શુક્રયાનના અગત્યના 5 પાર્ટ્સ અમદાવાદમાં બનશે:200 કિલોમીટર દૂર રહીને શુક્રનો અભ્યાસ કરશે; PRLના ડાયરેક્ટરે કહ્યું- આ મિશન બહુ મોટો પડકાર
પૃથ્વી પર પ્રકૃતિના પરિવર્તનો થયા કરે છે. વર્ષો પછી, સદીઓ પછી પૃથ્વી પર શું મોટા પરિવર્તન થશે? એ જાણવા માટે આપણે બીજા ગ્રહોનો અભ્યાસ કરવો જરૂરી છે. ભારતે અત્યાર સુધીમાં ચંદ્રયાન મોકલીને ચંદ્રનો અભ્યાસ કર્યો છે. મંગળયાન મોકલીને મંગળનો અભ્યાસ કર્યો છે. આદિત્ય L-1 મોકલીને સૂર્યનો અભ્યાસ કર્યો છે. હવે, ભારત શુક્રયાન મોકલીને શુક્ર ગ્રહનો અભ્યાસ કરશે. આ માટે ઈસરોએ મિશન વિનસ ઓર્બિટરની જાહેરાત કરી પણ દીધી છે. શુક્રયાન મોકલાવાની વાત નવી નથી. એ સમાચાર તો જૂનાં છે પણ નવી વાત એ છે કે આ શુક્રયાન એટલે કે વિનસ ઓર્બિટરના પાંચ મહત્વના પાર્ટ્સ અમદાવાદની PRL (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી)માં બનવાના છે. સાવ સરળ ભાષામાં સમજો તો કોઈપણ અવકાશ યાનનું ધડ, માથું ને હાથ-પગ ઈસરો બનાવે છે. જ્યારે મગજ, આંખ-કાન-નાક એ બધું PRL બનાવે છે.
શુક્રયાન 2028માં લોન્ચ થવાનું છે એ અત્યારે તો નક્કી છે પણ શું એ સમયસર લોન્ચ ન થાય તો શું? આ વિનસ ઓર્બિટર શુક્ર પર લેન્ડ કરશે કે નહીં? ઓર્બિટર શું શું અભ્યાસ કરશે? PRL જે પાર્ટ્સ બનાવશે તે ક્યા ક્યા બનાવશે? એ તમામ વિગતો જાણવા અમે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજ સાથે વાત કરી. ડો. ભારદ્વાજ સાથે વાતચીત આગળ વધારીએ તે પહેલાં શુક્રગ્રહ શું છે તેના વિશે થોડીક વિગતો જાણી લો... શુક્ર ગ્રહ વિશે આટલું જાણો, તો આગળ સમજી શકશો...
શુક્ર ગ્રહનું અંગ્રેજી નામ વિનસ છે. પ્રેમ અને સૌંદર્યની રોમન દેવીના નામ પરથી આ ગ્રહનું નામ વિનસ પડ્યું. આકાશમાં ચંદ્ર પછી જો કોઈ ચમકીલો ગ્રહ હોય તો એ શુક્ર છે. આ એક એવો ગ્રહ છે જે પૃથ્વીની નજીક દેખાય છે. એ ક્યારેય દૂર નહીં દેખાય. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડીવાર માટે સૌથી વધારે ચમકે છે. તેની બ્રાઈટનેસના કારણે શુક્રને લોકવાયકામાં સવારનો તારો ને સાંજનો તારો એમ પણ કહેવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, શુક્રનો આકાર, સાઈઝ બધું જ પૃથ્વી જેવડું છે. પણ બીજી ઘણી રીતે શુક્ર એ પૃથ્વી કરતાં અલગ ગ્રહ છે. શુક્રનો વ્યાસ 12,092 કિલોમીટર છે. જે પૃથ્વીની તુલનામાં માત્ર 650 કિલોમીટર ઓછો છે. પૃથ્વી પર જેમ ઓક્સિજન વધારે છે તેમ શુક્ર પર કાર્બન ડાયોક્સાઈડ 96 ટકા છે. બાકી 3.5% નાઈટ્રોજન છે. શુક્રની સપાટી પર ઘણા જ્વાળામુખી છે. દર 100 કિલોમીટરના એરિયામાં 167 જ્વાળામુખી છે. અમદાવાદના PRLમાં જે પાંચ પાર્ટ્સ બનશે તે શું કામ કરશે?
