EDITOR'S VIEW: ... કૃપયા ધ્યાન દે:પાટા પરથી ટ્રેન ઉથલાવવાના આતંકી ષડયંત્ર સામે લડવાનો મોટો પડકાર, દેશમાં ટ્રેન ટેરરિઝમ મોડ્યૂલનો પર્દાફાશ, આ કારણે છે સોફ્ટ ટાર્ગેટ - At This Time

EDITOR’S VIEW: … કૃપયા ધ્યાન દે:પાટા પરથી ટ્રેન ઉથલાવવાના આતંકી ષડયંત્ર સામે લડવાનો મોટો પડકાર, દેશમાં ટ્રેન ટેરરિઝમ મોડ્યૂલનો પર્દાફાશ, આ કારણે છે સોફ્ટ ટાર્ગેટ


બોટાદના કુંડલી ગામ નજીક મોડીરાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતાં એન્જિન બંધ થઈ ગયું. આ પહેલાં સુરતના કીમ પાસે પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો. ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો સીલસીલો રોકાવાનું નામ લેતો નથી. રોજ એક ઘટના સામે આવે છે. 1 ઓગસ્ટથી આ સીલસીલો શરૂ થયો છે. પાંચ દિવસ પછી બે મહિના થશે. પણ આ 55 દિવસમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના 24 જેટલા બનાવો સામે આવી ચૂક્યા છે. આ ઘટના કોઈ એકલ દોકલ જગ્યાએ પણ નથી બની. 10 રાજ્યોમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા. આટલી ઘટના પછી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે, આ કોઈ ટીખળ ન હોઈ શકે. આ આતંકી ષડયંત્ર જ છે. કારણ કે કાનપુરમાં NIAએ દરોડા પાડીને ટ્રેન ઉથલાવવાની ટ્રેનિંગ આપવાનું મોડ્યુલ પકડી પાડ્યું છે. નમસ્કાર, દેશમાં છેલ્લા 55 દિવસથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની હચમચાવનારી ઘટના બની રહી છે. આ ઘટનાઓ પછી સવાલ એ સામે આવે છે કે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જ કેમ થાય છે? આતંકીઓ અંજામ આપીને ટ્રેન ઉથલાવી પણ શકે. એવું કેમ નથી થતું. પણ તપાસ એજન્સીઓનું માનવું છે કે, ભારતમાં જ ભારત વિરોધી દુશ્મન ઊભા કરવા ટ્રેન ઉથલાવવાની ટ્રેનિંગ અપાય છે. આ વાત સાચી પડી અને એટીએસની બે ટીમોએ કાનપુરના મદ્રેસામાં દરોડા પાડીને ટ્રેન ઉથલાવવાની ટ્રેનિંગ આપનારા મૌલાના અને તેના સાથીઓને પકડી પાડ્યા છે. આ તો એક જગ્યાએથી ટ્રેનર પકડાયા છે, હજી ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન થઈ શકે છે. ટ્રેનોનું મોનિટરિંગ મુશ્કેલ, તેથી આ સૌથી સોફ્ટ ટાર્ગેટ
ટ્રેનનું નેટવર્ક એટલું મોટું છે કે તેનું 24x7 મોનિટરિંગ મુશ્કેલ છે. ભારતમાં આતંકવાદી સંગઠનોનો માટે સોફ્ટ ટાર્ગેટ ટ્રેનો છે. તેને સૌથી વધુ સરળતાથી સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે રેલવે સ્ટેશનની આસપાસ વસ્તી હોય પણ અવાવરુ સ્થળે, ખેતરો કે જંગલમાંથી પસાર થતા પાટાનું મોનિટરિંગ સતત સંભવ નથી કારણ કે, ભારતમાં ટ્રેનનું નેટવર્ક 68 હજારથી વધારે કિલોમીટર છે અને પાટાનું નેટવર્ક કિલોમીટરમાં ગણીએ તો 1 લાખ 32 હજાર કિલોમીટર વિસ્તારમાં પાટા પથરાયેલા છે. 9 હજાર આસપાસ રેલવે સ્ટેશન છે. આટલા મોટા વિસ્તારની આતંકીઓથી કેવી રીતે સુરક્ષા કરવી એ જ સૌથી મોટો સવાલ છે. પણ અત્યારે રેલવેના ડ્રાઈવરોને એલર્ટ કરી દેવાયા છે અને જરાપણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત ટ્રેન ઊભી રાખીને કંટ્રોલમાં જાણ કરવા સૂચના અપાઈ છે. મોટાભાગના કિસ્સાઓમાં ટ્રેન પસાર થવાની હોય તેની 10થી 15 મિનિટ પહેલાં ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓ મૂકવામાં આવી હતી. આ પોઈન્ટ્સે એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું ટ્રેન ઉથલાવવાની ઘટનાઓ પછી ગૃહમંત્રાલય એલર્ટ
જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ રાજ્યની તમામ મોટી તપાસ એજન્સીઓ તેમાં સામેલ થઈ ગઈ. NIA પણ તપાસ કરી રહી છે. ગૃહ મંત્રાલયે સ્વીકાર્યું છે કે 55 દિવસમાં 24 વખત ટ્રેનોને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેની પાછળ મોટું ષડયંત્ર છે. કેન્દ્ર સરકારે NIAને છેલ્લા બે વર્ષમાં બનેલી આવી 24 થી વધુ ઘટનાઓની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેથી આતંકીઓની મોડેસ ઓપરેન્ડી ખબર પડી શકે. આની પાછળ ISનું ખોરાસાન મોડ્યુલ
તપાસ એજન્સીઓને આની પાછળ ઈસ્લામિક સ્ટેટના ખોરાસાન મોડ્યુલ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની શંકા છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકી ફરહતુલ્લા ગૌરીના વીડિયોથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે, જેમાં તે ભારતમાં ટ્રેનોને નિશાન બનાવવાની વાત કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું છે કે રેલ્વે દુર્ઘટનાઓનું ષડયંત્ર લાંબું ચાલશે નહીં. સરકાર ટૂંક સમયમાં 1.10 લાખ કિલોમીટરના રેલ્વે નેટવર્કને સુરક્ષિત કરવા પહેલ શરૂ કરશે. સ્લીપર સેલને સક્રિય કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
શંકા વધારે દ્રઢ ત્યારે બની જ્યારે યુપીના બિલ્હૌર સ્ટેશન નજીક પાટા આસપાસથી તપાસ ટીમને સ્થળ પરથી પેટ્રોલની બોટલ, ગનપાઉડર જેવું કેમિકલ ધરાવતી બેગ અને માચીસની પેટી મળી આવી હતી. આના થોડા સમય બાદ રેલવેના અધિકારી રમેશ ચંદ્રાએ બિલ્હૌર પોલીસ સ્ટેશનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ ઘટનાને એક મોટું આતંકવાદી ષડયંત્ર ગણાવ્યું હતું. બીજા દિવસે, કાનપુરના પોલીસ કમિશનર અખિલ કુમારે ખુલાસો કર્યો હતો કે સિલિન્ડરની મદદથી ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નજીક પડેલી બેગમાંથી એમોનિયમ નાઈટ્રેટ અને બોટલમાંથી પેટ્રોલ મળી આવ્યું હતું.આ બધું જોતાં તપાસ એજન્સીઓ અને ખાસ કરીને NIAએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, ભારતમાં આતંકીઓના સ્લીપર સેલને એક્ટિવ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને એવા પુરાવા પણ મળ્યા છે કે સ્લીપર સેલ એક્ટિવેટ કરીને તેમને ટ્રેનોને કેવી રીતે ટાર્ગેટ કરવી તેની ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આમાં કયો પદાર્થ ટ્રેક પર રાખવાનો છે અને કયો વિસ્ફોટ કરવાનો છે તે પણ સમજાવાઈ રહ્યું છે. ટ્રેન ઉથલાવવાના પ્રયાસના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ કોણ?
