Fact Check: ડોનાલ્ડ ટ્રમ્પે રાહુલ ગાંધીને દેશના ગદ્દાર કહ્યા:ટ્વીટમાં લખ્યું- રાહુલ ગાંધી જોર્જ સોરોસના એજન્ટ છે, જાણો સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય
શું અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધમાકેદાર જીત પ્રાપ્ત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધીને જ્યોર્જ સોરોસના એજન્ટ કહી દીધા છે? થોડાં વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ સોશિયલ મીડિયાના યૂઝર્સ આ ટ્વીટનો સ્ક્રીનશોર્ટ શેર કરી રહ્યા છે અને પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. જ્યોર્જ સોરોસ અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન છે, જેમના પર ભારત સહિત અનેક દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાના હેતુથી એજન્ડા ચલાવવાનો આરોપ છે. વાઇરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટમાં રાહુલ ગાંધીની એક એક્સ પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં તેમણે ટ્રમ્પને ચૂંટણી જીત પણ શુભકામનાઓ પાઠવી છે. ત્યાં જ, આ ટ્વીટની ઠીક ઉપર ડોનાલ્ડ ટ્રમ્પના નામે બનેલા એક એક્સ અકાઉન્ટથી અંગ્રેજીમાં મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે- ધન્યવાદ ભારતીય સોરોસ એજન્ટ રાહુલ ગાંધી. પરંતુ એક વાત હું સ્પષ્ટ કરી દઉં- જે વ્યક્તિ પોતાના દેશ સાથે ગદ્દારી કરે છે અને જ્યોર્જ સોરોસ જેવાં ભારત વિરોધી તત્ત્વો સાથે જોડાય છે, તે હકીકતમાં અમેરિકા કે મારા દૃષ્ટિકોણનું સમર્થન કરી શકે નહીં. જેથી રાહુલ ગાંધી તમે તમારા જ કામ ઉપર ધ્યાન આપો. એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની એક્સ પોસ્ટને, ટ્રમ્પના નામ પર બનેલા આ અકાઉન્ટથી કોટ-ટ્વીટ કરવામાં આવી છે. એક ફેસબૂક યુઝરે આ સ્ક્રીનશોર્ટને રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરતા શેર કર્યો છે. આવી જ એક પોસ્ટનું અર્કાઇવ વર્ઝન તમે અહીં જોઈ શકો છો. વાઇરલ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અનેક લોકો ટ્રમ્પના વખાણ કરી રહ્યા છે. આ ફેક્ટ ચેકમાં અમને જાણવા મળ્યું કે આ એક્સ પોસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નામે બનેલા એક ફેક અકાઉન્ટથી કરવામાં આવી છે. ટ્રમ્પે રાહુલ ગાંધી વિશે આ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું નથી. આ અકાઉન્ટની હકીકત શું છે? વાઇરલ સ્ક્રીનશોટવાળું ટ્વીટ '@thedonaldtrumph' નામના અકાઉન્ટથી કરવામાં આવી છે, જ્યારે ટ્રમ્પનું સાચું અકાઉન્ટ '@realDonaldTrump' છે. આ અકાઉન્ટના 'બાયો સેક્શન' માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ એક ફેક અકાઉન્ટ છે, જેને અશ્વિની સહાય નામનો વ્યક્તિ ઓપરેટ કરે છે. અશ્વિની સહાયે 6 નવેમ્બરના રોજ એક એક્સ પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે કે '@thedonaldtrumph' અકાઉન્ટ દ્વારા તે જ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને જસ્ટિન ટ્રૂડો જેવી હસ્તીઓની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતો રહે છે. સાથે જ, તેમણે સ્પષ્ટીકરણ કર્યું છે કે તેઓ કોઈપણ આઈટી સેલ સાથે જોડાયેલો નથી. ટ્રમ્પે હાલમાં રાહુલ ગાંધી સાથે જોડાયેલી કોઈપણ પોસ્ટ કરી નથી 6 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીએ એક એક્સ પોસ્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને જીતની શુભકામનાઓ આપી. સાથે જ, તેમણે કમલા હેરિસને તેમની ભવિષ્યની યોજનાઓ માટે શુભકામના આપી હતી. 8 નવેમ્બરના રોજ કોંગ્રેસના ઓફિશિયલ એક્સ અકાઉન્ટથી, રાહુલ ગાંધીના નામે અને સિગ્નેચર સાથે બે લેટર પોસ્ટ કરવામાં આવ્યા. જેમાં પહેલાં લેટરમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે ટ્રમ્પના નેતૃત્વમાં ભારત-અમેરિકાના સંબંધો ગાઢ બનશે. ત્યાં જ, બીજા લેટરમાં તેમણે કમલા હેરિસને તેમના ઉત્સાહપૂર્વક કરવામાં આવેલાં ચૂંટણી પ્રચારનાં વખાણ કર્યાં છે. અમને ટ્રમ્પની હાલની એવી કોઈ એક્સ પોસ્ટ મળી નથી જેમાં તેમણે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો હોય. અમે archive.is વેબસાઇટ પર રહેલી ટ્રમ્પના અકાઉન્ટનું અર્કાઇવ વર્ઝન પણ જોયું, પરંતુ અહીં પણ અમને રાહુલ ગાંધી સાથે સંબંધિત કોઈ પોસ્ટ મળી નથી. અહીં એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કર્યા પછી ટ્રમ્પ દુનિયાભરનાં મીડિયામાં છવાયેલા છે. એવામાં જો તેમણે સાચે જ રાહુલ ગાંધીને સોરોસના એજન્ટ કહ્યા હોત, તો તેના અંગે કોઈ સમાચાર ચોક્કસ આવ્યા હોત, પરંતુ અમને આ પ્રકારના કોઈ સમાચાર મળ્યા નથી. જેથી સ્પષ્ટ થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના નામે બનેલા એક ફેક અકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટને ટ્રમ્પની સાચી પોસ્ટ ગણાવીને લોકો વાઇરલ કરી રહ્યા છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇ-મેઇલ @fakenewsexpose@dbcorp.in અને 9201776050 આ નંબર પર વોટ્સએપ કરો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.