બોટાદ જિલ્લામાં વસવાટ કરતા દિવ્યાંગજનોને નિ:શુલ્ક સાધન સહાય એસેસ્મેન્ટ કેમ્પનો લાભ લેવા અનુરોધ - At This Time

બોટાદ જિલ્લામાં વસવાટ કરતા દિવ્યાંગજનોને નિ:શુલ્ક સાધન સહાય એસેસ્મેન્ટ કેમ્પનો લાભ લેવા અનુરોધ


(ચૌહાણ અજય દ્વારા)
બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ યોજાનાર છે.
જે માટે બોટાદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો આ મુજબના સ્થળે અને તારીખે જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. એસેસ્મેન્ટ દરમિયાન એલિમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે. બોટાદ તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૧/૧૦/૨૦૨૪ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર, વિહળ નગર, પાંચપડા, બોટાદ ખાતે યોજાશે. ગઢડા તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગઢડા ખાતે એસેસ્મેન્ટ કેમ્પ યોજાશે. બરવાળા તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૩/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, બરવાળા ખાતે યોજાશે.
રાણપુર તાલુકાના દિવ્યાંગજનો માટે તા.૨૪/૧૦/૨૦૨૪ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણપુર ખાતે યોજાશે. સવારે ૧૦:૦૦ કલાકથી એસેસ્મેન્ટ કરવામાં આવશે. જેનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ, દિવ્યાંગ બસપાસ, દિવ્યાંગતાનું સર્ટીફિકેટ તેમજ યુ. ડી. આઈ. ડી. કાર્ડ સાથે લાવવાનુ રહેશે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી બોટાદના નંબર ૦૨૮૪૯૨૩૧૩૨૩ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. અત્રે મહત્વનું છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારની એ.ડી.પ. યોજના અંતર્ગત દિવ્યાંગજનો કે જેમણે મોટરરાઈઝડ ટ્રાઈસીકલ ૫ વર્ષ દરમિયાન અને અન્ય સાધનોની ૩ વર્ષ દરમીયાન સહાય મેળવી નથી. ઉપરાંત ૧૨ વર્ષથી ઓછી ઉંમરના વિશેષ જરૂરીયાત ધરાવતા બાળકો માટે ૧ વર્ષના સમયગાળા દરમિયાન લાભ મેળવ્યો નથી તેઓ પાત્રતા ધરાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.