તસકરો બેફામ :ભગવતીપરામાં સફાઈ કામદાર અને માંડાડુંગરમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરોનો હાથફેરો - At This Time

તસકરો બેફામ :ભગવતીપરામાં સફાઈ કામદાર અને માંડાડુંગરમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરોનો હાથફેરો


ભગવતીપરામાં સફાઈ કામદાર અને માંડાડુંગરમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરોએ હાથફેરો કરી રૂ.2.18 લાખની ચોરી કરી નાસી છૂટતાં પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરા રોડ પર સુખસાગર સોસાયટી શેરી નં.6 માં રહેતાં મહેન્દ્રભાઇ ચંદુભાઈ વાધેલા (ઉ.વ.40) એ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જુના મોરબી રોડ વોર્ડ નં.4 માં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેઓ પત્ની અને એક પુત્ર સાથે રહે છે. ગઇકાલે સાંજના સાતેક વાગ્યે તેઓ પત્ની અને પુત્ર સાથે તેમના પિતાની તબિયત સારી ન હોય જેથી યાજ્ઞિક રોડ પર ઠક્કરબાપા વાલ્મિકી વાસમાં રહેતાં તેમના પિતાના ઘરે ગયેલ બાદ બીજા દિવસે સવારના તેઓ ઘરે આવેલ ત્યારે ઘરની ડેલીના તાળાનો નકુચો તુટેલો હતો. ઘરમાં અંદર પ્રવેશ કરતા ત્યાં જોયેલ તો ઘરના મેઈન દરવાજાના તાળાનો નકુચો પણ તુટેલ હતો.
બાદમાં ઘરમા અંદર જઈ ચેક કરતા તમામ સામાન વેરવીખેર હાલતમાં પડેલ હતો. ઘરના રૂમમાં રાખેલ કબાટમા જોતા તેમાં અંદર રહેલ તીજોરી ખુલ્લી હતી અને તીજોરીમાં રાખેલ સોનાનો નાનો હાર તેમજ હારની બુટી રૂ.75 હજાર, સોનાનો ચેઈન રૂ.45 હજાર, મંગળસૂત્ર, સોનાની કાનની વારી,ચાંદીના નજરીયા 2 જોડી સહિતનો મુદામાલ જોવા ન મળતા ચોરી થયાની જાણ થઈ હતી. જેથી તેઓના ઘરમાં ઘુસેલા તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.37 લાખનો મુદામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

બીજા બનાવમાં માંડાડુંગરમાં માધવવાટીકા સોસાયટી શેરી નં.04 માં રહેતાં દિનેશભાઈ ઉકાભાઈ વેકરિયા (ઉ.વ.45) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આરતી ઈન્ડસ્ટ્રીઝ શેરી નં 2 માં ખોડલ મેટલ નામનું કારખાનું ચલાવી છરી ચપ્પાનુ જોબવર્ક કરે છે.
ગઈ તા.08-09 ના તેઓ પત્ની અને પુત્ર સાથે સાંજના છએક વાગ્યાની આસપાસ ઘરે તાળુ મારી ગીરનારી આશ્રમ લોધીકા ખાતે ગયેલા હતાં. બાદ તા. 10/09 ના સવારના સમયે તેમના પાડોશી વર્ષાબેન ડાભીનો ફોન કે, તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તમે ઘરે હાજર છો કે નહીં જેથી તેને કહેલ કે, અમે ઘરે તાળુ મારી લોધીકા ગીરનારી આશ્રમે આવેલ છીએ તેમ વાત કરતા વર્ષાબેને ઘરે જઈ જોતા ઘરનું તાળુ તુટેલું જોવામાં આવતા તુંરત જાણ કરતાં તેઓ ઘરે દોડી આવેલ અને જોતા ઘરનો મેઈન દરવાજાનુ તાળુ તુટેલ હતું અને ઘરનો સામાન વેરવિખેર પડેલ હતો.
રૂમમાં કબાટના દરવાજા ખુલ્લા અને કબાટની તીજોરી તુટેલ જોવામાં આવેલ જેમાં રાખેલ એક સોનાની બુટ્ટી રૂ.15 હજાર, એક ઘડિયાળ અને રોકડ રૂ. 65 હજાર જોવામાં આવેલ નહી. જેથી કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘુસી તિજોરીમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂ.81500 ની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.