કોલ્ડ સ્ટોરેજમાંથી 1150 કિલો સડેલો મેંગો - સીતાફળ પલ્પ અને ફ્રુટનો જથ્થો મળ્યો : નાશ - At This Time

કોલ્ડ સ્ટોરેજમાંથી 1150 કિલો સડેલો મેંગો – સીતાફળ પલ્પ અને ફ્રુટનો જથ્થો મળ્યો : નાશ


મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખા દિવાળી પહેલા ભેળસેળીયા ખાદ્ય પદાર્થો પકડીને નાશ કરવા ફિલ્ડમાં દોડી છે ત્યારે સામાકાંઠે આડા પેડક રોડ પર એક કોલ્ડ સ્ટોરેજમાંથી મીઠાઇ, આઇસ્ક્રીમ, જયુસ પાર્લરના ધંધાર્થીઓને વેંચવા માટે રાખવામાં આવેલો 1100 કિલો સડેલો મેંગો અને સીતાફળ પલ્પનો જથ્થો મળી આવતા તેનો નાશ કરી દેવાયો હતો. સાથે જ દાડમ, દ્રાક્ષ જેવા વાસી ફ્રુટનો પ0 કિલો માલ પણ મળી આવતા સ્ટોરેજના માલિક અને માલ રાખનાર પેઢીના સંચાલકને નોટીસ ફટકારવામાં આવી છે.
રાજકોટમાં જુદી જુદી દુકાનોમાં વેંચાતા આઇસ્ક્રીમ, શેઇક, જયુસમાં કેટલા હલકા ફલેવર્ડ ફ્રુટ પલ્પનો ઉપયોગ થાય છે તે આજે ફરી બહાર આવ્યું છે. આથી આવી જગ્યાઓએ સઘન ચેકીંગ ડ્રાઇવ ચલાવવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે થતા ખુલ્લા ચેડા બંધ થાય તેમ છે.
તહેવારોને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, સીની. ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વલ્લભનગર શેરી નં.-1, આડો પેડક રોડ મુકામે આવેલ"રવિરાજ રેફ્રીજરેશન" પેઢીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પેઢીમાં કોલ્ડ રૂમમાં વિવિધ બ્રાન્ડના આઈસક્રીમ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ, ફ્રૂટ પલ્પ, વગેરનો અલગ અલગ વેપારીઓની માલિકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલૂમ પડયું હતું.
વધુમાં પેઢીના કોલ્ડ રૂમની તપાસ કરતાં "શિવમ ફ્રૂટ"ના માલિક રમેશભાઈ સિંધવ દ્વારા મીઠાઇના ઉત્પાદકો તથા જ્યુશ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલોનો જથ્થો લેબલ વગરનો, અનહાઈજીનીક રીતે દુર્ગંધયુક્ત હાલતમાં જોવા મળ્યો હતો. જે અખાદ્ય હોવાનું જથ્થાના માલિકે સ્વીકાર્યુ હતું.
સાથે જ અન્ય ફ્રૂટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો 50 કિલો જથ્થો વાસી મળતા કુલ 1150 કિલો અખાદ્ય જથ્થો (અંદાજિત કિંમત રૂ.3,30,000નો) માનવ આહાર માટે ફરી વેચાણ, ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર જ સોલીડ વેસ્ટ વિભાગના વાહનમાં નાશ કરવામાં આવ્યો હતો.
આ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.