મનપાના કેમ્પસમાં હેલ્મેટ મગાતા કોર્પોરેટર સોરઠિયા ગિન્નાયા, મ્યુનિ. કમિશનરને પૂછ્યું કોણે મંજૂરી આપી!
ટ્રાફિકના નિયમો રોડ પર લાગુ પડે કચેરીમાં નહિ, કમિશનરને કહેતા પોલીસ ગેટ બહાર જતી રહી હેલ્મેટ ઝુંબેશમાં મહાનગરપાલિકાની કચેરીમાં કોર્પોરેટર અને પોલીસ બંને વચ્ચે થઈ રકઝક
સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવાયા છે. જેને લઈને કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે અને જે નથી પહેરતા તેમની પાસેથી દંડ લેવાય છે. રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં કર્મચારી ઉપરાંત નગરસેવકોને પણ આવવાનું હોય છે તેથી તેમની પાસેથી પણ હેલ્મેટનો દંડ વસૂલવાનો થાય છે. જોકે આ ઉઘરાણીમાં પોલીસે કચેરીની અંદર ઊભા રહીને કોર્પોરેટર પાસે દંડ લેતા મામલો ગરમાયો હતો અને મ્યુનિસિપલ કમિશનર સુધી ફરિયાદ જતા પોલીસ બહાર નીકળી હતી. વોર્ડ નં.12ના કોર્પોરેટર મગન સોરઠિયા પોતાનું સ્કૂટર લઈને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અંદર જ ટ્રાફિક પોલીસે તેમને અટકાવીને હેલ્મેટનો દંડ ભરવા કહ્યું હતું. કોર્પોરેટરે પહેલા મિટિંગનું બહાનું કાઢ્યું હતું જોકે બધા પાસેથી દંડ લેવાતો હતો તેથી તેઓએ પણ દંડ ભર્યો હતો. આ અંગે મગન સોરઠિયાએ એવો પણ ટોણો માર્યો હતો કે, હવે બધા પાસેથી દંડ લેજો.
સમગ્ર ઘટના મામલે મગન સોરઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘સૌથી પહેલાં તો પોલીસને મનપાની કચેરીના કેમ્પસમાં હેલ્મેટ માગવાનો કોઇ હક નથી. ટ્રાફિકના નિયમો રોડ પર લાગુ પડે કોઇના કેમ્પસમાં નહીં. રોડ પર ઊભા રહીને ભલેને દંડ લ્યે તેમા કોઈ ના નથી. મેં 500 રૂપિયા દંડ ભરી દીધો હતો અને બાદમાં અમારી એસ્ટેટ શાખાની બેઠક હતી એટલે તેમાંપહોંચ્યો હતો. મેં મ્યુનિસિપલ કમિશનરને એ જ વાત કહી કે, પોલીસને મનપાના પરિસરમાં ઊભા રહીને દંડ ઉઘરાવવાની સત્તા કોણે આપી? કોણે મંજૂરી આપી? આ રીતે મંજૂરી આપી શકાય? જેને લઈનેઆખરે ટ્રાફિક પોલીસ કેમ્પસની બહાર ઊભી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.