જસદણનાં ડો. જયેશ અંટાળા સુખ સંપત્તિ-વૈભવનો ત્યાગ કરી સાધુતાનાં માર્ગે: દીક્ષાર્થીનો વિદાય સમારોહ - At This Time

જસદણનાં ડો. જયેશ અંટાળા સુખ સંપત્તિ-વૈભવનો ત્યાગ કરી સાધુતાનાં માર્ગે: દીક્ષાર્થીનો વિદાય સમારોહ


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
બીએપીએસના 21 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં પરિવારજનોએ ત્યાગ આશ્રમમાં નિર્ણયને વધાવ્યો: રાજીખુશીથી વિદાય આપી.

જસદણના ડો.જયેશભાઈ અંટાળા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંત બનવા જઈ રહ્યા હોય તેમનો દીક્ષાર્થી વિદાય સમારોહ બીએપીએસ સંસ્થાના 21 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. બીએપીએસના મહંતસ્વામી મહારાજ સનાતન સંસ્કૃતિને મજબૂત કરવા માટે ભારતીય સંસ્કૃતિના મંદિર, શાસ્ત્ર અને સંત એમ ત્રણ આધાર સ્તંભ માને છે. ત્યારે જસદણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા દિક્ષાર્થી વિદાય સમારોહમાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરના કોઠારીસ્વામી દિવ્યપુરુષ સ્વામીએ જણાવ્યું હતું કે સુખ, સંપત્તિ અને વૈભવનો ત્યાગ કરીને સાધુતાનો માર્ગ ડો.જયેશભાઈ અપનાવી રહ્યા છે. સાધુનો માર્ગ સોનાની તલવાર ઉપર ચાલવાનો માર્ગ છે. ગૃહસ્થાશ્રમ કરતા ત્યાગાશ્રમ અતિ કઠિન છે. સાધુ તો ઘણા હોય છે પરંતુ સાધુતા વાળા સાધુ સાથે સત્સંગ થાય તે જરૂરી છે. ડો. જયેશભાઈ ગૃહસ્થ જીવન ત્યાગ કરી શકતા હોય તો આપણે વ્યસનનો ત્યાગ કેમ ન કરી શકીએ ? તેમ જણાવીને વ્યસન મુક્તિની હિમાયત દિવ્યપુરૂષ સ્વામીએ કરી હતી. સંત બની રહેલા ડો.જયેશભાઈના ભાઈ અવિનાશભાઈ અંટાળાએ જણાવ્યું હતું કે અમારા ભાઈ અમારાથી દૂર જાય છે તેનું દુ:ખ છે પરંતુ ભગવાનની નજીક જાય છે તેનું વિશેષ સુખ અને આનંદની વાત છે. તેઓ રાજી ખુશીથી ત્યાગ આશ્રમમાં જઈ રહ્યા છે. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતસ્વરૂપ સ્વામી, અમૃતચરણ સ્વામી, સત્સંગપ્રિય સ્વામી, વિશ્વબંધુ સ્વામી, વેદાંતપ્રિય સ્વામી, શ્રવણપ્રિય સ્વામી, યશોવિજય સ્વામી, અમૃતયોગી સ્વામી, અમૃતકીર્તન સ્વામી, શ્વેતદર્શન સ્વામી, અનંતચરણ સ્વામી, ધર્મમયસ્વામી, હરિસ્વરૂપ સ્વામી, ગુરુયોગી સ્વામી, ઉત્તમવિવેક સ્વામી, અપૂર્વકીર્તિ સ્વામી સહિતના 21 થી વધારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના જુદા જુદા સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ, રાજકોટ, સાળંગપુર, ગઢડા, જામનગર સહિતના મંદિરોમાંથી સંતો ઉપસ્થિત રહ્યા હતા. ડો.જયેશભાઈના પિતાશ્રી બાબુભાઈ રામજીભાઈ અંટાળા તથા તેમના પરિવારજનોનું વિવિધ સંતોના હસ્તે પુષ્પમાલા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સંતોએ બાબુભાઇ અંટાળાને તેમના પુત્રને સંત બનાવવા માટે રાજીખુશીથી લીધેલા નિર્ણયને બિરદાવ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજભાઈએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.