જામનગર જિલ્લામાં ગઈકાલે બીજા દીવસે પણ વરસાદી માહોલ જામ્યો: જામનગરમાં પોણા બે ઇંચ જ્યારે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ - At This Time

જામનગર જિલ્લામાં ગઈકાલે બીજા દીવસે પણ વરસાદી માહોલ જામ્યો: જામનગરમાં પોણા બે ઇંચ જ્યારે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ


જામનગર જિલ્લામાં ગઈકાલે બીજા દીવસે પણ વરસાદી માહોલ જામ્યો: જામનગરમાં પોણા બે ઇંચ જ્યારે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક એક થી ત્રણ ઇંચ વરસાદ

ગઈ રાત્રે ઓચિંતા પડેલા વરસાદને લઈને વેલકમ નવરાત્રી મહોત્સવના આયોજનમાં ફરી ભંગાણ પડ્યું

જામનગર
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી ભારે વરસાદની સ્થિતિને અનુરૂપ જામનગર જિલ્લામાં ગઈકાલે રાતે વ્યાપક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ થી લઈને નોંધપાત્ર ૩ ઇંચ જેટલો વરસાદ થયો છે. ખાસ કરીને લાલપુર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાવાની સાથે અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ થયો છે.
જામનગર શહેરમાં ગઈ રાત્રિ દરમિયાન પોણા બે ઈંચ (૪૧ મિમી) જેટલો વરસાદ નોંધાયો હતો. જોડિયા (૨૨મિમી) અને ધ્રોલ(૨૪મિમી) તાલુકાઓમાં એક-એક ઈંચ, કાલાવડ અને જામજોધપુર તાલુકાઓમાં (૩૩મિમી) સવા-સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના જામવાડી અને સમાણામાં પોણા બે ઈંચ, શેઠવડાળા, વાંસજાળિયા, ધુનડા, ધ્રાફા અને પરડવામાં દોઢ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લાલપુરના ભણગોર અને હરિપરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અડધાંથી એક ઈંચ જેટલો અથવા હળવા ઝાપટાંના રૂપમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને જનજીવન પણ સામાન્ય રીતે ચાલુ છે.
જામનગર શહેરમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ વરસાદને લઈને દાંડિયા રસિકો માટે નબળા સમાચાર મળ્યા હતા, અને વેલકમ નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. તેમ જ ચાલુ રાસ દરમિયાન અનેક સ્થળે રીતસરની દોડધામ મચી ગઈ હતી, તો કેટલાક સ્થળે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે મંડપ-સામીયાણા વગેરેને પણ નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.