વિસ્તારા, અકાસાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, કેન્દ્રએ DGCA પ્રમુખને હટાવ્યા; NIA અને IB પાસેથી રિપોર્ટ માંગ્યો
વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. પ્લેન સિંગાપુરથી પુણે આવી રહ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ પૂણે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તેમજ, લખનૌથી મુંબઈ જતી આકાસા એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો, ત્યારબાદ આકાસાના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં પેસેન્જર વિમાનને ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. શનિવારે 30થી વધુ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંપૂર્ણ તપાસ બાદ વિમાનોને રવાના કરવામાં આવ્યા હતા. જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી પરેશાન થયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. CISF, NIA અને IBને પણ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ, મોડી સાંજે કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે DGCA પ્રમુખ વિક્રમ દેવ દત્તને પદ પરથી હટાવીને કોલસા મંત્રાલયમાં સચિવ બનાવ્યા છે. આ ફેરફારને ધમકીની બાબતો સાથે જોડવામાં આવી રહ્યો છે. તેમજ, એક સાથે 30 ધમકીઓ મળ્યા બાદ, એરલાઇન કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના અધિકારીઓને મળ્યા હતા. બ્યુરોના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને તેમને ખાતરી આપી કે ભારતીય આકાશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એક સપ્તાહમાં રૂ. 200 કરોડનું નુકસાન વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ફ્લાઈટને તેના નિર્ધારિત એરપોર્ટને બદલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવે છે. આનાથી વધુ ઇંધણનો વપરાશ થાય છે એટલું જ નહીં, એરક્રાફ્ટનું રી-ચેકીંગ, મુસાફરોને હોટલમાં બેસાડવા અને તેમને તેમના સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરવી પડે છે. એક રિપોર્ટ અનુસાર આ બધા પાછળ લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ અઠવાડિયે, વિસ્તારા, એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની 70થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ધમકીઓ મળી છે. લંડન અને દુબઈ જતી ફ્લાઈટ પર બોમ્બની ધમકી શુક્રવારે મોડી રાત્રે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા એરલાઈન્સની એક-એક ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જેમાંથી દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઇટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે 189 મુસાફરોને લઈને દુબઈ જયપુર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX-196)નું મોડીરાત્રે 1:40 વાગ્યે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બંને વિમાનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે
ફ્લાઈટમાં બોમ્બના ખોટા સમાચાર ફેલાવવા બદલ મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેણે 14 ઓક્ટોબરે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી આપી હતી. સતત ધમકીઓ વચ્ચે દિલ્હી પોલીસે 6 FIR નોંધી છે. બીજી તરફ, સરકારે વિમાનમાં બોમ્બ હોવાનો ખોટો દાવો કરતા 10 સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. ધમકીભર્યા મેસેજ મોકલનારાઓની ઓળખ - ઉડ્ડયન મંત્રાલય 16 ઓક્ટોબરે ઉડ્ડયન મંત્રાલયે સંસદીય સમિતિને એરલાઈન્સને ધમકીભર્યા સંદેશા મોકલવા અંગે જવાબ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ પણ કહ્યું હતું કે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને આવા ઘણા મામલા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ સાયબર યુનિટ્સને ધમકીભર્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ટ્રેક કરવા માટે સૂચના આપવામાં આવી છે. આમાંનાં મોટા ભાગનાં એકાઉન્ટ્સ વિદેશથી ઓપરેટ થઈ રહ્યાં છે. ફ્લાઈટમાં બોમ્બની ધમકી કેટલી વાર મળી છે... ક્રમશઃ વાંચો... ઓક્ટોબર 17: ફ્રેન્કફર્ટ-મુંબઈ વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બની ધમકી વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાનની એક સ્પેસમાં ઊડી રહ્યું હતું. ઑક્ટોબર 16: ઇન્ડિયન એરલાઇન્સની 7 ફ્લાઇટ્સમાં બોમ્બની ધમકી ઇન્ડિયન એરલાઇન્સની સાત ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી, જેમાં ઈન્ડિગોની ચાર, સ્પાઈસ જેટની 2 અને અકાસાની એક ફ્લાઈટનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઑક્ટોબર 15: એક વ્યક્તિએ ધમકી આપી હતી, એ બધી ખોટી નીકળી 7 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઈટને પણ ધમકી અપાયેલી ફ્લાઈટ્સમાં સામેલ હતી. આ પછી એને કેનેડા ડાઇવર્ટ કરવામાં આવી હતી. પ્લેન કેનેડાના ઈક્લુઈટ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. ઑક્ટોબર 9: લંડન-દિલ્હી ફ્લાઈટમાં ધમકી લખેલું ટિસ્યૂપેપર મળ્યું લંડનથી દિલ્હી જઈ રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ UK18માં બોમ્બ હોવાના સમાચાર મળતાં ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઈટના દિલ્હી પહોંચવાના લગભગ સાડા ત્રણ કલાક પહેલા એક પેસેન્જરે પ્લેનના ટોઇલેટમાં ધમકીભર્યું ટિસ્યૂપેપર મળ્યું હતું. તેણે આની જાણ ક્રૂ-મેમ્બરને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.