જસદણમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, જસદણ નજીક આલણસાગર ડેમમાં ડૂબી જતા સગીર યુવકનું મોત
મૃતકના પરિવારજનોએ આખી રાત સગીર યુવકની શોધખોળ કરી હતી અને રવિવારે સવારે 5 વાગ્યે તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટ્યું હતું.
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણમાં એક મોટી કરુણાંતિક સર્જાઈ હતી. જેમાં ત્રણ મિત્રો જસદણ નજીકના આલણસાગર ડેમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી એક સગીર યુવક ડૂબી જતા મોત થયું હતું. આ બનાવમાં જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ નજીક બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં ડૂબી જતા જસદણમાં રહેતા સગીર યુવકનું મોત થયું હતું. આ ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સગીર યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ ઘટનાની વધુ વિગતો મુજબ તા.19 ને શનિવારે ત્રણ મિત્રો જસદણ નજીકના આલણસાગર ડેમમાં ન્હાવા ગયા હતા. જેમાં જસદણના 17 વર્ષીય આઝમ હનીફભાઈ માલકાણી નામનો સગીર યુવક ડેમમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવાર દ્વારા શોધખોળ કરતા તા.20 ને શનિવારે વહેલી સવારે તળાવમાંથી સગીર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથામાં પાછળના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટનામાં એકના એક દીકરાનું અકાળે મોત થતા પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે મૃતકના પરિવાર દ્વારા કોઈ હત્યાની આશંકા કરવામાં આવી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.