રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય - At This Time

રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય


રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય

*વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળની ૧૪,૮૨૦ તથા સીવીલીયન સ્ટાફની ૨૪૫ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૪૭૨ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે*
*******

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૪૮૨૦ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૪૭૨ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.

વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં ૧૨૯ એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧
ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧,
૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વર્ષ-૨૦૨૫માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની ૪૫ તથા જુનીયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.
.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.