સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો... - At This Time

સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો…


સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...
------
શ્રી સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજન
------
ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે

સોમનાથ, 26 ઓક્ટોબર, 2024:

આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરાયેલા છે.

રંગોળી, વિશેષ શ્રૃંગાર અને પ્રકાશમાન પરિસર:
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. દિવાળી મહોત્સવના દરેક દિવસે શ્રી સોમનાથ મંદિર પરિસર, ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે. જેથી આવનાર ભક્તોને ઉત્સવ દરમિયાન ઘર જેવી જ લાગણી ઉત્પન્ન થાય.

ઓનલાઈન લક્ષ્મી પૂજન:
દિપાવલી પર્વ પર દેશ ભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનાર ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ શ્રી યંત્ર, રોજમેળ પેન, અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોચાડવામાં આવશે. આ ઉપરાંત સ્વયં સોમનાથ આવીને લક્ષ્મી પૂજન કરવા માંગતા ભક્તોને પણ પૂજા કરાવવામા આવશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો, દીપોત્સવી:
ચોમાસામાં બંધ કરાયેલ યાત્રીઓનો પ્રિય એવો 3Dલાઈટ એન્ડ સાઉન્ડ શો ભકતો માટે ફરી શરૂ કરાયો છે. તેહવારોમાં 2 શો કરવામાં આવશે જેથી આવનાર યાત્રીઓને બમણો લાભ મળી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહ ના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે જેથી આવનાર યાત્રીઓને પરિવારનો ભાગ હોવાનો અનુભવ કરાવવામાં આવશે

નૂતન વર્ષે અન્નકૂટ:
નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરવા માટે સોમનાથ પધારનાર ભાવિકોને ઉત્તમ દર્શન અનુભવ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત જનકલ્યાણની પ્રાર્થના સાથે મહાદેવને અન્નકૂટ ભોગ લગાવવામાં કરવામાં આવશે.

આમ શ્રી સોમનાથ મંદિર, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, ભોજનાલય, પાર્કિંગ સહિતમાં યાત્રીઓને ઉત્તમ આતિથ્ય મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.