નેત્રંગ તાલુકાના ટીમલા ગામે આડા સંબંધનો વહેમ રાખી પતિનો પત્ની પર કુહાડીથી હુમલો - At This Time

નેત્રંગ તાલુકાના ટીમલા ગામે આડા સંબંધનો વહેમ રાખી પતિનો પત્ની પર કુહાડીથી હુમલો


પતિના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ મહિલા અને તેના પિતાને સારવાર માટે રાજપિપલા લઇ જવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ટીમલા ગામે એક મહિલાના પતિએ આડા સંબંધના વહેમમાં મહિલા પર કુહાડીથી હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાએ તેના પતિ વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ટીમલા ગામે રહેતી ત્રણ સંતાનોની માતા ટીનાબેન રમેશભાઇ વસાવા નામની ૩૭ વર્ષીય મહિલા તા.૧૫ મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં ઘરે જમવાનું બનાવતી હતી ત્યારે તેણીનો પતિ રમેશ ગંભીરભાઇ વસાવા ત્યાં આવ્યો હતો અને ટીનાબેનને કહેવા લાગેલ કે તું અન્ય પુરૂષ સાથે કેમ આડો સંબંધ રાખે છે? તેમ કહીને તે ગાળો બોલવા લાગ્યો હતો. આ સાંભળીને ટીનાબેને કહ્યું હતું કે મારે કોઇ સાથે સંબંધ નથી,તમે ખોટો શક કરો છો. ત્યારબાદ રમેશભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને પત્નીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો,અને ઘરમાં મુકેલ કુહાડી લઇ આવીને કુહાડીનો ધારવાળો ભાગ ટીનાબેનને માથા ઉપર મારી દીધો હતો,જેથી ટીનાબેન ઇજાગ્રસ્ત થયા હતા અને ચામડી ફાટીને લોહી નીકળવા લાગ્યું હતું.ત્યારબાદ ટીનાબેન ત્યાંથી તેમના પિયરના ગામ કાંટીપાડા ફોરેસ્ટ કંપની ખાતે જતા રહ્યા હતા. ત્યારબાદ ટીનાબેનનો પતિ રમેશભાઇ કાંટીપાડા આવ્યો હતો અને ટીનાબેનને મારવા જતા ટીનાબેનના પિતાએ ઝઘડો ના કરવા સમજાવતા રમેશભાઇએ તેના હાથમાં રહેલ કુહાડીનો આગળનો ધારવાળો ભાગ ટીનાબેનના પિતા ચુનીલાલભાઇને મોંઢાના ભાગે મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.ટીનાબેને બુમાબુમ કરતા રમેશભાઇ ત્યાંથી ધમકી આપીને જતો રહ્યો હતો.ઇજાગ્રસ્ત પિતા પુત્રીને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા,ત્યારબાદ વધુ સારવાર માટે રાજપિપલા લઇ જવાયા હતા.આ ઘટના સંદર્ભે ટીનાબેન વસાવાએ તેના પતિ રમેશભાઈ ગંભીરભાઇ વસાવા રહે.ગામ ટીમલા તા.નેત્રંગ જિ.ભરૂચના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રતિક પ્રજાપતિ


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.