વિંછીયામાં ત્રણ દુકાનો પર રૂા.૨૭ લાખની લોન હોવા છતાં દસ્તાવેજ કરી તબીબ મનસુખભાઇ સાથે ઠગાઇ
પીપરડીના તબીબે વિંછીયા પોલીસમાં વિંછીયાના ગંભીરસિંહ પરમાર અને તેના પત્ની પ્રકાશબા પરમાર વિરૂધ્ધ ફરિયાદ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયાના જસદણ રોડ નિર્મળ પેટ્રોલપંપની બાજુમાં ત્રણ દુકાનો ઉપર રૂા.૨૭ લાખની લોન હોવા છતા વિંછીયાના દંપતીએ પીપરડીના તબીબને વેંચાણ દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ પીપરડી ગામમાં રહેતા તબીબ મનસુખભાઇ નાગરભાઇ પરમાર(ઉ.વ.૩૩)એ વિંછીયા પોલીસ મથકમાં વિંછીયામાં રહેતા ગંભીરસિંહ અભેતસિંહ પરમાર અને તેના પત્ની પ્રકાશબા પરમાર સામે નોંધાવી છે. મનસુખભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઓમ ડેન્ટલ કલીનીક ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. પોતે ૨૦૧૮થી વિંછીયામાં ભાડે દુકાન રાખીને ડેન્ટલની પ્રેકટીસ કરતા હતા. પોતે વિંછીયામાં પોતાની માલીકીની દુકાન વેચાતી લેવાનું વિચાર કરતા હતા. આથી પોતે પિતા નાગરભાઇને વિંછીયા ખાતે દવાખાનું શરૂ કરવા માટે વેંચાતી દુકાન લેવાની વાત કરી હોઇ જેથી પિતાએ તેના મિત્ર પરેશભાઇ હીરાભાઇ કાગડા(રહે.વિંછીયા)ને વાત કરતા પરેશભાઇએ વિંછીયા જસદણ રોડ નિર્મળ પેટ્રોલપંપની બાજુમાં ઓલી ત્રણ દુકાનનો હોલ પોતાના પિતાને બતાવ્યો જે દુકાનો પ્રકાશબા પરમાર(રહે.વિંછીયા શિવાજીપરા ભાદરવાળા મેલડી માતાના મંદિર પાછળ)ની માલીકીની હોય અને તે વેચવાની છે તેવી વાત કરતા આ દુકાન લેવાની હોઇ, જેથી આ દુકાનો લેવા બાબતે પરેશ કાગડાની દુકાને બેઠક કરી દુકાનના માલીક ગંભીરસિંહ પરમાર તથા તેના પત્ની પ્રકાશબા પરમાર હાજર હતા. ત્યારે પ્રકાશબાએ આ દુકાનોની કિંમત રૂા.૩૫ લાખ કહી હતી. જેથી પિતા નાગરભાઇએ પૈસામાં ઘટાડો કરવાની વાત કરતા રૂા.૩૪ લાખ નકકી થયા હતા. બાદ તા.૧૩/૩/૨૦૨૩ના રોજ રૂા.૧૭ લાખ સાટાખત પેટે ગંભીરસિંહ પરમાર અને તેના પત્ની પ્રકાશબા પરમારને રૂા. ૧૭ લાખ આપી રૂા. ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી સોદો કર્યો હતો. બાદ તા. ર૯-પ-ર૩ ના રોજ ગંભીરસિંહ પરમાર અને તેના પત્ની પ્રકાશબાએ આ દુકાનોના દસ્તાવેજ પોતાના નામે કરી આપ્યા હતાં. બાદ તા. ૪-૬-ર૩ ના રોજ રૂા. ૭ લાખ, તા. ૧ર-૬-ર૩ ના રોજ રૂા. ૩ લાખ, આપ્યા હતાં. તેમ મળીને કુલ રૂા. ર૭ લાખ આપ્યા હતાં. આ દુકાનોનો કબ્જે પોતાની પાસે છે. બાદ આ દુકાન ઉપર તા. ર૩-૧-ર૪ ના રોજ કોટક મહિન્દ્રા બેંકની એક નોટીસ લગાવેલી હતી. આ નોટીસ લઇ પોતે રાજકોટ અને અમદાવાદની કોટક મહિન્દ્રા બેંકમાં તપાસ કરતા આ દુકાન પર રૂા. ર૭ લાખની લોન હોવાનું જાણવા મળતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જાણવા મળતા પોતે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વીંછિયા પોલીસએ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.