વિનસ મિશન એ એક ઓર્બિટર મિશન છે. જેમાં પ્લાન છે કે, આપણે વિનસની નજીક જઈને કન્ટીન્યૂસ ઓર્બિટમાં ફરીશું અને ત્યાંથી જાણકારી મેળવીશું. આ લેન્ડીંગ મિશન નથી. યાન ઓરબિટમાં ફરતું રહેશે. આમાં PRLએ બનાવેલા પાંચ પેલોડ્સ છે. એટલે પાંચ પ્રકારના ઈન્સ્ટ્રુમેન્ટ્સ રહેશે. જેમાં,
1. શુક્ર પર પ્રકાશ છે કે નહીં
2. શુક્ર પર ધૂળના કણો છે કે નહીં
3. પૃથ્વીની જેમ ઉલ્કા વર્ષા થાય છે કે નહીં
4. સૂર્ય પરથી ફેંકાતા કણો ત્યાં આવે છે કે નહીં
5. શુક્રનું વાતાવરણ કેવું છે તે માપશે 'નવા' નામનું ઈન્સ્ટ્રુમેન્ટ મહત્વનું કામ કરશે
આ અંગે વાત આગળ વધારતાં PRL અમદાવાદના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજ દિવ્ય ભાસ્કરને કહે છે, જેમ પૃથ્વી પર પ્રકાશ છે તેમ શુક્ર પર પ્રકાશ છે કે નહીં, તે જાણીશું. એવી જ લાઈટ છે કે બીજી કોઈ પ્રકારે થાય છે. પૃથ્વી પર વીજળી થાય છે તેમ શુક્ર પર વીજળી થાય છે કે નહીં. માનો કે લાઈટ થાય છે તો કેવા પ્રકારની લાઈટ છે. કેટલા રેટ પર હોય છે, કેટલી ઈન્ટેન્સ હોય છે, કેટલું ફ્લક્સ થાય છે. બીજું ઈન્સ્ટ્રુમેન્ટ્સ છે તે ડસ્ટ પાર્ટીકલ વિશે જાણકારી આપશે. શુક્ર પર બ્રહ્માંડના કોઈ કણ છે કે નહીં, જેમ પૃથ્વી પર ઉલકા આવે છે તેમ કોઈ ઉલકા શુક્ર પર આવે છે કે નહીં. ત્રીજું એક્સપેરિમેન્ટ સોલાર એક્સ-રે રેડિયસ વિશે જાણ કરશે. ચોથું છે તે ચાર્જ પાર્ટીકલની જાણકારી મેળવશે જે સૂર્ય પરથી આવે છે. જેમ પૃથ્વી પર તડકો આવે છે તેમ ત્યાં શું સ્થિતિ છે, તે જાણકારી મેળવીશું. એક ઈન્સ્ટ્રુમેન્ટ છે તેનું નામ છે નવા. તે એર ગ્લો મેઝરમેન્ટ કરશે. એટલે જે શુક્રનું વાતાવરણ છે તેને માપશે. જેમ પૃથ્વી ગ્રહ નાઈટ્રોજન ડોમિનેટેડ છે અને થોડો ઓક્સિજન છે અને બીજા માઈનોર ગેસ છે. તો શુક્ર પર 95 ટકા કાર્બન ડાયોક્સાઈડ છે. જેમ અહીંયા Co2 બહુ ઓછી માત્રામાં છે. ત્યાં જે પ્રક્રિયા થાય છે તે ભિન્ન થાય છે. વિનસ પર વાતાવરણ કેવું છે અને તેમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તે જાણવા એટમોસ્ફેરિક એમિશન્સનો અભ્યાસ કરવા એક ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવી રહ્યું છે જેને 'નવા' કહેવાય છે. શુક્રથી 50, 100 કે 200 કિલોમીટરની ઊંચાઈએ જે પ્રક્રિયા થાય છે તે શું છે? તેનું વિનસ સાથે કો-રિલેશન કેવું છે, તે બધું આ નવા જાણીને આપશે. શુક્ર પર યાન લેન્ડ ન થઈ શકે, તેના વાતાવરણમાં પ્રવેશતાં જ ફાટી જાય
