ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ઉજવવામાં આવી
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની સૌ આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી એજ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. માત્ર એટલું જ નહીં પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાંક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી, યુવાનોમાં જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો હતો. માત્ર ૨૫ વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી, પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી, તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજના મહાનાયકનના કાર્યોને યાદ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યોને આપણા સૌની સમક્ષ મૂકી જનજાતિ સમુદાયને સન્માન અપાવ્યું છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી જ ધરતી આબા ભગવાન બિરસા મુંડાના કાર્યોને યાદ કરી આપણા સૌની સમક્ષ મૂક્યા અને તેમના સન્માનમાં અનેક કાર્યક્રમો પણ કર્યાં. આદિવાસી સમુદાયના ઉત્થાન માટે તેમના નામથી યોજનાઓ શરૂ કરાવી હતી. આદિવાસી સમુદાયની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કે અલાયદા બજેટની જોગવાઈ થકી આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે.
રાજ્યપાલશ્રીએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિસ્તારોમાં પોતાના જીવનનો કેટલોક સમય વિતાવ્યો હતો. જેથી ગરીબીને તેમણે નજીકથી નિહાળી હતી. જેના પરિણામે તેઓએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જનજાતિ સમુદાયના બાળકોના શિક્ષણ માટે અંતરિયાળ વિસ્તારોમાં મોડેલ સ્કૂલો, રેસિડેન્સિયલ શાળાઓના માધ્યમથી શિક્ષણની જ્યોતને વધુ મજબૂત કરી આદિવાસી સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. શહેર જેવી જ સુવિધા ગામડાઓમાં મળી રહે તે માટે અનેક માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસના ફળ આદિવાસી સમુદાયના નાગરિકોને ચખાડ્યા છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી જેનાથી આજે રાજ્યમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં ચાર હજાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણીકરણ મળ્યું જે અંગેના મિશનને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યું હતું. આ નોંધાયેલા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેતીની ઉપજને બજારમાં સારા ભાવે વેચીને આર્થિક સમૃદ્ધિ થકી પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવી શકશે. આદિવાસી સમુદાય તેમના પૂર્વજોથી જ પ્રાકૃતિક ખેતી કરતો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન ગરિમા, આસ્થા અને વિરાસતના કેન્દ્રોને પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ ઈમાનદારીથી યોગદાન આપી ભારતને વિશ્વગુરૂ બનાવવા પ્રતિબદ્ધ થઈએ ત્યારે જ ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, આદિવાસી સમાજના ચિરાગ તરીકે કાર્ય કરી ગયેલા ભગવાન બિરસામુંડાના કાર્યોને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. આદિવાસી સમાજના ઉત્થાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સતત કાર્યરત રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના કાર્યોને સુપેરે આગળ ધપાવી રહ્યા છે. આદિવાસી સમાજની જન સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી બજેટમાં પણ અલાયદી વ્યવસ્થા કરી છે. આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શાળામાં નવા ઓરડા, પ્રિ-મેટ્રિક સ્કોલરશીપ, નિવાસી શાળાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો, વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલામાં સ્થાપના કરી શિક્ષણને વધુ વેગવાન બનાવ્યું છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ ભગવાન બિરસામુંડાના કાર્યોને યાદ કરી તેમણે આપેલા વિચારો થકી આદિવાસી સમાજને કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનથી દૂર કરવાની પહેલને સ્વીકારી આદિવાસી સમાજની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ અને રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિના અભિયાનને અપનાવી ભાવી પેઢીને સ્વસ્થ જીવવનની ભેટ આપીએ તેમ કહ્યું હતું.
આ વેળાએ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલશ્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમજ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભોર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના જમુઈથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ જનમનના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. અને આ સાથે જ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયાના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.