ગેરરીતિ પર એક્શન! રાજકોટના બે સહિત 4 તબીબ - સાત હોસ્પિટલ સસ્પેન્ડ - At This Time

ગેરરીતિ પર એક્શન! રાજકોટના બે સહિત 4 તબીબ – સાત હોસ્પિટલ સસ્પેન્ડ


પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરનારી હોસ્પીટલો-ડોક્ટરો પર એક્શન શરૂ કરાયા છે. રાજકોટની એક સહિત સાત હોસ્પીટલોની આ મહત્વાકાંક્ષી આરોગ્ય યોજનામાંથી બાદબાકી કરી નાખવામાં આવી છે. ઉપરાંત ચાર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.
રાજકોટના ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પીટલની ઘટના ચર્ચાસ્પદ બની હતી. કેન્દ્ર સરકારની પીએમ જેએવાય યોજના વધુ નાણાં મેળવવા બાળકોને જરૂર કરતા વધુ સમય સુધી દાખલ કરવામાં આવતા હતા અને બીનજરૂરી ટેસ્ટ કરીને તેમાં ચેડા થતાં હોવાનો પર્દાફાશ થયો હતો. સરકાર દ્વારા હોસ્પીટલને અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકારાયાો હતો.
આ પછી ગત સપ્તાહમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલના કથિત કૌભાંડે ખળભળાટ સર્જાયો હતો. આ કૌભાંડમાં હોસ્પીટલ-તબીબોએ ગ્રામ્ય વિસ્તારમાં મેડીકલ કેમ્પનો આશરો લીધા બાદ દર્દીઓને જરૂર ન હોય તે પણ હૃદયની સર્જરી કરીને સ્ટેન્ટ બેસાડી દીધા હતા. આ સર્જરી બાદ બે લોકોના મોત થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને પીએમજેએવાય યોજનામાંથી નાણાં કટકટાવવા ખોટી સર્જરીનું કારસ્તાન થયાનો પર્દાફાશ થયો હતો.
તબીબી ક્ષેત્રના આવા નવતર કૌભાંડોથી સ્તબ્ધ રાજ્ય સરકાર દ્વારા એક્શન શરૂ કરવામાં આવ્યા હોય તેમ અમદાવાદની ત્રણ તથી ગીર સોમનાથ, રાજકોટ, સુરત અને વડોદરાની એક-એક સ્પેશ્યાલીટી હોસ્પીટલોને યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે. ઉપરાંત બે ઓન્ડોલોજીસ્ટ, એક કાર્ડિયોલોજીસ્ટ સહિત ચાર નિષ્ણાંત તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ચાર તબીબોમાં અમદાવાદના ખ્યાતિ કાંડમાં હૃદયની સર્જરી કરનાર હૃદયરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત વઝીરાણી તથા રાજકોટમાં કૌભાંડ કરનાર ડો. હિરેન મશરૂનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્સર રેડીએશન સ્પેશ્યાલ ડો. કેતન કાલરીયા તથા કેન્સર સર્જન ડો. મીહીર શાહનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે દ્વારા પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ-ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા તાત્કાલીક અસરથી નવા નિયમો લાગૂ કર્યા છે. આ યોજનામાં સામેલ હોસ્પીટલોને મેડીકલ કેમ્પ યોજવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. માત્ર લેબ રીપોર્ટના આધારે જ સારવાર સર્જરીને બદલે તે માટે યોગ્ય પુરાવા આપવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે હજુ વધુ પગલા શક્ય છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.