PM મોદી આજે સંસદમાં ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ જોશે:સંસદમાં અદાણી મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો, લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
સંસદના શિયાળુ સત્રનો સોમવારે પાંચમો દિવસ છે. લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. પાંચ મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલુ રહ્યા બાદ કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી. વિપક્ષના નેતાઓએ ત્યાં પણ હોબાળો મચાવ્યો હતો. જે બાદ અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ 'સાબરમતી રિપોર્ટ' જોશે. વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતના રમખાણો પર આધારિત છે. નાણામંત્રી સીતારમણ આજે લોકસભામાં બેંકિંગ લો સંશોધન બિલ રજૂ કરી શકે છે. અગાઉ 29 નવેમ્બરે સત્રના ચોથા દિવસે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં અદાણી અને સંભલનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ સતત હોબાળો મચાવ્યો હતો. સ્પીકરે તેમને બેસાડવા માટે ઘણી વાર પ્રયાસ કર્યા, પરંતુ વિપક્ષ શાંત ન થયા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, 'સહમતિ-અસંમતિ લોકશાહીની તાકાત છે. મને આશા છે કે તમામ સભ્યો ગૃહને કામ કરવા દેશે. દેશની જનતા સંસદને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે. ગૃહ દરેકનું છે, દેશ ઇચ્છે છે કે સંસદ ચાલે. 25 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી હતી. દરરોજ, સરેરાશ, બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં લગભગ 10-10 મિનિટ કામ થતું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.