EDITOR'S VIEW: મહારાષ્ટ્રનું કોકડું:ઘડિયાળનું નિશાન અજિત પવારનું પણ સારો સમય શરદ પવારનો ચાલે, ઉદ્ધવ ઠાકરે પરિવારની પરંપરા ભૂલ્યા, CMની ખુરસી કોની? - At This Time

EDITOR’S VIEW: મહારાષ્ટ્રનું કોકડું:ઘડિયાળનું નિશાન અજિત પવારનું પણ સારો સમય શરદ પવારનો ચાલે, ઉદ્ધવ ઠાકરે પરિવારની પરંપરા ભૂલ્યા, CMની ખુરસી કોની?


મહારાષ્ટ્રની ચૂંટણીનો સમય ભલે નજીક આવતો જાય પણ વાત ઘડિયાળ પર અટકી છે. જેમ શિવસેનાના બે ભાગ પડી ગયા તેમ NCP એટલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પણ બે ભાગ પડી ગયા છે. અજિત પવાર અને શરદ પવાર, આ ચાચા-ભતીજાની જોડી ચૂંટણી ચિહ્ન માટે માથાકૂટ કરી રહી છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ને ચૂંટણી આડે એક મહિનો બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટે અજિત પવારને શરતો સાથે ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન વાપરવાની છૂટ આપી છે. બીજી તરફ ઠાકરે પરિવારની પરંપરા ચર્ચામાં છે. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેના દીકરા સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને વર્ષો જૂની પરંપરા તોડી છે. નમસ્કાર જે રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેનાનો ચૂંટણી ચિહ્નનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો, એ રીતે NCPમાં ચૂંટણી ચિહ્નનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ભાજપ- શિંદેની શિવસેના અને અજિતની NCPની મહાયુતિ કોઈ કચાશ બાકી રાખવા નથી માગતી. મહારાષ્ટ્રીયનોને મહાવિકાસ અઘાડીમાં વધારે વિશ્વાસ છે એ વાત લોકસભાના પરિણામો પરથી જાણી શકાય છે. પહેલાં વાત NCP અને ઘડિયાળના નિશાનની... ચૂંટણી ચિહ્ન ઘડિયાળનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્યો?
જ્યારે NCPના બે ફાંટા પડ્યા ત્યારે ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ઘડિયાળના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. ચૂંટણી પંચના આ નિર્ણય સામે શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં 2 ઓક્ટોબરે અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી 24 ઓક્ટોબર, ગુરુવારે થઈ હતી. સુપ્રીમ કોર્ટે અજિત પવારને કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ'ના ચિહ્નનો ઉપયોગ કરી શકે છે. પણ શરત એ કે તેણે ચૂંટણીના બેનરો અને પોસ્ટરોમાં લખવું પડશે કે ચિહ્ન વિવાદનો મુદ્દો છે અને કોર્ટમાં વિચારાધીન છે. શરદ પવાર જૂથે કોર્ટમાં અરજી કરી હતી કે, અજિત જૂથ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યું નથી અને ઘડિયાળના ચિહ્નના પોસ્ટર કે બેનરમાં કોર્ટના આદેશ મુજબ ડિસ્ક્લેમર લખતા નથી. તેથી તેને વિધાનસભા ચૂંટણીમાં પ્રતીકનો ઉપયોગ કરતાં અટકાવવામાં આવે. શરદ જૂથની અરજી પર કોર્ટે અજિત પવાર જૂથને વોર્નિંગ આપી કે, તમે કોર્ટના આદેશનો અનાદર કરો છો. પ્રચારમાં ડિસ્ક્લેમર કેમ લખતા નથી? સુપ્રીમ કોર્ટે અજિત જૂથને સોગંદનામું કરવા પણ કહ્યું છે. કોર્ટે અજિત પવાર જૂથનો ઉધડો લીધો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે સિંહે અજિત પવાર જૂથનો ઉધડો લેતાં કહ્યું કે, એકવાર અમે સૂચનાઓ જારી કરી દઈએ તો તેનું પાલન કરવું પડશે. તમે જવાબ દાખલ કરો અને નવી એફિડેવિટ આપો કે તમે ભૂતકાળમાં કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ ઉલ્લંઘન કરશો નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે બંને પક્ષો અમારી સૂચનાઓનું પાલન કરે. તમે તમારા માટે જ શરમજનક પરિસ્થિતિનું નિર્માણ ન કરો. વાંચો કોર્ટમાં શું શું દલીલ થઈ? હવે પછીની સુનાવણી લાભપાંચમે થશે
