અને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ વોર્ડ નં.2 અને 3માં ગેરકાયદે ખડકાયેલા બે ધાર્મિક દબાણ સહિત આઠ દબાણ પર બુલડોઝર ફેરવી દઇ અંદાજે રૂ.5.31 કરોડની લગભગ 1071 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર કૌશિક મકવાણા, નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા સહિતના સ્ટાફે સરવે નં.261ની સરકારી ખરાબા પૈકીની જમીનમાં ગેરકાયદે ખડકાયેલા કોમર્સિયલ બાંધકામો દૂર કરવા નોટિસ ફટકાર્યા બાદ દબાણનો કેસ ચલાવ્યો હતો અને ત્યારબાદ દબાણ દૂર કરવા નોટિસ આપી હતી. આમ છતાં દબાણો દૂર ન થતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંગળવારે સવારે 1 હોટેલ, 1 રેસ્ટોરન્ટ, ચાની કેબિન, 1 પાનની કેબિન અને 1 મોટા ગેરેજ પર બુલડોઝર ફેરવી દીધું હતું અને અંદાજે રૂ.5 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના એડિ. સિટી એન્જિનિયર એ.એ.રાવલના આદેશાનુસાર ટાઉન પ્લાનિંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા મંગળવારે અનધિકૃત બાંધકામો દૂર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં 71 ચો.મી.ની અંદાજિત રૂ.31 લાખની જમીન ખુલ્લી કરાવી હતી. ટીપી શાખાએ વોર્ડ નં.3 રેલનગરમાં ટીપી સ્કીમ નં.23 અનામત પ્લોટ નં.18-એમાંથી મંદિરનું દબાણ, વોર્ડ નં.2માં અનામત પ્લોટ નં.એસઆઇ/6માંથી રહેણાક મકાન, માધાપરમાં દરગાહમાં આવેલો રૂમ, પાણીના ટાંકા તથા ચાર રહેણાક મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.