કોલકાતા રેપ-હત્યા:મમતાની ડોક્ટરોને અપીલ – ભૂખ હડતાળ સમેટો, રાજકારણથી દુર રહીને કામ પર પાછા ફરો
બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રાઈની ડૉક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં ડૉક્ટરોને ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ડોકટરોની મોટાભાગની માંગણીઓ પૂરી કરાઈ છે, પરંતુ આરોગ્ય સચિવને હટાવવાની માંગને ફગાવી છે. મમતાએ કહ્યું- 'દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ સ્વાસ્થ્ય સેવાઓને આનાથી અસર ન થવી જોઈએ. એક જ વિભાગમાં દરેકને એક સાથે કાઢી મૂકવા શક્ય નથી. અમે પહેલાથી જ DHS અને DMEને હટાવી દીધા છે, તેથી રાજકારણથી દુર રહો અને કામ પર પાછા ફરો. ટ્રેઈની ડોક્ટરને ન્યાય આપવા અને મેડિકલ સુવિધાઓમાં સુધારાની માંગણી સાથે જુનિયર ડોકટરો છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. અત્યાર સુધીમાં છ ડોક્ટરોની તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આઠ લોકો અચોક્કસ મુદતના ઉપવાસ પર છે. ડોક્ટરની માંગ છે કે રાજ્ય સરકાર 21 ઓક્ટોબર સુધીમાં સમસ્યાના ઉકેલ માટે નક્કર પગલાં ભરે. મમતા બેનર્જી સોમવારે ડોક્ટરોને મળશે મુખ્ય સચિવ મનોજ પંતે શનિવારે સાંજે ડોક્ટરોને રાજ્ય સચિવાલયમાં 45 મિનિટની બેઠક માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા આમંત્રણ આપ્યું હતું. જો કે, તેમણે ડોક્ટરોને ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી હતી. જવાબમાં, ડોકટરોએ જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેમની ભૂખ હડતાળ સમેટવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બેઠકમાં હાજરી આપવા માટે સંમત થયા હતા. મમતાએ કહ્યું- શું એ યોગ્ય છે કે ડૉક્ટર નક્કી કરે કે કોને હટાવવા જોઈએ? મમતા બેનર્જીએ ડોક્ટરોને તેમની ભૂખ હડતાળ સમેટવા અને સોમવારે મળવાની વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું, 'મેં પોલીસ કમિશનર (CP), મેડિકલ એજ્યુકેશનના નિયામક (DME), અને આરોગ્ય સેવાઓના નિયામક (DHS)ને હટાવ્યા છે, પરંતુ હું સમગ્ર વિભાગને હટાવી શકતો નથી.' તેમણે સવાલ કર્યા, 'શું એ યોગ્ય છે કે તમે નક્કી કરો કે કયા અધિકારીને હટાવવા જોઈએ? કેટલીક માંગણીઓ માટે પોલીસી બનાવવાની જરૂર છે અને સરકાર આમાં સંપૂર્ણ સહકાર આપશે, પરંતુ એ અમને મંજુર નથી કે ડોકટરો સરકારને આદેશ આપે કે શું કરવું. મમતાએ ડોક્ટરોને કહ્યું- મારું પદ ભૂલી જાઓ, મને દીદી સમજો મમતાએ ડોક્ટરોને તેમની જવાબદારી સમજવા અને આ હડતાળથી રાજ્યની આરોગ્ય સેવાઓને અસર થઈ રહી છે તેના પર ધ્યાન આપવા કહ્યું હતું. તેમણે કહ્યું, 'લોકો તમારી સારવાર પર નિર્ભર છે. ગરીબ લોકો ક્યાં જશે? તેઓને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળે છે. કૃપા કરીને મારા પદને ભૂલી જાઓ અને મને તમારી દીદી માનો. તમારી માંગણીઓ કાયદેસર છે, પરંતુ તમારે જનતાની સેવા કરવી જોઈએ. રાજ્યભરના ડોક્ટરો 22 ઓક્ટોબરે હડતાળ પર ઉતરશે વિરોધ કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રાજ્યભરના તમામ મેડિકલ પ્રોફેશનલ્સ 22 ઓક્ટોબરે હડતાળ પર ઉતરશે. આ સાથે ડોક્ટરોએ 20 ઓક્ટોબર, રવિવારે એક મોટી રેલીનું આયોજન કરવાનું પણ નક્કીકર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.