​​​​​​​સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે અમે અપેક્ષા રાખીએ છીએ કે બંને પક્ષો અમારી સૂચનાઓનું પાલન કરે. તમારા માટે શરમજનક પરિસ્થિતિનું નિર્માણ ન કરો. જો અમને લાગે છે કે અમારા આદેશનું ઉલ્લંઘન કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો અમે સુઓમોટો લઈ અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરીશું. આ મામલે વધુ સુનાવણી 6 નવેમ્બરે થશે. 6 નવેમ્બરે લાભ પાંચમ છે. જોઈએ, કોને લાભ થાય છે! ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં અજિત જૂથની જ NCPને અસલી ગણાવી હતી
ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરી- 2024ના દિવસે જાહેર કર્યું હતું કે અજિત પવાર જૂથની પાર્ટી જ અસલી NCP છે. એ વખતે ચૂંટણી પંચે શરદ પવાર જૂથને 7 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં નવા રાજકીય પક્ષ માટે ત્રણ નામ આપવા જણાવ્યું હતું. અજિત પવારે આ રીતે શરદ પવાર સાથે છેડો ફાડ્યો હતો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા. એનું ફળ એ મળ્યું કે, અજિત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM બન્યા. અજિત પવાર 2 જુલાઈ, 2023ના રોજ NCPના 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે તેમની સાથે NCPના 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. અજિતે 5 જુલાઈ, 2023એ જાહેરાત કરી હતી કે - હવે હું જ NCP ચીફ છું. આ પછી અજિતે શરદ પવારને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્રની ચૂંટણીના અઠંગ ખેલાડી, શરદ પવાર
​​​​​​​ઘડિયાળના ચૂંટણી ચિહ્ન મુદ્દે ભલે ચાચા-ભતીજા વચ્ચે માથાકૂટ ચાલતી હોય પણ ધાર્યું તો ચાચાનું જ થશે. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા તે પહેલાંથી તે રાજકારણના અઠંગ ખેલાડી રહ્યા છે. શરદ પવાર કઈ બાજી, ક્યારે ચાલશે અને કેવી રીતે ચાલશે તે નક્કી કહી શકાય નહીં. એવું કહેવાય છે કે, મહારાષ્ટ્રના પોલિટિક્સમાં મોટોભાગના નિર્ણયો શરદ પવારના હોય છે. મહાવિકાસ અઘાડી સાથે મળીને ચૂંટણી લડે છે. તેમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવની જીદ્દ છે કે પોતે જ મુખ્યમંત્રી બને પણ શરદ પવારે મગનું નામ મરી પાડ્યું નથી. એમનું કહેવું છે કે, આપણે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર ચૂંટણી લડવાની છે. શરદ પવારને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય પણ કહેવાય છે. અજિત પવાર તેના ચાચા શરદ પવાર સાથે છેડો ફાડીને ભાજપ સાથે બેઠા ત્યારે જ ઘણા લોકો એવું માનતા હતા કે, વિરોધી જૂથમાં ભત્રીજાને મોકલવાની આ શરદ પવારની ચાલ છે. જ્યારે પણ ભત્રીજો ચાચાને મળે છે ત્યારે એનડીએના ધબકારા વધી જાય છે. હવે ચાચાનું નવું પરાક્રમ એ છે કે NCP (SP)ને MVAમાં કોંગ્રેસ અને શિવસેના (UBT) જેટલી બેઠકો મળવાની છે. શરદ પવારે પોતાની પાર્ટીમાંથી CMનો ચહેરો નક્કી કરી લીધો?