PRLના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજ કહે છે, વિનસ અલગ પ્રકારનો ગ્રહ છે. ત્યાં સરફેસનું પ્રેશર 100 બાર (બાર એ દબાણનું માપ છે) અને ટેમ્પરેચર 800 કેલ્વિન છે. પૃથ્વી પર આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે 1 (એક) બાર છે. ત્યાં તો 100 ગણું વધારે દબાણ છે. પૃથ્વીનું ટેમ્પરેચર એવરેજ 300 કેલ્વિન આસપાસ છે. ત્યાં તો 800 કેલ્વિન છે. ત્યાં તો માણસ જીવતો જ ન રહી શકે. એટલે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ મોકલો તો એ પણ સર્વાઈવ ન કરી શકે. એટલે આપણે લેન્ડીંગ મિશન વિશે વિચારી ન શકીએ. માનો કે મોકલ્યું તો ત્યાં પ્રેશર જ એટલું છે કે, એ લેન્ડ થતાં જ ફાટી જાય. કંડીશન હોસ્ટાઈલ છે. હાલત ખરાબ છે. વિનસની સપાટીથી 50 કિલોમીટર ઉપર જાવ તો ત્યાં ઘણા વાદળાં છે. આ વાદળાં સલ્ફ્યુરિક એસિડના બનેલાં છે. એ લગભગ 15-20 કિલોમીટરનો થર છે. પૃથ્વી પર વાદળાં ઉપર આકાશમાં જ હોય છે, એમ નહીં. શુક્રના ગોળાકાર ગ્રહ ફરતે ચારેય તરફ વાદળાં જ વાદળાં છે. એટલે વિનસની સરફેસ આપણે જોઈ શકતા નથી. જે પણ ઈમેજિસ તમે જુઓ છો તો તે એટમોસ્ફિયરમાં ફોલ્સ કલર એટલે રિફ્લેક્ટ થતી લાઈટ કે અલ્ટ્રાવાયોલેટમાં જોઈ શકીએ છીએ પણ વિઝિબલ લાઈટમાં જોઈ ન શકાય. વિઝિબલ લાઈટમાં એટલે સીધી દ્રષ્ટિથી શુક્રની સપાટી ન જોઈ શકાય. શુક્રયાનના પાર્ટ્સ બનાવવા એ પણ ચેલેન્જિંગ કામ છે
PRL માટે આ ચેલેન્જિંગ મિશન છે. ડો. અનિલ ભારદ્વાજ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, વિનસ પર આપણે જે ઈન્સ્ટ્રુમેન્ટ રિમોટ સેન્સિંગ માટે મોકલશું તે અલગ પ્રકારના હશે. મંગળ કે પૃથ્વી પર યુઝ થાય તેવા નહીં હોય. કારણ કે વિનસની સપાટી જોઈ શકાતી જ નથી. ક્લાઉડ્સથી ગ્રહ ઘેરાયેલો છે. ત્યાં જે ઈન્સ્ટ્રુમેન્ટ્સ મોકલીશું તે માઈક્રોવેવવાળા મોકલીશું. જેથી તે ક્લાઉડને ચીરીને પણ સરફેસનો અભ્યાસ કરી શકે. એટલે વિનસ મિશન અલગ જ પ્રકારનું મિશન છે. વિનસનો નીચેનો પાર્ટ આપણે જોઈ જ ન શકીએ જ્યાં સુધી આપણી પાસે માઈક્રોવેવ રેડિએશન રડાર ન હોય. ત્યાં એટમોસ્ફીયર અલગ પ્રકારનું છે એટલે ત્યાંનો અભ્યાસ પણ સારી રીતે કરવા માગીએ છીએ. જે સોલાર રેડિએશન આવે છે, જે પાર્ટીકલ આવે છે તે કેવી રીતે ઈન્ટરેક્ટ કરે છે તો એ સ્ટડી વધારે મહત્વપૂર્ણ છે. સરળ ભાષામાં સમજીએ તો, પૃથ્વી પર તડકો આવે છે તેમાં સૂર્યમાંથી કઈ પ્રકારના કણ પૃથ્વી પર આવે છે તે આપણને ખબર છે અને તેનો અભ્યાસ થયો છે. પણ શુક્ર પર સૂર્યના કિરણો આવે છે? તેની