દાખલ દર્દી વોર્ડની બહાર અર્ધનગ્ન હાલતમાં મળ્યાના કિસ્સામાં તપાસ સમિતિ રચાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબિબ અને સ્ટાફ દ્વારા માનવતાને નેવે મુકી દર્દીને રઝળતા મૂકી દીધાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે.અગાઉ તબિબોએ એક વૃદ્ધ અશક્ત બિમાર દર્દીને સ્ટ્રેચરમાં નાખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દીધા હતા. એ ઘટનામાં કમિટીએ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન તેવી જ એક શંકાસ્પદ ઘટના સામે આવી છે.
ગઈ કાલે સવારે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તે અર્ધનગ્ન હાલતમાં હતો. જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતાં તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો. આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતાં મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે અઢી વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.
તેને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હતી અને તે ચાલી શકવા સક્ષમ ન હોતો. અને તેને સર્જરી વોર્ડ નં.2 માં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરાવવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે. જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.
તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો?, તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું?, આવા અનેક સવાલો ઉઠ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારીના કિસ્સા બહાર આવી રહ્યા છે તે શરમજનક છે. કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતી સજા કરી મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી.
ત્યારે આ ઘટનામાં પણ કોઈ તબીબ કે સ્ટાફ દ્વારા દર્દીને રઝળતો મૂકી દેવામાં આવ્યો છે કે કેમ? તેની ચકાસણી તબીબી અધિક્ષક દ્વારા તપાસ કમિટી રચી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.