પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ* - At This Time

પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ* —————–


*પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ*
-----------------
*જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*
-----------------
ગીર સોમનાથ, તા.૩૦: સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે સ્પે.લીવ પીટીશન નં.૮૫૧૯/૨૦૦૬, તા.૦૭/૦૯/૨૦૦૯ અને તા.૨૯/૦૯/૨૦૦૯ના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવેલ છે.

આ સુચના અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ શ્રી સરકાર સદરેની સ.નં.૧૮૫૧ અને સ.નં.૧૮૫ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ તાજેતરમાં દુર કરવામાં આવ્યાં છે.

આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાય છે. જેથી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગરૂપે અન્ય કોઈ ઈસમ/સંસ્થા/કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવુ આવશ્યક જણાય છે.

ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૩૦/૦૯/૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.