શિશુવિહાર બુધસભાની સળંગ ૨૩૧૧ મી બેઠક મૃદુહદય નો મેળાવડો
શિશુવિહાર બુધસભાની સળંગ ૨૩૧૧ મી બેઠક મૃદુહદય નો મેળાવડો
ભાવનગર શિશુવિહાર બુધસભાની સળંગ ૨૩૧૧ મી બેઠકમાં આજે મહિનાના પાંચમા બુધવારના ઉપક્રમ મુજબ મુશાયરા અંતર્ગત ભાવનગરના અને બુધસભાના દિવંગત કવિઓની કવિતાઓના પઠનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કવિશ્રી ગાફિલ ભાવનગરી વિશે શ્રી જગત ભટ્ટ, કવિશ્રી દિલેરબાબુ વિશે ડૉ. છાયા પારેખ, કવિશ્રી ગુણવંત ઉપાધ્યાય વિશે ડૉ. જિતુ વાઢેર, કવિશ્રી મન્સુર કુરેશી વિશે શ્રી ઉદય મારુ, કવિશ્રી દિનકર પથિક વિશે શ્રી જયેશ ભટ્ટ, કવિશ્રી મીરા આસિફ વિશે ડૉ. ફિરદૌસ દેખૈયા તેમ જ કવિશ્રી મહેન્દ્ર ગોહિલ વિશે લંડનથી ખાસ મહેમાન થયેલા શ્રી હર્ષજિત ઠક્કરે કવિપરિચય અને પ્રતિનિધિ રચનાઓ પ્રસ્તુત કરી. આ કાર્યક્રમમાં કવિશ્રી મહેન્દ્ર ગોહિલ તેમ જ કવિશ્રી મન્સુર કુરેશીનાં પરિવારજનો ઉપરાંત બોટાદથી સુશ્રી વૈશાલીબેન દવે અને પરિવાર તેમજ શ્રી ધીરેન વૈષ્ણવ, ડૉ. વિનોદ વ્યાસ, શ્રી ધીરેન પંડ્યા સહિતના ભાવકો ઉપરાંત બહોળી સંખ્યામાં કવિઓ અને કવિતાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રા. હિમલ પંડ્યાનાં સંકલન અને સંચાલન હેઠળના આ કાર્યક્રમમાં ડૉ. ફિરદૌસ દેખૈયા દ્વારા શબ્દસ્થ કવિશ્રી રાહી ઓધારિયાની ગઝલનું સુમધુર સ્વરાંકન પણ રજૂ કરવામાં આવ્યું. જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને આ વિચાર અને ઉપક્રમને બિરદાવીને તમામ શબ્દસ્થ કવિઓ સાથેનાં સંસ્મરણોને વાગોળ્યાં હતાં.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.