આસ્થા સ્નેહનું ઘર બોટાદને વધુ એક ગૌરવ : દિવ્યાંગ તાલીમાર્થી કુમારી ક્રિયા શાહ સમગ્ર ઝોન લેવલે વિનર બન્યા - At This Time

આસ્થા સ્નેહનું ઘર બોટાદને વધુ એક ગૌરવ : દિવ્યાંગ તાલીમાર્થી કુમારી ક્રિયા શાહ સમગ્ર ઝોન લેવલે વિનર બન્યા


(અજય ચૌહાણ દ્વારા)
એવું કહેવામાં આવે છે કે પ્રશ્નોત્તરી કે કૌન બનેગા કરોડપતિ ટાઈપ સામાન્ય જ્ઞાન ક્વિઝ એ બૌદ્ધિક નિપુણતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે યોજતા કાર્યક્રમો છે.. પરંતુ “અમે પણ આ કરી શકીએ”ને સાર્થક કરવા સેવા ઇન એક્શન સંસ્થા દ્વારા દર વર્ષે મનોદિવ્યાંગ, ઓટિઝમ અને સેરેબલ પાલસી દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ભારતમાંથી જુદા 13 રાજ્યોના ઇન્ટરએક્ચ્યુલ, ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ તાલીમાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાનું કૌશલ્ય બતાવે છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આ સ્પર્ધાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ જિલ્લા કક્ષાએ ઓનલાઈન સ્પર્ધા અને તેમાંથી વિજેતા બનેલા સિલેક્ટેડ સ્પર્ધકો માટે ઝોન લેવલની સ્પર્ધા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે યોજાઈ હતી. ઝોન લેવલની આ સ્પર્ધામાં આઈડી સિનિયર ગ્રુપના સ્પર્ધક તરીકે બોટાદ સ્નેહનું ઘર સંસ્થાના તાલીમાર્થી કુમારી ક્રિયા મહેશભાઈ શાહએ પણ ભાગ લીધો હતો. સંસ્થાના સંચાલક પ્રકાશ ભીમાણી અને તેના શિક્ષક ના માર્ગદર્શન થકી તાલીમ લઈ રહેલી ક્રિયાએ ક્વિઝ કોમ્પિટિશનમાં સમગ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થઈ બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.ક્રિયા શાહને સેવાની એક્શન તથા સ્પે. ઓલમ્પિક ગુજરાત દ્વારા ટ્રોફી, પ્રમાણપત્ર, આકર્ષક ગિફ્ટ અને રૂપિયા 10,000/- વડે પુરુસ્કૃત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝોનમાં વિજેતા બનેલ ક્રિયા શાહ આગામી સમયમાં બેંગ્લોર ખાતે આયોજિત થનાર નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે જશે. ક્રિયા શાહમાં સ્પેશ્યલ એજ્યુકેશન થકી જીવનજરૂરી અનેક ફેરફાર આવ્યા છે. હાલમાં તેણી આસ્થા સેન્ટરમાં વોકેશનલ વર્ક કરે છે સાથો સાથ સેન્ટરના સ્પેશ્યલ બાળકોને તાલીમ આપવામાં ટીચર સાથે મળી આસી.ટીચર તરીકે પણ સેવા આપે છે. ક્રિયા અંશતઃ રીતે વાંચન કરી શકે છે. આસ્થા સ્નેહનું ઘર બોટાદમાં તેણીને ક્વિઝમાં ભાગ લેવા માટે સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક પ્રશ્નોતરી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ અને તેની મહેનત થકી રાયસણ ખાતે યોજાયેલી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.