સાથે કોઈ કણો શુક્ર ગ્રહ પર પહોંચી રહ્યા છે? એ અભ્યાસ કરવાનો છે. ત્યાં મેગ્નેટિક ફિલ્ડ નથી. પૃથ્વી પર તો મેગ્નેટિક ફિલ્ડ પણ છે. ત્યાં સૂર્યના પ્લાઝમા દ્વારા ઈન્ટરેક્શન થશે તે અલગ પ્રકારનું હશે. એટલે અમે સ્ટડી કરવા માગીએ છીએ કે, ત્યાં એવી કઈ પ્રક્રિયાઓ થાય છે જેનાથી આપણે પૃથ્વી વિશે વધારે જાણી શકીએ. વિનસ એ પૃથ્વીનો ઈનર પ્લાનેટ છે, શુક્ર પર કાર્બન ડાયોક્સાઈડ જ છે અને મંગળ છે તે પણ કાર્બન ડાયોક્સાઈડથી ભરપૂર છે. તો પૃથ્વી પર જ કેમ નાઈટ્રોજન અને ઓક્સિજન છે? એનો અર્થ એ કે, કોઈ પ્રક્રિયા બંને પ્લાનેટમાં થઈ છે અથવા થવાની છે અથવા તો આગળ જતાં પૃથ્વી પર કોઈ પ્રક્રિયા થઈ શકે છે. બની શકે કે સમય જતાં પૃથ્વી પણ કાર્બન ડાયોક્સાઈડથી ભરપૂર ગ્રહ બની જાય. આ એક સમજણ મેળવવાની વાત છે કે, શુક્ર અને મંગળની કંપેરમાં પૃથ્વી કેમ અલગ છે? શુક્ર એ પૃથ્વીનો ઈનર પ્લાનેટ છે અને માર્સ એ પૃથ્વીનો આઉટર પ્લાનેટ છે. એટલે આપણા માટે વિનસનો સ્ટડી કરવો જરૂરી બની જાય છે. પૃથ્વીના 243 દિવસ થાય ત્યારે શુક્ર પોતાની ધરીએ એક આંટો મારે
આપણને પૃથ્વી પરથી શુક્ર વધારે ચમકતો દેખાય છે. તેનું કારણ સલ્ફ્યુરિક એસિડનાં ક્લાઉડ્સ છે. એ પ્રકાશને રિફ્લેટ કરે છે એટલે આપણને વધારે બ્રાઈટ દેખાય છે. વિનસની એક વાત બહુ વિચિત્ર છે. તે પોતાની ધરી પર બહુ ધીમે ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકનું એક ચક્કર લગાવી લે છે. જ્યારે વિનસ પોતાની ધરી પર 243 દિવસ એટલે પૃથ્વીના 243 દિવસ પોતાની ધરી પર ફરતાં લગાવે છે. આપણે બાયનોક્યુલરથી જોઈએ તો એમ જ થાય કે વિનસ આવો જ છે, ફરતો નથી. એનો અર્થ એ થયો કે ત્યાં રાત 120 દિવસ લાંબી હશે અને દિવસ 120 દિવસ લાંબો હશે, એવું માની શકાય. માણસ જો જાય તો 120 દિવસ સૂતો રહે ને 120 દિવસ જાગીને કામ કરે તો કેવું લાગે? અહીંયા તો 8 કલાક કામ કરીને 8 કલાક સૂવાનું પણ છે. આ પ્રકારની સ્થિતિ છે તે જોતાં એવું લાગે છે કે, શુક્ર પર દિવસ અને રાતમાં અલગ અલગ પ્રેશર હશે. સૂર્યનાં કિરણો સતત 120 દિવસ સુધી આવતા રહેશે. રાત બહુ ઠંડી થઈ જતી હશે. આના સ્ટડી માટે એક ઈન્સ્ટ્રુમેન્ટ છે નવા. જે બતાવશે કે જે દિવસે પાર્ટિકલ્સ આવે છે તેની એનર્જી વધારે હતી. એ પાર્ટિકલ્સ રાતના સમયે હીટ થઈને રેડિયેશન આપે છે. એનાથી એ ખબર પડશે કે ડાયનેમિકલ પ્રોસેસ ત્યાં શું થઈ રહી છે. શુક્ર પર લાઈટિંગનો લિસોટો થાય તો ય કેપ્ચર થશે, એક માઈક્રોનનો કેમેરા હશે
