મવડીના કોન્ટ્રાકટર પર મિત્ર મહેશ વકાતર અને તેના સાગરીતોએ ધારીયા-પાઈપથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
મવડીના કોન્ટ્રાકટર પર સરદાર ચોક પાસે તેના મિત્ર મહેશ વકાતર અને સાગરીતોએ ધારીયા પાઈપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કોન્ટ્રાકટર મહેશભાઈને મિત્ર સતીષ ગમારા સાથે ઉઠક બેઠક હોય જેનો ખાર રાખી મહેશ વકાતરે હુમલો કરાવ્યાનું સામે આવ્યું છે.
બનાવ અંગે મવડી ગામમાં બાપા સીતારામ ચોકથી આગળ આલાપ મેઈન રોડ પર રહેતા મહેશભાઈ વલ્લભભાઈ મેઘાણી (ઉ.42)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ ગાંડુ વકાતર અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપતા તાલુકા પોલીસે બીએનએસ એકટ 115 (2), 118 (1), 117 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ કંટ્રકશનનું કામ કરે છે એકાદ મહિના પહેલા મહેશ વકાતર અને તેના પિતા ગાંડુ વકાતર સાથે તેમના મીત્ર સતીષ ગમારાની સાથે ઉઠક બેઠક હોય જે મામલે પિતા પુત્ર સાથે ઝઘડો થયેલો.
ગઈકાલે બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ બાઈકમાં મઢેથી ઘરે જવા નીકળેલ ત્યારે સરદાર ચોક, શ્યામ સોસાયટીની બાજુમાં પહોંચતા પાછળથી એક એકટીવા ચાલકે અકસ્માત કરી તેઓને પછાડી દીધેલ હતા. તેઓ ઉભા થઈ અકસ્માત કરનાર શખ્સને કહેલ કે ભાઈ પાછળથી ઠોકર મારે છે દેખાતું નથી? કહેતા એકટીવામાં સવાર અજાણ્યા વ્યકિત અને તેની સાથે અન્ય એક બાઈકમાં રહેલ બે શખ્સો નીચે ઉતરી લોખંડના પાઈપ વડે માર મારવા લાગ્યા હતા.
જેમાંથી એક શખ્સ પાસે રહેલ ધારીયાના ઘા ઝીંકી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ત્રણેય શખ્સોએ કહેલ કે અમને કહીને જ મોકલેલ છે કે તને મારી જ નાખવો છે તેમ કહીં ધમકી આપી ત્રણેય નાસી છુટયા હતા. બાદમાં ફરીયાદીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જયાં તેઓને હાથ અને પગમાં ફેકચર થયાનું નિદાન થયું હતું. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે આરોપી મહેશ વકાતરે અગાઉની અદાવતનો ખાર રાખી તેમના ત્રણ શખ્સોને મોકલી તેમના પર હુમલો કરાવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.