હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત:20 લોકોને ફૂડ પોઇઝનિંગ; વેન્ડર્સ પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ નહોતું, પોલીસે ફરિયાદ નોંધી
હૈદરાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડરના મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું હતું. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે બંજારા હિલ્સ વિસ્તારની રહેવાસી 33 વર્ષીય રેશમા બેગમ અને તેના બે બાળકોએ 25 ઓક્ટોબરે ખૈરતાબાદમાં મોમોસ સ્ટોલમાંથી મોમોઝ ખાધા હતા. થોડીવાર પછી, ત્રણેયને ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. 27 ઓક્ટોબરે રેશ્માનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેના બાળકો હજુ સારવાર હેઠળ છે. રેશ્મા સિંગલ મધર હતી. તેના બાળકોની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ છે. NDTVના અહેવાલ મુજબ, આ જ મોમોઝ સ્ટોલના લીધે 20 અન્ય લોકોને પણ ફૂડ પોઈઝનિંગ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ 20 કેસમાંથી મંગળવારે 15 કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. રેશ્મા બેગમના પરિવારની ફરિયાદ નોંધાયા બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અને પોલીસે મોમોઝનો સ્ટોલ ચલાવતા બે લોકોની અટકાયત કરી છે. પોલીસે કેસ નોંધ્યો અને કહ્યું કે વેન્ડર્સ પાસે ફૂડ સેફ્ટી લાઇસન્સ નથી. પોલીસે કહ્યું- સ્ટોલમાં સ્વચ્છતા ન હતી
પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે મોમોઝ બનાવવા માટે વપરાતો લોટ કોઈપણ પેકિંગ વગર રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. તેણે સ્વચ્છતા પણ જાળવી ન હતી. ફ્રિજનો દરવાજો પણ તુટી ગયો હતો, જેના કારણે લોટને તાજો રાખવા માટે જરૂરી તાપમાન ફ્રીજમાં જાળવી શકાયું ન હતું. પોલીસે જણાવ્યું કે વિક્રેતા પાસેથી અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મોમોઝમાં શું ઉમેરવામાં આવ્યું હતું જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું. બેંગલુરુમાં કેક ખાધા બાદ 5 વર્ષના બાળકનું મોત થયું હતું 7 ઓક્ટોબરના રોજ, બેંગલુરુના ભુવનેશ્વરી નગર વિસ્તારમાં જન્મદિવસ પર કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તેના માતા-પિતાની હાલત પણ નાજુક હતી. બાળકનું નામ ધીરજ હતું. તેના પિતા બલરાજ સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. 6 ઓક્ટોબરે એક ગ્રાહકે કેકનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો, ત્યારબાદ બલરાજ કેક પોતાના ઘરે લઈ આવ્યો હતો. તેમણે પુત્ર ધીરજનો જન્મદિવસ ઉજવ્યો. આખા પરિવારે સાથે મળીને કેક કાપી અને ખાધી. પછી ડિનર કર્યા બાદ સૂઈ ગયા હતા. 7 ઓક્ટોબરે ત્રણેયને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેઓ પીડાથી ચીસો પાડવા લાગ્યા. તેમની ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં બાળકનું મૃત્યુ થયું હતું. પંજાબમાં 24 માર્ચે કેક ખાધા બાદ એક છોકરીનું મોત થયું હતું. બેંગલુરુ પહેલા પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો હતો. 24 માર્ચે છોકરીના જન્મદિવસ પર પરિવારે Zomatoમાંથી કેક મંગાવી હતી. કેક ખાધા બાદ બાળકી સહિત પરિવારના અન્ય ચાર સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ હતી. બધાને ઉલ્ટી થઈ રહી હતી. પોલીસે આ મામલે બેકરી સામે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.