આ બધાની વચ્ચે 9 સપ્ટેમ્બરે NIAએ બેંગલુરુ-રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર્જશીટ દાખલ કરી. NIAને પુરાવા મળ્યા કે આ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં બેઠેલો આતંકવાદી ફરહતુલ્લા ગૌરી છે. ફરહતુલ્લા આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલો છે અને ISIના ઈશારે કામ કરે છે. 28 ઓગસ્ટના રોજ, તેણે ટેલિગ્રામ પર એક વિડિયો બહાર પાડ્યો જેમાં ભારતમાં ટ્રેનોને નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું. વીડિયો સામે આવ્યા બાદ NIAને ફરહતુલ્લા વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. તે દિલ્હી, મુંબઈ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય કેટલાક રાજ્યોના યુવાનોનું વીડિયો મોકલીને બ્રેઈનવોશ કરતો હતો. તે તેમના દ્વારા આતંકવાદી ઘટનાઓનું કાવતરું ઘડી રહ્યો છે. IS-K મોડ્યુલ સામેલ હોવાની શંકા
​​​​​​​સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે આની પાછળ ઈસ્લામિક સ્ટેટના ખોરાસાન (આઈએસ-કે) મોડ્યુલનો હાથ હોવાની આશંકા છે. તે ISIના ઈશારે ભારતમાં ટ્રેનોને નિશાન બનાવી રહ્યું છે. તે ઈરાન, મધ્ય એશિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે. 2015માં રચાયેલા IS-K સંગઠનનો પહેલો ચીફ હાફિઝ સઈદ ખાન હતો, જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો ભૂતપૂર્વ કમાન્ડર હતો. શરૂઆતમાં તેમાં હક્કાની નેટવર્ક અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનના સભ્યો સાથે પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થતો હતો. પાકિસ્તાન-અફઘાન સરહદ સિવાય આ મોડ્યુલનો આધાર ઉત્તર-પૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનમાં હાજર છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, આ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા શંકાસ્પદોની યુપી અને કેરળના લખનૌ, કાનપુર સહિત કેટલાક શહેરોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કાનપુર IS ખોરાસન મોડ્યુલનો બેઝ કોમ્પ હોઈ શકે છે
આ સંગઠન ગઝવા-એ-હિન્દના એજન્ડા હેઠળ ભારતને કબજે કરવા માગે છે. આ આતંકવાદી સંગઠન છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટના માધ્યમથી ભારતમાં યુવાનોને આતંકવાદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 7 માર્ચ 2017ના રોજ ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા વિસ્ફોટમાં ISના ખોરાસન મોડ્યુલનું નામ લેવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં ISનો આ પહેલો હુમલો હતો. આ હુમલા બાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ મોડ્યુલનો સભ્ય લખનઉમાં છુપાયેલા આતંકવાદી સૈફુલ્લાહને આર્મીએ 2017માં ઠાર માર્યો હતો. માર્ચ 2017માં જ ખોરાસન મોડ્યુલના ગૌસ મોહમ્મદ, દાનિશ, ફૈઝલ, ઈમરાન, અઝહરની કાનપુરથી ધરપકડ કરવામાં આવી હતી. ઇટાવામાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે કાનપુર આ મોડ્યુલનો બેઝ કેમ્પ બની શકે છે. આ જ કારણ છે કે મોટાભાગની ઘટનાઓ યુપીમાં જ બની છે. કાનપુરના બે મૌલાના સામે ગુનો દાખલ
ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર વધતા જઈ રહ્યા છે ત્યારે યુપી એટીએસ આ ઘટના સાથે જોડાયેલા ગુનેગારોની ધરપકડ કરવામાં સક્રિય છે. તપાસ દરમિયાન એટીએસને ત્રણ શંકાસ્પદ લોકોની માહિતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કૌશામ્બીમાં બે કટ્ટરપંથી મૌલાના પોતાની ઓળખ છુપાવી રહ્યા છે. તેમની વિરુદ્ધ કાનપુર, ફતેહપુર અને કૌશામ્બીમાં ધાર્મિક શિક્ષણના નામે લોકોનું બ્રેઈનવોશ કરવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કટ્ટરપંથી મૌલાના કાનપુર અને કૌશામ્બીના મદરેસામાં ધાર્મિક શિક્ષણ આપે છે. આઈબીના સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના પીએફઆઈ એજન્ટ છે. નેપાળના રહેવાસી આ કટ્ટરપંથી મૌલાના કાનપુર અને કૌશામ્બીની અલગ અલગ મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ આપે છે. તેમાંથી એકનું નામ ફિરોઝ અહેમદ હોવાનું કહેવાય છે. જ્યારે અન્યનું નામ બહાર આવ્યું નથી. ક્યા 10 રાજ્યોમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા? 10 રાજ્યોમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓની ટાઈમલાઈન છેલ્લે, રેલવે તંત્રે પણ ટ્રેન ઉથલાવવાનાં ષડયંત્ર અને એક્સિડન્ટ રોકવા કમર કસી છે. રેલવે મોટાપાયે સંવેદનશીલ જગ્યાએ કેમેરા લગાવશે. દરેક રેલવે એન્જિન પર કેમેરા લગાવવાની પણ યોજના છે અને હવે રેલવેમાં ઓટોમેટિક બ્રેક લાગે તે માટે 'કવચ-4' સિસ્ટમ લાગૂ કરવામાં આવી રહી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ.... (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.