આટકોટના સૂર્યદીપ પેટ્રોલ પંપ પર શખ્સ દ્વારા તોડફોડ કરી લૂંટ ચલાવાઈ - At This Time

આટકોટના સૂર્યદીપ પેટ્રોલ પંપ પર શખ્સ દ્વારા તોડફોડ કરી લૂંટ ચલાવાઈ


જસદણના આટકોટમાં રીલાયન્સના પેટ્રોલ પંપ ઉપર અગાઉ માંગેલા ઉછીના પૈસા ન આપતા મફતમાં પેટ્રોલ પુરાવી કારીગર પાસેથી રૂ.8 હજારની લૂંટ ચલાવી. પંપના કાચમાં તોડફોડ કરી આરોપી નાસી જતા આટકોટ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના આટકોટ ગામે ગ્રીન હોટલ પાસે આવેલ સૂર્યદીપ એન્ટરપ્રાઈઝ નામના રિલાયન્સના પેટ્રોલ પંપ ઉપર ગત તા.25 ના રોજ બાબરા તાલુકાના રાણપર ગામના રઘુ હમીરભાઈ વાળા નામના શખ્સે પેટ્રોલ પંપ ઉપર આવી રૂ.200 નું પેટ્રોલ પુરાવ્યું હતું. પેટ્રોલ પુરાવ્યા બાદ આરોપી જવા લાગતા પંપના કારીગર હરેશભાઈએ પેટ્રોલના પૈસા માંગતા તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી બહાર પડેલ લોખંડના પાયાવાળી ખુરશીથી પેટ્રોલ પંપની ઓફિસના કાચ તોડી નાખેલ.અને હરેશભાઈ પાસે વેપારના જમા થયેલા રૂ.8 હજારની લૂંટ ચલાવી આરોપી નાસી છૂટયો હતો. આ લૂંટ ચલાવ્યા બાદ આરોપીએ પંપના સંચાલક અલ્કેશભાઈ ખાચરને ફોન કરી ગાળો બોલી ધમકી પણ આપી હતી. પંપના સંચાલક અલ્કેશભાઈ ખાચરે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.