વિરપુરમાં સેવકે શિક્ષકોને સ્વચ્છતા પાઠ શીખવ્યાં !
શિક્ષકોને ચોરી ઉપરથી સીનાજોરી કરી સેવક પાસે જ માફી નામું લખાવતાં વિવાદ સર્જાયો...
વિરપુરના બીઆરસી ભવનમાં કાર્યક્રમ દરમિયાન ચા – નાસ્તાની ડીશ અને કપ જ્યાં ત્યાં ફેંકતા શિક્ષકોને સેવકે ટપાર્યાં હતાં અને ડીશ તથા કપ કચરાં પેટીમાં જ નાંખવાનું કહ્યું હતુ. જોકે, આ મામલે શિક્ષકોનો ‘અહમ’ ઘવાયો હતો અને તેઓએ સેવક સાથે ઉગ્ર બોલાચાલી કરી તેની પાસે માફી પત્ર લખાવ્યું હતું. આ મામલો તાલુકા શિક્ષણાધિકારી સુધી પહોંચતાં ભીનુ સંકેલવાની તજવીજ શરૂ થઇ ગઇ હતી.
વિરપુર ખાતે આવેલા બીઆરસી ભવનમાં છઠ્ઠી ડિસેમ્બરના રોજ ધો. 3થી ધો.5ના અંદાજિત 44 જેટલા શિક્ષકો સીપીડીની તાલીમ માટે આવ્યાં હતાં. આ તાલીમ દરમિયાન શિક્ષકોએ ચા - નાસ્તાની ડિશ અને કપ જ્યાં, ત્યાં ફેંકતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું હતું. આથી, વ્યવસ્થાના ભાગરૂપે કચરાં પેટીમાં ડીશ – કપ ફેંકવાની જગ્યાએ શિક્ષકો આમ તેમ ફેંકતા ત્યાં હાજર સેવકે કેટલાક શિક્ષકો ને કચરાં પેટીમાં ડીશ – કપ ફેંકવાનું સૂચન કર્યું હતું. આથી, પોતાને સર્વોપરી માનતા શિક્ષકોનો ‘અહમ’ ઘવાયો હતો અને સેવક પર તૂટી પડ્યાં હતાં. જેના કારણે સફાઈ કર્મચારી અને શિક્ષકો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. સેવકે પોતાની ફરજના ભાગરૂપે સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. પરંતુ શિક્ષકો સ્વચ્છતાના પાઠ ભણવાના બદલે શાબ્દીક મર્યાદા પણ ભુલી ગયાં હતાં. શિક્ષકો પોતાના હોદ્દાની ગરમી પાર કરી સ્વચ્છતાને નેવે મૂકી હોય તેમ તું... તું... મેં... મેં... કરતા વાત વણસી હતી. આખરે મામલો તાલુકા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા સફાઈ સેવક પાસેથી માફિનામુ લખાવી મામલો થાળે પડ્યો હતો...
આ અંગે સેવકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, આશરે 44 જેટલા શિક્ષકોનો સમૂહ હોવાથી મારો પુત્ર ડરી ગયો હતો અને નોકરીમાંથી છૂટો કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. શિક્ષકોના સમુહે કોરા કાગળ પર સહીઓ કરી માફિનામું બનાવી તાલુકા શિક્ષણ અધિકારીને મોકલી આપ્યું હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.