EDITOR’S VIEW: હું સમુદ્ર છું, પાછો આવીશ..:ચાર વર્ષ પહેલાં ફડણવીસે કહેલા શબ્દો સાચા પડ્યા, રાજહઠમાં એકનાથ શિંદેને પણ પાછળ છોડ્યા, ત્રીજી વાર મહારાષ્ટ્રના CM બનવાની રસપ્રદ સફર
12 દિવસથી ચાલી રહેલા મહારાષ્ટ્રના મહાનાટક પર પડદો પડી ગયો છે. રાજહઠની સંગીત ખુરશીમાં શિંદે અને ફડણવીસ વચ્ચે ખેંચતાણ હતી. અંતે આ ખુરશીમાં દેવેન્દ્ર ફડણવીસ બેસી ગયા છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાન્ત પાટીલે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકાયો. પ્રસ્તાવ મંજૂર થયો. ફડણવીસે આભાર સંબોધનમાં કહ્યું કે, એક હૈં તો સેફ હૈં, મોદી હૈં તો મુમકીન હૈં... ત્યાં જ સોશિયલ મીડિયામાં દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહનું કાર્ડ ફરતું થઈ ગયું. કાર્ડમાં તેમના માતા-પિતા સાથે આખું નામ લખ્યું છે- દેવેન્દ્ર સરિતાતાઈ ગંગાધરરાવ ફડણવીસ. નમસ્કાર, હવે મહારાષ્ટ્રના નાથ એકનાથ નથી. જેમ રાજસ્થાનમાં રાજનાથસિંહને મોકલવામાં આવ્યા હતા, તેમ મહારાષ્ટ્રમાં નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીને મોકલવામાં આવ્યા. રૂપાણી અને સીતારમણે હાઈકમાન્ડનો મેસેજ પહોંચાડી દીધો. રિસામણાં, મનામણાં, સતારાથી ઠાણે, બીમારી આ બધા વચ્ચે અંતે એકનાથ શિંદેએ મને-કમને નાયબ મુખ્યમંત્રીપદ સ્વીકારી લીધું. અજિત પવારના નસીબમાં જ નાયબ મુખ્યમંત્રીનું પદ લખાઈને આવ્યું હોય તેમ તે પણ છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બનશે. મહારાષ્ટ્રમાં મહાયુતિની હોડી હાલક ડોલક થતી કિનારે તો પહોંચી પણ હવે ખાતા ફાળવણીમાં લાંબી માથાકૂટ ચાલી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ જ કેમ મજબૂત દાવેદાર હતા? મહારાષ્ટ્રમાં ભાજપ માટે પોતાનો મુખ્યમંત્રી હોવો મહત્ત્વનું કેમ છે?
મહારાષ્ટ્ર રાજનીતિ અને અર્થશાસ્ત્ર બંને દૃષ્ટિકોણથી મહત્ત્વનું રાજ્ય છે. આવી સ્થિતિમાં દરેક પાર્ટી અહીં પોતાની સરકાર ઈચ્છે છે. રાજકારણના દૃષ્ટિકોણથી અહીં લોકસભાની 48 અને રાજ્યસભાની 19 બેઠકો છે. વિધાનસભામાં 288 અને વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્રની વસ્તી લગભગ 13 કરોડ છે, જે દેશની વસતિના 9.3% છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 14% છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મહારાષ્ટ્ર નંબર વન છે. દેશનો 39% ડાયરેક્ટ ટેક્સ અહીંથી આવે છે. માથાદીઠ આવકની દૃષ્ટિએ રાજ્ય છઠ્ઠા સ્થાને છે. હાલમાં મહારાષ્ટ્રમાં ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ બધાને કારણે દરેક પક્ષો ઈચ્છે છે કે રાજ્યમાં પોતાની સરકાર બને અને પોતાનો સીએમ બને. એટલે ભાજપને વધારે સીટ આવી ત્યારથી જ નક્કી હતું કે, સીએમ તો ભાજપના જ બનશે. શિંદેને શાનો ડર છે?