​​​​​​​કોંગ્રેસ અને ઉદ્ધવ સેના વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો અને કઠિન સોદાબાજી બાદ ત્રણેય પક્ષોની 85-85-85 સીટની ફોર્મ્યુલાની જાહેરાતમાં પણ શરદ પવારે મહત્વની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ અને શિવસેના (UBT) બંને 100 બેઠકોનો દાવો કરતા હતા પણ ફાવ્યા નહીં. બીજી ખાસ વાત, થોડા દિવસો પહેલાં સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં યોજાયેલી પાર્ટીની સભામાં તેમણે NCP (શરદ પવારની NCP)ના વડા જયંત પાટીલની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે પાટિલ રાજ્યને સાચી દિશામાં લઈ જશે. તેમના નિવેદનથી ઘણાના કાન ઊંચા થયા હતા. બની શકે કે, શરદ પવાર જયંત પાટીલને પોતાની પાર્ટીમાંથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરે છે. NCP વિશે આટલું જાણી લો.. NCP માત્ર 2 રાજ્યો સુધી સિમિત
2000ના વર્તમાન ચૂંટણી પરિણામોના આધારે 10 એપ્રિલ, 2023 ના રોજ એનસીપીને તેનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. હવે તે માત્ર મહારાષ્ટ્ર અને નાગાલેન્ડમાં પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ મહારાષ્ટ્રની ચૂંટણીના બીજા ચેપ્ટરની...
​​​​​​​મહારાષ્ટ્રની ચૂંટણીનું બીજું ચેપ્ટર એટલે શિવસેના. NCPના જેમ બે ફાંટા પડ્યા તેમ શિવસેનામાં પણ બે ફાંટા છે. એક શિવસેના એકનાથ શિંદેની છે અને બીજી શિવસેના ઉદ્ધવ ઠાકરેની છે. આ બંનેમાં નિશાન માટે માથાકૂટ થઈ હતી. કોર્ટમાં કેસ ચાલ્યો હતો. છેવટે એકનાથ શિંદે પાસે ધનુષ-તીરનું ચૂંટણી ચિહ્ન રહ્યું હતું અને ઉદ્ધવ ઠાકરેને મશાલ ચિહ્ન મળ્યું હતું. ખેર, શિવસેનાના સિમ્બોલની વાત જૂની થઈ ગઈ પણ શિવસેનાએ જૂની પરંપરાના શાંત તળાવમાં પથ્થર ફેંકીને વમળો સર્જ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેના દીકરા સામે ઉમેદવાર ઉતાર્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને ઝડપથી આખરી ઓપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ઉમેદવારોની જાહેરાત પણ થવા લાગી છે. ભારતીય જનતા પાર્ટી, જે શાસક મહાગઠબંધનનો ભાગ છે, તેણે 99 બેઠકો, શિવસેના (શિંદે) 45 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) 38 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT), જે મહાવિકાસ અઘાડી (MVA) નો ભાગ છે, એ પણ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્ધવની પાર્ટીએ ઠાકરે પરિવારની પરંપરા તોડી છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામે પણ ઉમેદવાર ઉતાર્યા છે. રાજ ઠાકરેએ આદિત્ય ઠાકરે સામે ઉમેદવાર નહોતા ઉતાર્યા
​​​​​​​ગયા વખતની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની ઉમેદવારીની જાહેરાત પછી રાજ ઠાકરેએ વરલી બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. તમામ વિરોધાભાસો છતાં રાજ ઠાકરેએ આદિત્ય ઠાકરેને બિનશરતી સમર્થન આપ્યું હતું. ઠાકરે પરિવારની પરંપરા રહી છે કે, પરિવારમાંથી કોઈ ચૂંટણી લડતું હોય તો એક-બીજા સામે ઉમેદવારો ઊભા ન રાખવા. આ પરંપરા રાજ ઠાકરેએ ગઈ ચૂંટણીમાં જાળવી રાખી હતી, પણ ઉદ્ધવ ઠાકરેએ આ પરંપરા તોડી નાખી છે. રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે મધ્ય મુંબઈની માહિમ બેઠક પરથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શિવસેના (શિંદે)એ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય સદા સરવણકરને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. એવી અટકળો ચાલી રહી હતી કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અમિત ઠાકરે સામે ઉમેદવાર ઊભો રાખવાનું ટાળશે પરંતુ એવું બન્યું નહીં. ઉદ્ધવની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ મહેશ સાવંતને ટિકિટ આપી છે. છેલ્લે, મહારાષ્ટ્રની ચૂંટણી 'ગોટાળા ઢોસા' જેવી છે. એકબીજાનો મેળ નહીં ને છતાં ગોટાળો ચાલે છે ખરો!! સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિચર્સ : યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.