બેંગલુરુ કોર્ટેનો નિર્મલા સીતારમણ સામે FIR કરવાનો આદેશ:નાણામંત્રી પર ઇલેક્ટોરલ બોન્ડથી બળજબરી વસૂલી કરવાના આરોપ; જાણો સમગ્ર મામલો
બેંગલુરુની એક વિશેષ કોર્ટે 27 સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નાણામંત્રી પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બળજબરીથી વસૂલી કરવાનો આરોપ છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના આદર્શ અય્યરે બેંગલુરુમાં ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશ આપવાની માગણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે બેંગલુરુના તિલકનગર પોલીસ સ્ટેશનને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી 10 ઓક્ટોબરે થશે. એપ્રિલ 2024માં ફરિયાદ કરવામાં આવી હતી જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલમાં 42મી ACMM કોર્ટમાં કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, BY વિજયેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2019થી ઓગસ્ટ 2022 સુધીમાં ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની પેઢી પાસેથી અંદાજે 230 કરોડ રૂપિયા અને અરબિંદો ફાર્મસીમાંથી 49 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ યોજના ગેરબંધારણીય છે 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે રાજકીય ભંડોળ માટે તાત્કાલિક અસરથી ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે. આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે SBI અને ચૂંટણીપંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ ડેટા 21 માર્ચે સામે આવ્યા હતા. 2018થી 2023 સુધીમાં દેશની 771 કંપનીએ 11,484 કરોડ રૂપિયાનાં બોન્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું. ટ્રેડિંગ કંપનીઓએ સૌથી વધુ 2955 કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા હતા. ડેટા જાહેર થયા પછી જુલાઈ 2024માં પણ કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેના વ્યવહારોની SIT દ્વારા તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પહેલાં કહ્યું હતું- સ્કીમ પાછી લાવશે લોકસભા ચૂંટણી પહેલાં નાણામંત્રીએ બોન્ડ સ્કીમ પાછી લાવવાના સંકેત આપ્યા હતા. નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ માટે પહેલા મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.