એકનાથ શિંદે માટે સીએમ પદ છોડવું તેમની રાજકીય કારકિર્દી માટે જોખમી નિર્ણય છે. 57 બેઠકો જીતીને શિંદેએ શિવસેનાના વારસાની લડાઈ લગભગ જીતી લીધી છે. આવી સ્થિતિમાં શિંદેને મુખ્યમંત્રી પદ મળ્યું નથી અને હવે જો શક્તિશાળી મંત્રાલય ન મળે તો તેમના કાર્યકરોના મનોબળને પણ અસર થશે. શિંદેને ડર છે કે તેની ઈમેજ નબળી પડશે. પોતાની પાર્ટી ચલાવવા માટે જરૂરી ફંડિંગને પણ ભારે અસર થશે. શિંદેની નજર છેલ્લે સુધી સીએમની ખુરશી પર હતી. એ તો ન મળી પણ હવે તેમની નજર ગૃહ, શહેરી વિકાસ અને નાણાં જેવા મજબૂત વિભાગો પર છે. એમાંથી જો કોઈ મહત્વનું મંત્રાલય નહીં મળે તો મહારાષ્ટ્રમાં તેમની છબી ખૂબ જ નબળી થઈ જશે. શિંદે પોતાની બનાવેલી ઈમેજ નબળી પાડવા દેવા માગતા નથી. ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકતો હતો, છતાં શિંદેને નાયબ સીએમ કેમ બનાવ્યા?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ જીત ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી છે. આ સિવાય એક અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપને સમર્થન આપ્યું છે. આ સંખ્યા બહુમતીના આંકડા કરતાં માત્ર 12 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપ એનસીપી સાથે મળીને સરળતાથી સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં હતા. આમ છતાં ભાજપ એકનાથ શિંદેની અવગણના કરી શકે નહીં. તેના કેટલાક મહત્વના કારણો આ પ્રમાણે છે... મહાયુતિના 31 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવ્યા હતા. મહાયુતિ એટલે કે ભાજપ-શિવસેના શિંદે-એનસીપી પવારને 230 બેઠકોની જબરદસ્ત બહુમતી મળી. જો કે ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે નક્કી માનવામાં આવતું હતું. મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના શિંદે અને એનસીપીમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ભાજપના 19, એનસીપીના 7 અને શિવસેનાના 5 નેતા શપથ લઈ શકે છે. કોણ છે દેવેન્દ્ર ફડણવીસ?
દેવેન્દ્ર ફડણવીસનો જન્મ 22 જુલાઈ 1970એ નાગપુરના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા ગંગાધર રાવ RSS પ્રચારક અને ભાજપના નેતા હતા. ગંગાધર રાવ થોડા સમય માટે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા. દેવેન્દ્ર ફડણવીસ કોલેજના દિવસોથી જ ABVPમાં સભ્ય રહ્યા. દેવેન્દ્ર ટૂંકાગાળામાં નાગપુરમાં RSSના પ્રચારક બની ગયા. દેવેન્દ્રને તેમના પિતા પાસેથી રાજકીય વારસો મળ્યો હતો, એટલે પોતાની ઓળખ ઊભી કરવામાં મુશ્કેલી ન પડી. 1992માં નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1997માં 22 વર્ષની ઉંમરે નાગપુરના સૌથી યુવા મેયર બન્યા. 1999માં નાગપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2013માં મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા. 2014માં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને કાયદામંત્રી બન્યા. 2019માં મહારાષ્ટ્રના 17મા મુખ્યમંત્રી બન્યા. જ્યારે 2022માં ડેપ્યુટી સીએમ બન્યા. હવે ફરી 2024માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. દેવેન્દ્ર ફડણવીસના પરિવારમાં ભાઈ આશિષની મહત્વની ભૂમિકા
દેવેન્દ્રના પિતા ગંગાધર રાવ રાજકારણમાં સક્રિય હતા. તેના પગલે ગંગાધરના મોટા પુત્ર આશિષ પણ રાજકારણમાં સક્રિય થયા. પિતાના અવસાન બાદ દેવેન્દ્રના મોટા ભાઈ આશિષ ફડણવીસે તેમની રાજકીય કારકિર્દી છોડી દીધી. તેમણે પરિવારની જવાબદારી લીધી અને પોતાના નાના ભાઈ દેવેન્દ્રને રાજકારણમાં આગળ વધાર્યા. દેવેન્દ્ર ફડણવીસે અમૃતા રાનાડે સાથે લગ્ન કર્યા છે. 17 નવેમ્બર 2005ના રોજ બંનેનાં એરેન્જ્ડ મેરેજ થયાં. બંનેને એક પુત્રી છે, જેનું નામ દિવિજા ફડણવીસ છે. પત્ની અમૃતા પોતે વ્યવસાયે બેંકર, એક્ટ્રેસ અને સિંગર છે. દેવેન્દ્રના સાસુ-સસરા નાગપુરમાં ડોક્ટર છે. ફડણવીસને ઈન્દિરાથી નફરત કેમ થઈ ગઈ?