ડો. ભારદ્વાજ અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરતાં કહે છે, લાઈટિંગનું ઈન્સ્ટ્રુમેન્ટ છે તેનો ઉદ્દેશ એ છે કે, વિનસમાં ક્લાઉડ્સ તો છે જ. ત્યાં થોડું પાણી પણ છે તો વોલ્કેનિક એક્ટિવિટીથી એસઓ-2 આવે છે તે વોટરથી રિએક્ટ કરીને એસઓ-4 બનાવે છે. ક્લાઉડ્સ છે તો લાઈટિંગ હોવી જોઈએ. આપણને શુક્ર પર લાઈટિંગ હોવાના પુરાવા તો મળ્યા છે. ઘણા એવું કહે છે કે, તમે માનો છો તે લાઈટિંગ નથી. પણ એ કાંઈક બીજું છે. જાપાને કેટલાક ઈન્સ્ટ્રુમેન્ટ્સ મોકલ્યા હતા વિનસ પર, અકાત્સુકી મિશનમાં તેની પાસે ઓપ્ટિકલ લાઈટિંગ જોઈ શકાય તેવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ હતા પણ તેને લાઈટ દેખાઈ નહીં. વિનસ બહુ સ્લો ફરે છે એટલે રાઈટ ટાઈમે, રાઈટ સમયે સ્પેસ સ્ટેશન નહીં મોકલો તો અભ્યાસ ન કરી શકાય. આ પ્રકારની સાયન્ટિફિક ચેલેન્જિસ છે. આપણે ચોક્કસપણે કેમ કહી શકીએ કે ત્યાં લાઈટિંગ થઈ રહ્યું છે. લાઈટિંગનો અર્થ એ છે કે પ્લાનેટ જીવે છે. વિનસને ડેડ પ્લાનેટ નથી માનતા પણ કેટલાક લોકો માને છે. લાઈટિંગ માટે અલગ જ પ્રકારનું ઈન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ જે લો ફ્રિકવન્સી રેડિયો વેવઝને મેઝર કરશે. તેમાં જો લિસોટો (સ્પાઈક) કેપ્ચર થઈ જાય છે તો એનો અર્થ એ કે લાઈટિંગ છે. લાઈટ મિલિ સેકન્ડ, માઈક્રો સેકન્ડમાં ઝબકારો થઈને જતી રહે છે તે કેપ્ચર થશે. લાઈટની સાથે સાથે બીજા રેડિએશન પણ આવે છે. તેમાં એક રેડિયો વેવઝ હોય છે, તેને એ મેઝર કરશે.
શું આ ઓર્બિટરમાં કેમેરો હશે? જે શુક્રની તસવીરો લઈ શકે? જવાબમાં ડો. અનિલ ભારદ્વાજ કહે છે, કેમેરો હશે. વિઝિબલ કેમેરો હશે. એક માઈક્રોન આસપાસ એક વિન્ડો હશે તેના થ્રુ ક્લાઉડની સપાટી જોઈ શકીશું. વિઝિબલ કેમેરા વન માઈક્રોન હશે. આપણું ઓર્બિટર શુક્રની સપાટીથી 200થી 250 કિલોમીટર દૂર હશે. વિનસનું વાતાવરણ જાડું છે એટલે આનાથી નીચે ઓર્બિટર ન મોકલી શકાય. 1966માં એક યાન શુક્રના વાતાવરણમાં પ્રવેશતાં જ ફાટી ગયું
1 માર્ચ 1966ના દિવસે સોવિયત વિનેરા 3 યાન શુક્રના વાતાવરણમાં આવતાં જ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. શુક્રના વાયુમંડળમાં પ્રવેશ કરનાર અને કોઇ પણ બીજા ગ્રહની સપાટીથી ટકરાનારી આ પ્રથમ માનવ-નિર્મિત વસ્તુ હતી. ભલે આ ઓપરેશન નિષ્ફળ ગયું પણ એના પહેલાં તે તમામ પ્રકારની ગ્રહીય માહિતી ભેગી કરવા સક્ષમ હતું. શુક્રનો અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે, તેના 3 કારણો...
