દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ:ફોરેન્સિક-NSG ટીમ પહોંચી; સ્થળ પરથી સફેદ પાવડર જેવી વસ્તુ મળી - At This Time

દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ:ફોરેન્સિક-NSG ટીમ પહોંચી; સ્થળ પરથી સફેદ પાવડર જેવી વસ્તુ મળી


દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં PVR મલ્ટીપ્લેક્સ પાસે ગુરુવારે સવારે 11.48 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને ફોરેન્સિક ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે. આ સિવાય બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, તેમને વિસ્ફોટ સંબંધિત કોલ મળ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બ્લાસ્ટ પાર્કની બાઉન્ડ્રી વોલ પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ વેરવિખેર મળી આવી છે. પ્રશાંત વિહારમાં આ બીજી ઘટના છે. આ પહેલા 20 ઓક્ટોબરે પણ CRPF પબ્લિક સ્કૂલ પાસે આવો જ વિસ્ફોટ થયો હતો. ઘટના બાદની 2 તસવીરો... આતિશીએ કહ્યું- કાયદો અને વ્યવસ્થાની જવાબદારી માત્ર ભાજપની
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, આ રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. બે મહિનામાં આ બીજો બ્લાસ્ટ છે. આતિશીએ કહ્યું, "દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી માત્ર ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહની છે, પરંતુ તેઓ આમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે." તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગૃહમંત્રીના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારોમાંથી ખંડણીના કોલના અહેવાલો મળી રહ્યા છે. 20 ઓક્ટોબરે દિલ્હી CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો હતો
દિલ્હીના રોહિણી સેક્ટર 14ના પ્રશાંત વિહાર વિસ્તારમાં 20 ઓક્ટોબરે સવારે લગભગ 7:30 વાગ્યે CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીઆરપીએફ સ્કૂલની દિવાલ નજીકની દુકાનો અને કેટલીક કારને નુકસાન થયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં ક્રૂડ બોમ્બ જેવી સામગ્રી મળી આવી હતી. ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. બીજા દિવસે 21 ઓક્ટોબરે, દિલ્હી પોલીસે અહેવાલ આપ્યો કે શાળાની દિવાલ પાસે પોલિથીન બેગમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આ બેગ 1 ફૂટ ઊંડા ખાડામાં સંતાડીને રાખવામાં આવી હતી. આ પછી તેને કચરાથી ઢાંકી દેવામાં આવી હતી, જેથી તે કોઈ જોઈ ન શકે. આ સિવાય દિલ્હી પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. 1 દિવસ પહેલાના ફૂટેજમાં દિલ્હી પોલીસે દિવાલ પાસે સફેદ ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિને જોયો હતો. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. ખાલિસ્તાની સંગઠને ટેલિગ્રામ પર જવાબદારી લીધી હતી ખાલિસ્તાની સંગઠને દિલ્હી સ્કૂલ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. ટેલિગ્રામ પર જસ્ટિસ લીગ ઈન્ડિયા ગ્રુપ પર તેમનો મેસેજ આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ કોઈપણ સમયે હુમલો કરવા સક્ષમ છે. દિલ્હી પોલીસે ટેલિગ્રામ કંપની પાસેથી આ મેસેજ અંગે માહિતી માંગી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.