ચિંતન શિબિર અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને હિતધારકોની ઉપસ્થિતિમાં જૂથ ચર્ચા સત્ર યોજાયા
*ચિંતન શિબિર અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને હિતધારકોની ઉપસ્થિતિમાં જૂથ ચર્ચા સત્ર યોજાયા*
--------------
*પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો સહિતના મુદ્દાઓ પર મનોમંથન કરાયું*
--------------
*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જૂથ ચર્ચા સત્રોના નિષ્કર્ષ વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા*
--------------
જિલ્લાકક્ષાની ચિંતન શિબિર અંતર્ગત વિવિધ ચર્ચાસત્રોનું આયોજન કરાયું હતું. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને હિતધારકોની ઉપસ્થિતિમાં સાગરદર્શન અને સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા ચર્ચા સત્રોમાં પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો, સરકારી જમીનો (લેન્ડ બેંક)ના આદર્શ ઉપયોગ, સરકારી યોજનામાં સંતૃપ્તિ અંગે જૂથ ચર્ચા સત્ર યોજાયા હતાં.
જૂથ ચર્ચાના સત્ર બાદ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ચાર ચર્ચા સત્રના જૂથોમાં વારાફરતી મૂલાકાત લઈને ચર્ચા સત્રોમાં નીપજેલી ભલામણોની પ્રસ્તુતી સાંભળી જરૂરી સૂચનો કર્યા હતાં અને સહભાગીઓના પ્રશ્નોનું તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે નિરાકરણ આવે તે અંગેનું સામૂહિક મનોમંથન કરવામાં આવ્યું હતું.
પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન અંગેની ચર્ચાઓમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની આસપાસના વિસ્તારો જેવા કે, પ્રાચી, ભાલકા તીર્થ, દ્રોણેશ્વર, સૂર્યમંદિર, ત્રિવેણી સંગમ સહિતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને વિકસાવવા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
તેમજ વિવિધ સ્થળોમાં પ્રવાસન સર્કિટ વિકસાવવા અને તેની સગવડતાઓ વિકસાવવા તેમજ જંગલમાં કેમ્પિંગ સાઈટ વિકસાવવી, ટ્રેકિંગ સાઈટ, નેશ કલ્ચર વિકસાવવા અંગે ઈકો ટૂરિઝમ તેમજ પ્રાકૃતિક સ્થળો તેમજ પ્રવાસીઓની સગવડતામાં વધારો કરી અને ગીર સોમનાથ જિલ્લાને ટૂરિસ્ટ ફ્રેન્ડલી બનાવવા વિશે ચર્ચા અને મનોમંથન કરવામાં આવ્યું હતું.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો અંગે જૂથ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં જિલ્લાના અલગ અલગ બંદરો થકી માછીમારી કરતા સાગરખેડૂઓની સમસ્યાઓ વિશે ચર્ચા, માછીમારોને મળતી સરકારની વિવિધ સહાય, કોલ્ડ સ્ટોરેજ તેમજ ગ્રામ્ય સ્તરે મહિલાઓની સહભાગીતા વધારી અને આર્થિક ઉપાર્જનમાં વધારા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.
સરકારી જમીનો (લેન્ડ બેંક) નો આદર્શ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને તેને લોકભોગ્ય બનાવી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત સરકારી યોજનાઓમાં 100% સિદ્ધિ હાંસલ કરી શકાય અને તેને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડી શકાય તે માટેનું મંથન ચર્ચાસત્રમાં કરવામાં આવ્યું હતું.
પ્રવાસનના ચર્ચાસત્રમાં નગરપાલિકા દ્વરા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રોડ ડેવલપમેન્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ સહિતના વિવિધ મુદ્દે વિકાસલક્ષી આયોજનો રજૂ કર્યા હતાં.
આ ચર્ચામાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના અધિકારીઓ અને હોમ સ્ટેના માલિકો, હોટેલ એસોસિએશન, બસ એસોસિએશન, ટેક્સી એસોસિએશન, ટૂરિસ્ટ ગાઈડ એસોસિએશન, સાસણ વાઈલ્ડલાઈફ જીપ્સી એસોસિએશન, રિસોર્ટ એસોસિએશન, પ્રાચી માધવરાય મંદિર અને તુલશીશ્યામના પ્રતિનિધિ, ટ્રાવેલ એજન્સીના પ્રતિનિધિ, વિવિધ એસોસિએશનના પદાધિકારીઓ, સખીમંડળ ગૃપ, વિવિધ ગામના સરપંચો, ઉદ્યોગના હોદ્દેદારો સહિતના સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.