શુક્ર ગ્રહને પૃથ્વીનો 'જોડિયાભાઈ' કહેવામાં આવે છે. કારણ કે તે કદ અને ઘનતાની દ્રષ્ટિએ પૃથ્વી જેવો જ છે. તેથી શુક્રનો અભ્યાસ કરવાથી પૃથ્વીની ઉત્ક્રાંતિને સમજવામાં મદદ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે શુક્ર પર એક સમયે પાણી હતું, પરંતુ હવે તે શુષ્ક અને ધૂળવાળો ગ્રહ બની ગયો છે.
1. શુક્ર પરનું તાપમાન 462 ડિગ્રી સેલ્સિયસ: શુક્રની સપાટીનું તાપમાન આશરે 462 ડિગ્રી સેલ્સિયસ છે. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં તે બુધ કરતાં વધુ ગરમ છે. શુક્ર ખૂબ ગરમ રહેવાનું કારણ ગ્રીનહાઉસની અસર છે. જ્યારે સૂર્યની ગરમી તેના વાતાવરણમાં આવે છે ત્યારે તે ત્યાં કેદ થઈ જાય છે અને વાતાવરણની બહાર જતી નથી. આ કારણે ગ્રહની સપાટી વધુ ગરમ થાય છે.
2. લેન્ડર બે કલાકથી વધુ કામ કરી ના શક્યું: શુક્રની ગરમીને કારણે અત્યાર સુધી અહીં મોકલવામાં આવેલા લેન્ડર્સ બે કલાકથી વધુ સમય સુધી કામ કરી શક્યા નથી. તેના વાતાવરણનું દબાણ પણ પૃથ્વી કરતા ઘણું વધારે છે. જો તમે સરળ ભાષામાં સમજો તો, પૃથ્વી પર સમુદ્રની નીચે જેટલું દબાણ અનુભવાય છે તેટલું અહીં પણ છે.
3. શુક્રનો એક આંટો પૃથ્વીના 243 દિવસ બરાબર: શુક્ર તેની ધરી પર પૃથ્વી કરતાં ઘણી ધીમી ગતિએ ફરે છે. શુક્રને પોતાની ધરી પર ફરતાં 243 દિવસ લાગે છે. શુક્ર અન્ય ગ્રહોની તુલનામાં તેની ધરી પર ઊંધો (પૂર્વથી પશ્ચિમ) ફરે છે. આનો અર્થ એ છે કે શુક્ર પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં અસ્ત થાય છે. જો મિશન વિનસ ઓર્બિટર 2028માં ન થાય તો સીધું 2031માં થશે
28 માર્ચ 2028માં ભારત મિશન વિનસ ઓર્બિટર લોન્ચ કરશે. પછી તે સૂર્યથી સૌથી દૂર અને પૃથ્વીની સૌથી નજીક હશે. એટલે દર 22 મહિના પછી શુક્ર પૃથ્વીની એકદમ નજીક આવી જાય છે અને ત્યારે જ મિશન લોન્ચ કરવું પડે. જો આ 22 મહિનાનો ગાળો પસાર થઈ ગયો તો ફરી 22 મહિના રાહ જોવી પડે. એટલે માર્ચ-2028માં મિશન લોન્ચ ન થઈ શક્યું તો 2031માં લોન્ચ કરવું પડશે. વિનસ ઓર્બિટર લોન્ચ કર્યા પછી શુક્ર સુધી પહોંચવામાં લગભગ 140 દિવસ લાગશે. શુક્ર મિશનનું આયુષ્ય ચાર વર્ષનું હશે. શુક્રયાનને GSLV માર્ક-2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. શુક્રયાનનું વજન લગભગ 2500 કિલોગ્રામ હશે. તેમાં 100 કિલોના પેલોડ્સ હશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.