શિક્ષણધામ ચાપરડાનાં સંતશ્રી મુક્તાનંદબાપુ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિની સૈાજન્ય મુલાકાતે
શિક્ષણધામ ચાપરડાનાં સંતશ્રી મુક્તાનંદબાપુ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિની સૈાજન્ય મુલાકાતે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.શૈક્ષણિક પ્રવૃતિઓ, શિક્ષણક્ષેત્રે થનાર વિસ્તારવ્યાપ કાર્યફલકની જાણકારી મેળવી સંતોષ સાથે અધ્યાપકગણને બિરદાવ્યા
રાષ્ટ્રની ઉન્નતિ પ્રત્યેક બાળકને શિક્ષણથી આવુ વિચારનાર અને શિક્ષણમંદીર ચાપરડા શિક્ષણધામનાં સંતશ્રી મુક્તાનંદબાપુની યુનિ.ની મુલાકાત શિક્ષણનાં નવા આયામો સર કરવા બનશે ઉપયોગી- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી ચાપરડા સ્થિત શૈક્ષણીક અને આરોગ્ય ધામનાં સંતશ્રી અને અખિલભારત સાધુ સમાજનાં પ્રમુખશ્રી મુકતનંદબાપુ આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાતે પધાર્યા હતા. યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ મુક્તાનંદબાપુને આવકારી બહુમાન કર્યુ હતુ. આ તકે મુકતાનંદબાપુએ યુનિ.નાં વિવિધ વિભાગનાં અધ્યક્ષશ્રીઓ સાથે શૈક્ષણિક ગોષ્ઠી કરતા જણાવ્યુ હતુ કે જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ એ ત્રણ શબ્દોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી-જુદી રીતે થતો હોય છે. ઉપનિષદકાળમાં દરેક શબ્દની સાથે ‘જ્ઞાન’ શબ્દ જોડવામાં આવતો. જેમ કે, ‘બ્રહ્મજ્ઞાન’, ‘અધ્યાત્મજ્ઞાન’, ‘આત્મજ્ઞાન’ વગેરે. મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ વધારે પ્રચલિત હતો. એ સમયમાં રાજા-મહારાજાઓ ‘અસ્ત્રવિદ્યા’, ‘શસ્ત્રવિદ્યા’ એવી જુદી જુદી વિદ્યાઓને મહત્વ આપતા. તેમ છતાં અધ્યાત્મની ભૂમિકા પર ‘જ્ઞાન’ અને ‘વિદ્યા’ એ બંને શબ્દો સમાનરૂપથી વપરાતા આવ્યા છે. જે અજ્ઞાનરૂપી અંધારામાંથી વ્યક્તિને મુક્ત કરે તેને ‘વિદ્યા’ કહે છે અને જેનાથી પોતાના સ્વરૂપની જાણકારી થાય તેને શાસ્ત્રોએ ‘જ્ઞાન’ કહ્યું છે. ઉપનિષદ્કાળમાં જ્ઞાન ગુરૂઓ દ્વારા આપવામાં આવતું હતું. પૌરાણિક કાળમાં વિદ્યાઓ આચાર્ય પાસેથી પ્રાપ્ત થતી હતી. એમ બંનેનો પોતાનો કાળ હતો. હવેનો યુગ છે ‘શિક્ષણયુગ’. અર્વાચીનકાળમાં ‘શિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. ‘શિક્ષણ’ શબ્દ ‘શિક્ષા’ પરથી આવ્યો છે. ‘શિક્ષા’નો મૂળ અર્થ ‘દંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નથી હોતો પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજીક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે. અહીં ‘આત્મજ્ઞાન’ની જગ્યાએ ‘જીવનજ્ઞાન’ની વાત છે. જેવી રીતે જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે, વિદ્યા આચાર્ય પાસે જવાથી મળે છે તેમ શિક્ષણ એ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ, સદ્ગુરુ હોવા જોઈએ, વિદ્યા માટે આચાર્ય બધી જ કળાઓમાં નિપુણ હોવા જોઈએ તેમ શિક્ષણ માટે પણ શિક્ષક શુદ્ધ, સાધુ ચરિત્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર હોવો જોઈએ. શિક્ષક વિદ્યાર્થીનું આંતરિક ઘડતર કરે તેવા હોવા જોઈએ. શુદ્ધ, સાત્વિક જીવન વગર યોગ્ય શિક્ષક બની શકાતું નથી. શિક્ષક એ સમાજનું જ એક અંગ છે, જે શિક્ષકો કોઈ સંસ્થા, શાળા અને કૉલેજોમાં ભણાવતા હોય તે શિક્ષકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવી જોઈએ. શિક્ષક નીતિવાન, સદાચારી અને સદ્ગુણી હોવો જોઈએ. વિદ્યાર્થીઓનાં જીવનનિર્વાહ માટે તેમને ઉત્તમ શિક્ષણ આપે તેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓના ધન પર પોતાનું ગુજરાન ચલાવનાર શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનનો રાજમાર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈએ, આ શિક્ષકનો ધર્મ છે અને તે જ શિક્ષકની ફરજ છે. હાલમાં જે કંઈ પણ ડિગ્રીઓ માટે ભણાવાય છે એ બધું જ વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય છે. આ પ્રકારનું શિક્ષણ રોજગારી પૂરતું સીમિત છે. આ શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિનો વિકાસ કરવાનો, વ્યક્તિને વ્યવસાયમાં નિપુણ બનાવવવાનો અને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી ધન કમાઈ શકે તે રીતે તેને પગભર કરવાનો છે. જીવનઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ ના મળે તો લોકો સાક્ષર ના બને, પરિણામે સમાજમાં નિરક્ષરતા વ્યાપી જાય. તેથી વ્યવસાયલક્ષી જરૂરી માત્રામાં હોવું જ જોઈએ.. લોકજાગૃતિથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે આ તકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિભાગિય વડાઓએ મુક્તાનંદબાપુનાં જીવનનાં પ્રેરક પ્રસંગોની બોધાત્મક વાતો સાંભળીને યુનિ.નાં કાર્યક્ષેત્રિય કોલેજોનાં છાત્રો. રાષ્ટ્રવિકાસમાં પોતાનું યોગદાન જોડે તે દિશામાં શિક્ષીત-દિક્ષીત કરવા હામ વ્યક્ત કરી હતી. યુનિ.નાં કુલપતિ પ્રો(ડો.) ચેતન ત્રિવેદીએ મુકતાનંદબાપુની ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.ની મુલાકાતને યુનિ.નાં શૈક્ષણિક કાર્ય માટે ફળદાયી લેખાવી હતી. આ તકે મુકતાનંદબાપુએ યુનિ.નાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મયોગીઓની મુલકાત લઇ અધ્યાપકો અને કર્મયોગીઓની શિક્ષણપ્રિતીને બીરદાવી અભિનંદીત કર્યા હતા.
રિપોર્ટ અસ્વિન પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.