સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલિગ્રામ એપા.માં બિલ્ડરના મકાનમાંથી રૂા.14 લાખની રોકડની ચોરી
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપા.માં રહેતાં બિલ્ડર્સના મકાનમાં ઘરની સફાઈ માટે આવેલા રાજસ્થાની કારીગરોએ ઘરની સફાઈની સાથે તિજોરીની પણ સફાઈ કરી તેમાં રહેલા રોકડ રૂ.14 લાખ ની ચોરી કરી નાસી છૂટતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા પીઆઈ ડી.એમ.હરિપરા અને ટીમે ગણતરીની કલાકોમાં ચાર શકમંદોને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતાં હરસુખભાઇ બચુભાઇ ઠુમ્મર (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીયલ એસ્ટેટમાં બાંધકામનુ કામ તથા રાધે પોલીમર્શ, યુનીક પોલીમર્શ નામના બે કારખાના ચલાવે છે. તેમના પરિવારમાં પિતા બચુભાઇ, માતા નંદુબેન, પત્ની અને પુત્ર-પુત્રી છે. રીયલ એસ્ટેટના ધંધા અને કારખાનામાંથી વેપારના આવતા રોકડા રૂપીયા તેઓ ઘરે રાખે છે.
ગઈ તા.16 ના સવારના દસેક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે પત્નીએ મને વાત કરેલ કે,આપણા પાડોશીએ ગઈ તા.03 ના બહારથી માણસો બોલાવી ઘરની સફાઇ કરાવેલ હોય તો આપણે પણ તે લોકો પાસે આપણા ઘરની દિવાળીના તહેવાર અનુસંધાને સફાઈ કરાવીએ તેમ વાત કરતા તેને કહેલ કે, વાંધો નહીં તુ તારી રીતે પાડોશી પાસેથી નંબર મેળવી માણસો બોલાવી લેજે, બાદ સાંજના સમયે ઘરે આવેલ ત્યારે પત્નીએ મને જણાવેલ કે, પાડોશી પાસેથી નંબર લીધેલ જે પ્રભુ ભાઈ નામના વ્યક્તિના હોય જેના ઉપર વાત કરતા તેમણે જણાવેલ કે, અમે ચાર માણસો તા.18 ના સવારના સમયે આવી જશું અને સફાઇકામના રૂ.5 હજાર લેશું તેમ જણાવેલ હતું.
ગઈકાલે સવારના તેઓ પોતાના કામ પર ગયેલ ત્યારે મારા ઘરે મારા માતા-પિતા અને પત્ની હાજર હતી. બપોરના આશરે દોઢેક વાગ્યા આસપાસ તેઓ જમવા આવેલ ત્યારે પ્રભુભાઇ તથા તેના માણસો મારા ઘરે આવી ગયેલ હતા અને કામ કરતા હતા. બાદમાં તેઓ જમીને કામ પર જતો રહેલ હતાં. ત્યારબાદ રાત્રે ઘરે આવેલ ત્યારે તે લોકો ઘરે હાજર ન હોય અને પોતાનું સફાઈ કામ કરી જતા રહેલ હતા.
તેમને કામ માટે પૈસાની જરૂરીયાત હોય જેથી રૂમના કબાટમા રાખેલ રૂ.14 લાખ કાઢવા જત રૂપીયા જોવા મળેલ નહી જેથી તે બાબતે પત્નીને પુછતા તેણીએ જણાવેલ કે, તે રૂપીયા બાબતે ખબર નથી, બાદમાં તેણીને આજે આપણા ઘરે સાફ સફાઈ કરવા આવેલ માણસો સિવાય અન્ય કોઇ વ્યક્તી આપણા ઘરે આવેલ હતી કે કેમ? જેથી પત્નીએ જણાવેલ કે, આજે આપણા ઘરે સફાઇ કરવા પ્રભુભાઈ તથા તેના માણસો આવેલ હતા
જે આજે બપોરના સવા ચારેક વાગ્યા આસપાસ આ ચાર માણસોમાથી પ્રભુભાઇ તથા એક અજાણ્યો શખ્સ ઘરની બહાર ગયેલ અને આશરે દસેક મીનીટ બાદ આ પ્રભુભાઇ ઘરે પરત આવેલ અને મને જણાવેલ કે, અમારે બે માણસોને ઇમરજન્સી કામ આવી ગયેલ હોય જેથી બીજા બે માણસો અમારી જગ્યાએ મોકલુ છુ, તેમ કહી પ્રભુભાઈ ત્યાથી જતા રહેલ અને થોડીવાર બાદ બીજા બે અજાણ્યા માણસો ઘરે કામ કરવા આવેલ હતાં.
બાદમાં ચારેય અજાણ્યા માણસો આશરે આઠેક વાગ્યાની આસપાસ પોતાનુ કામ પુરુ કરી નક્કી થયા મુજબના રૂ.5 હજાર રોકડા લઈને જતા રહેલ હતા. જેથી ઘરમાં સફાઈ કામ માટે આવેલ પ્રભુ ભાઇ તથા તેની સાથે આવેલ અજાણ્યા શખ્સોએ રૂ.14 લાખની રોકડની ચોરી કરી નાસી છૂટ્યાની શંકા હોવાથી ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી ચાર શકમંદોને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.