ફાયર બ્રિગેડે 418 NOC આપ્યા પણ પોલીસે 5 વેપારીને જ ફટાકડાના લાઇસન્સ ઇસ્યૂ કર્યા
દીપાવલીના તહેવાર આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે નવરાત્રિની જેમ જ કાચબા ગતિએ પોલીસ કરી રહી છે કાર્યવાહી
55ને ફાયર એનઓસી બાકી, TRP અગ્નિકાંડની દુર્ઘટના બાદ પોલીસની વધુ પડતી તકેદારીથી વેપારીઓ હેરાન
દિવાળીના તહેવાર આડે હવે માત્ર બે દિવસ બાકી છે અને રવિવારથી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે શહેરમાં ફટાકડાનો વેપાર કરવા માગતાં 418 વેપારીને ફાયર વિભાગે એનઓસી આપી દીધા છે જ્યારે તેમની સામે પોલીસ તંત્રે અત્યાર સુધીમાં માત્ર 5 વેપારીને હંગામી ફટાકડા વેચાણના લાઇસન્સ ઇસ્યૂ કર્યાની હકીકત પ્રકાશમાં આવી છે. જો પોલીસ આ ગતિએ જ કામગીરી કરશે તો દેવદિવાળી આવી જશે ત્યારે પણ અનેક વેપારીઓ લાઇસન્સથી વંચિત રહેશે તેવી શકયતા વેપારીઓ સેવી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર છાશ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યું છે અને તે પ્રજા માટે સારી બાબત જ છે, પરંતુ પોલીસ તંત્રની વધુ પડતી તકેદારી અને મંથર ગતિએ કામ કરવાની નીતિનો ભોગ દિવાળીના તહેવારોમાં ફટાકડાનો વેપાર કરી રહેલા નિર્દોષ વેપારીઓ બની રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.