દેવેન્દ્ર ફડણવીસે એક સમયે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 1975માં જ્યારે દેશભરમાં ઈમર્જન્સી લાગુ કરવામાં આવી ત્યારે તેમના પિતા ગંગાધર રાવની પણ ધરપકડ કરવામાં આવી હતી. આનાથી દેવેન્દ્રને ઈન્દિરા ગાંધીથી નફરત થઈ ગઈ. નફરત ત્યાં સુધી કે, જે સ્કૂલમાં તે ભણતા હતા તેનું નામ ઈન્દિરા કોન્વેન્ટ સ્કૂલ હતું. તેમણે 6 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી, કારણ કે શાળાનું નામ ઈન્દિરાના નામ પર હતું. જ્યારે અટલજીએ દેવેન્દ્ર ફડણવીસને કહ્યું- 'આવો મોડેલ ધારાસભ્યજી'
2006ની વાત છે. દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય બન્યાને 7 વર્ષ થઈ ગયાં હતાં. નાગપુર શહેરના દરેક ચોક પર ખાનગી કપડાંની દુકાનનો પ્રચાર કરતા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. આ હોર્ડિંગ્સમાં જેની તસવીર દેખાડવામાં આવી હતી તે મોડેલ હતા દેવેન્દ્ર ફડણવીસ. એટલે તે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે. ફોટોગ્રાફર વિવેક રાનાડેએ આ હોર્ડિંગ્સ માટે ફોટો ક્લિક કર્યો હતો. આ સમાચાર અટલ બિહારી વાજપેયી સુધી પહોંચ્યા. થોડા દિવસો પછી તેમણે દેવેન્દ્રને મળવા દિલ્હી આવવા કહ્યું. વાજપેયીએ ફડણવીસનું સ્વાગત કરતાં કહ્યું હતું કે 'આવો મોડેલ ધારાસભ્યજી.' દેવેન્દ્રએ નીતિન ગડકરીના વિરોધી ગોપીનાથ મુંડે સાથે હાથ મિલાવી લીધા
મહારાષ્ટ્રના નાગપુરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ગુરૂ હતા ગંગાધર રાવ. આ ગંગાધર રાવ એટલે દેવેન્દ્રના પિતા. આ સંબંધોના કારણે ગડકરી અને ફડણવીસ પરિવાર વચ્ચે નિકટના સંબંધો હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસ પહેલીવાર ધારાસભ્ય બન્યા ત્યારે નાગપુર ક્ષેત્રમાં ભાજપના એકમાત્ર મોટા નેતા ગડકરી હતા. એવું કહેવાય છે કે નીતિન ગડકરીએ જ ભાજપને કહીને પહેલીવાર દેવેન્દ્રને વિધાનસભાની ટિકિટ અપાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી એકબીજાની ખૂબ નજીક હતા. એ સમયે દેવેન્દ્ર ફડણવીસ વિદર્ભ અને નાગપુર પ્રદેશમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમોમાં નીતિન ગડકરી સાથે મંચ પર જોવા મળતા હતા. બાદમાં નીતિન ગડકરીને ભાજપમાં ગોપીનાથ મુંડે તરફથી પડકારનો સામનો કરવો શરૂ થયો. બદલાતા રાજકીય સમીકરણને જોઈને દેવેન્દ્ર ફડણવીસે પોતાને ગડકરીથી દૂર કર્યા અને પક્ષમાં તેમના વિરોધી ગણાતા ગોપીનાથ મુંડે સાથે હાથ મિલાવ્યો. ટૂંક સમયમાં જ ફડણવીસનો આ નિર્ણય સાચો સાબિત થયો અને ફડણવીસ જે ક્યારેય મંત્રી પણ બન્યા નહોતા, મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ બનવામાં સફળ થયા. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની હતી. ત્યારે ભાજપે મહારાષ્ટ્રમાં બિન-મરાઠી નેતાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. આ રણનીતિમાં ફડણવીસનું નામ મોખરે હતું. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા
શિવસેના સાથેના ગઠબંધનથી અલગ થવા છતાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 288 સીટમાંથી 122 બેઠક જીતી હતી. 2009માં તેને માત્ર 46 બેઠક મળી હતી. આ જીત બાદ ભાજપે 44 વર્ષની ઉંમરે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. તે શરદ પવાર પછી મહારાષ્ટ્રના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. આટલું જ નહીં, લગભગ 49 વર્ષ પછી રાજ્યમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય તો એ ફડણવીસ છે. તેમના પહેલાં વસંતરાવ નાઈકે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. વસંતરાવ નાઈક 1963થી 1975 દરમિયાન 11 વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા. 2019માં બીજી વખત સીએમ બન્યા, પણ માત્ર 80 કલાક પછી રાજીનામું આપવું પડ્યું
21 ઓક્ટોબર, 2019ના રોજ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. શિવસેના અને ભાજપ ગઠબંધન NDAએ 61.4% મતો સાથે બહુમતી જીતી હતી. 24 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો આવતાંની સાથે જ શિવસેના અને ભાજપ બંનેએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં 19 દિવસ સુધી સરકારની રચના ન થતાં બંધારણીય કટોકટી સર્જાઈ. રાજ્યપાલની ભલામણ પર 12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું. 10 દિવસ પછી કોંગ્રેસ અને NCPએ શિવસેનાની મદદથી સરકાર બનાવવાનો નિર્ણય લીધો. દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવાર અડધી રાત્રે રાજ્યપાલ ભવન પહોંચ્યા. તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો. સવારે લગભગ 5.47 વાગ્યે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિશાસન હટાવી લેવામાં આવ્યું. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે 2 દિવસ પછી અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે NCPમાં પરત ફર્યા. દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં બહુમત સાબિત કરી શક્યા નહીં ને 80 કલાક CM રહ્યા પછી રાજીનામું આપી દેવું પડ્યું. દેવેન્દ્ર ફડણવીસ આ નિવેદનોથી વિવાદમાં રહ્યા... હવે તમે પણ તમારી વાત અમારા સુધી નીચેના નંબર પર પહોંચાડી શકો છો. +91 90231 17108 આ વ્હોટ્સએપ પર તમારું નામ અને પ્રોફેશન લખીને તમારું સૂચન મોકલી શકો છો. શક્ય હશે તો એડિટર્સ વ્યૂમાં અમે એની ચર્ચા પણ કરીશું. છેલ્લે, સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામનું એલાન થાય તે પહેલાં જ નાગપુરમાં ફડણવીસના સમર્થનમાં પોસ્ટરો લગાવી દેવાયા હતા. આ પોસ્ટરમાં એક કવિતા લખેલી છે. કવિતાનું શિર્ષક છે- વાપસ આના પડતા હૈ... કવિતા એવી છે કે, પથ્થર કી બંદીશ સે ભી ક્યા બહતી નદીયાં રૂકતી હૈ, હાલાતોં કી ધમકી સે ક્યા અપની નઝરેં ઝૂકતી હૈં, કિસ્મત સે હર પન્ને પર કિસ્મત લીખવાના પડતા હૈ, જીસમેં મશાલ સા જઝ્બા હો વો દીપ જલાના પડતા હૈ, વાપસ આના પડતા હૈ, ફિર વાપસ આના પડતા હૈ… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.