નવરાત્રી – દશેરાના દિવસોમાં રાજકોટમાં રૂા. 58.78 કરોડના 2966 વાહનોનું વેંચાણ
રાજકોટમાં દર વર્ષની જેમ નવરાત્રી અને દશેરાના તહેવારના દિવસોમાં ઓટોમોબાઇલ માર્કેટમાં દિવાળીની ચમક દેખાય છે. આ વર્ષે તા.3 થી 12ના 10 દિવસમાં રાજકોટમાં કુલ 58.78 કરોડના વાહનોનું વેંચાણ થતા મ્યુનિ. કોર્પોરેશનને વ્હિકલ ટેકસની 1.16 કરોડની આવક થઇ છે. જોકે ગત વર્ષની સરખામણીએ કુલ વાહનોની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ ટુ વ્હિલર છોડાવવાની સંખ્યા ઘણી વધી ગઇ છે.
ગત 2023ના વર્ષમાં રાજકોટમાં 61 કરોડના વાહનો નવરાત્રી અને દશેરાના દિવસે વેંચાતા કોર્પો. તંત્રને 1.34 કરોડની આવક થયાનું રેકર્ડ પર આવ્યું હતું. ગત વર્ષે લોકોએ 1700 જેટલા ટુ વ્હિલર વેંચાયા હતા તો આ વર્ષે 2500થી વધુ ટુ વ્હિલર વેંચાયાની નોંધ થઇ છે. છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં કુલ 2966 વાહનોનું વેંચાણ થયાની નોંધ મનપામાં ચડી છે.
મ્યુનિ. કોર્પોરેશનની ટેકસ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ તા.3-10થી તા.12-10-2024 સુધીના 10 દિવસમાં રપ સીએનજી અને 2461 પેટ્રોલ ટુ વ્હિલર લોકોએ છોડાવ્યા છે. જેની કુલ કિંમત 21.81 કરોડ જેટલી થાય છે.
આ વાહનોના વેરા પેટે મનપાને વાહન વેરાની 35.16 લાખથી વધુની આવક થઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ફોર વ્હિલર વાહનો વેંચાણની નોંધમાં થોડો ઘટાડો થયો છે. ગત વર્ષે 376 જેટલી મોટરકારનું વેંચાણ મનપાના રેકર્ડ પર આ દિવસોમાં ચડયું હતું જે આંકડો આ વર્ષે 350નો છે.
રાજકોટમાં આ 10 દિવસોમાં કુલ 33.60 કરોડની મોટર કારના વેંચાણ થયા છે. તો 3.30 કરોડના 129 જેટલા પેસેન્જર થ્રિ વ્હિલર વાહનો વેંચાયા છે. આ રીતે આ વર્ષે કુલ 58.78 કરોડના 2966 વાહનો વેંચાતા મનપાને વ્હિકલ ટેકસની 1.16 કરોડની આવક થઇ છે. જે ગત વર્ષ કરતા 18 લાખ ઓછી છે. જોકે હજુ આ દિવસોમાં વેંચાયેલા ઘણા ટુ વ્હિલરની નોંધ એક-બે દિવસ સુધી આવતી રહે છે.
આ વર્ષે જે સાડા ત્રણસો જેટલી કાર વેંચાય છે તેમાં 142 પેટ્રોલ કાર, 48 ડિઝલ કાર, 153 સીએનજી કારનો સમાવેશ થાય છે. આમ તો ગત વર્ષ કરતા આંકડામાં સામાન્ય ફેરફાર થયો છે. પરંતુ હજુ દિવાળી સુધી સારી સિઝનમાં વાહનોનું વેંચાણ ઘણુ વધી શકે તેવું બજારના સુત્રો કહી રહ્યા છે. હાલ તો કોર્પો.ને તહેવારોના કારણે વાહનોના ટેકસની આવકમાં સારો એવો વધારો થયો છે.
ગત 2023ના વર્ષમાં તા.15 થી 24ના નવ નોરતા અને દશેરાના દિવસોમાં કુલ 61 કરોડના જુદા જુદા પ્રકારના વાહનોનું વેચાણ થતા કોર્પોરેશનને વ્હીકલ ટેકસની 1.34 કરોડની આવક થઇ હતી. જે અગાઉના વર્ષો કરતા વધુ હતી. આ દિવસોમાં 2202 વાહનોનું વેંચાણ થયું હતું. કુલ 1684 ટુ વ્હીલર વેચાયા છે તો 376 મોટરકાર લોકોએ છોડાવી હતી.
હવે દિવાળી સુધી તહેવારનો માહોલ રહેવાનો છે. આ શુભ દિવસોમાં વાહનોનું વેચાણ ચાલુ રહેવાની અને ગત દિવાળી કરતા આ દિવાળીએ પણ વાહનના વેચાણમાં વધારો થવાની પૂરી ધારણા ઓટોમોબાઇલ માર્કેટને છે. વાહનોના વેચાણ સાથે મહાપાલિકાની વેરાની આવક પણ સતત વધતી જઇ રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.