વિદેશમંત્રી એસ. જયશંકર પાકિસ્તાન જશે:15-16 ઓક્ટોબરે SCOની બેઠકમાં હાજરી આપશે; છેલ્લી વખત સુષમા સ્વરાજ પાકિસ્તાન ગયાં હતાં
વિદેશમંત્રી એસ. જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે. 9 વર્ષમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે. વાસ્તવમાં પાકિસ્તાને 29 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે બેઠકમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એના પર જયશંકરે કહ્યું હતું કે "પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ હવે પૂરો થઈ ગયો છે. દરેક વસ્તુનો સમય હોય છે, દરેક કામ વહેલા કે મોડેથી એના અંત સુધી પહોંચે છે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરની વાત છે તો હવે કલમ 370 સમાપ્ત થઈ ગઈ છે. એનો અર્થ એ છે કે શા માટે આપણે પાકિસ્તાન સાથે કોઈપણ સંબંધ પર વિચાર કરવો જોઈએ. સુષમા સ્વરાજે પાકિસ્તાનની છેલ્લી મુલાકાત લીધી હતી
વડાપ્રધાન મોદી છેલ્લે 2015માં સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર ગયા હતા. ત્યાર બાદ તેઓ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને મળ્યા હતા. આ પછી ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત બાદ ભારતના કોઈ વડાપ્રધાન કે મંત્રી પાકિસ્તાન ગયા નથી. 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યાર પછી બંને દેશો વચ્ચે કોઈ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ નથી. પીએમ મોદીએ જુલાઈમાં SCO સમિટમાં ભાગ નહોતો લીધો
પીએમ મોદીએ આ વર્ષે 3-4 જુલાઈના રોજ કઝાકિસ્તાનમાં યોજાયેલી SCO સમિટમાં ભાગ લીધો નહોતો. તેમના સ્થાને વિદેશમંત્રી જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગયા વર્ષે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકે SCOની CHG બેઠકનું આયોજન કર્યું હતું. પીએમ મોદી પણ આમાં ન જઈ શક્યા. તેમના સ્થાને વિદેશમંત્રી એસ. જયશંકરે હાજરી આપી હતી. ભારતે ગયા વર્ષે 4 જુલાઈએ વર્ચ્યુઅલ મોડમાં SCO સમિટનું આયોજન કર્યું હતું, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઓનલાઈન ભાગ લીધો હતો. અગાઉ મે 2023માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવામાં SCO વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ત્યાર બાદ એક વીડિયો મેસેજમાં ભુટ્ટોએ કહ્યું હતું કે આ બેઠકમાં ભાગ લેવાનો મારો નિર્ણય દર્શાવે છે કે SCO પાકિસ્તાન માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. બિલાવલની આ મુલાકાત 12 વર્ષમાં પાકિસ્તાનના વિદેશમંત્રીની પ્રથમ મુલાકાત હતી. બંને દેશના વિદેશમંત્રી 1 ફૂટના અંતરે બેઠા હતા
જુલાઈ 2022ની બેઠકમાં તમામ આઠ SCO સભ્ય દેશોના વિદેશમંત્રીઓ હાજર રહ્યા હતા. જયશંકરે સમિટ દરમિયાન 7 દેશના વિદેશમંત્રીઓને મળ્યા, પરંતુ બિલાવલની અવગણના કરી. જ્યારે ઉઝબેકના રાષ્ટ્રપતિએ તમામ વિદેશમંત્રીઓ માટે ડિનરનું આયોજન કર્યું ત્યારે બિલાવલ અને જયશંકર અલગ-અલગ બેઠા હતા. જયશંકરે પાકિસ્તાની વિદેશમંત્રી સિવાય દરેક સાથે વાત કરી. ગ્રુપ ફોટો દરમિયાન પણ બંને વચ્ચે 5 ફૂટથી વધુનું અંતર નહોતું. અહીં તમામ વિદેશમંત્રીઓએ હાથ મિલાવ્યા, પરંતુ જયશંકર અને બિલાવલ અલગ-અલગ ઊભા રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.