મુસ્લિમ ઉલેમા બોર્ડનો MVA નેતાઓને પત્ર:17 શરતો રાખી; વક્ફ બિલ સામે વિરોધ અને RSS પર પ્રતિબંધની માંગ કરી
ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ (AIUB) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (MVA)ને સમર્થન આપવા માટે 17 શરતો રાખી છે. 7 નવેમ્બરના રોજ બોર્ડે NCP (SP) ચીફ શરદ પવાર, શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને પત્ર લખ્યો હતો. પત્રમાં ઉલેમા બોર્ડે કહ્યું છે કે જો મહારાષ્ટ્રમાં MVAની સરકાર બને છે તો તેમણે વક્ફ બિલનો વિરોધ કરવો જોઈએ. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પણ પ્રતિબંધ લગાવે. બોર્ડે મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે 10% અનામત અને મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપનારા ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે જેવા નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. ભાજપ મહાયુતિ ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યું છે. ભાજપે 148 બેઠકો પર, શિંદે જૂથે 80 બેઠકો પર અને અજીત જૂથે 53 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બાકીની બેઠકો નાની પાર્ટીઓને આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદારો કેમ મહત્વપૂર્ણ છે? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં મુસ્લિમોની વસ્તી લગભગ 1.3 કરોડ છે. જે રાજ્યની કુલ 11.24 કરોડ વસ્તીના 11.56% છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી, 38 વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમોની સંખ્યા લગભગ 20% છે. તેમાંથી 9 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ વસ્તી 40%થી વધુ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીંની 10 સીટો પર 25%થી વધુ વસ્તી મુસ્લિમ છે. ગઈ લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મોટી સંખ્યામાં લઘુમતી મતો મળ્યા હતા. હવે જાણો મહારાષ્ટ્ર ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો છે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,140 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા નજીવી છે. મહાયુતિની વાત કરીએ તો ભાજપે તેમાં સામેલ કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. શિંદે જૂથની શિવસેનાએ એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે અજિત પવારની એનસીપીએ ચાર મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી છે. મહાવિકાસ અઘાડીમાં, શિવસેનાના ઉદ્ધવ જૂથે પણ એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો નથી, જ્યારે કોંગ્રેસે આઠ, એનસીપી-શરદ જૂથ અને સપાએ એક-એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ ચૂંટણીમાં 14 ઉમેદવારો ઉતાર્યા છે, જેમાંથી 10 મુસ્લિમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.