જસદણના દેવપરાના વૃદ્ધની હત્યામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો
વૃદ્ધને હનીટ્રેપમાં ફ્સાવી લૂંટી લેવાનો પ્લાન બનાવનાર અન્ય સાત આરોપીની ધરપકડ બાદ આઠમા આરોપીની ધરપકડ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના દેવપરા ગામે ત્રણ વર્ષ પૂર્વે થયેલી હત્યામાં વોન્ટેડ શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો હતો. દેવપરાના વૃદ્ધ વૈધને હનીટ્રેપમાં ફ્સાવી લુંટી લેવાનો પ્લાન જુન 2021 માં ઘડાયો હતો. પરંતુ વૃદ્ધ ઊંઘી ગયા હોય જેથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ- દાગીનાની લૂંટ ચલાવવાના ગુનામાં તે સમયે પોલીસે બે મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી 7 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે પકડાયેલ શખ્સ સવા ત્રણ વર્ષથી વોન્ટેડ હતો. જેને એલસીબીએ દબોચી લીધો હતો. જે પકડાયેલ આરોપી ઉપર 10 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જસદણના દેવપરા ગામે રહેતા અને વૈધ તરીકે દાઝેલા વ્યક્તિઓનો ઘરગથ્થુ ઉપચાર કરતા માવજીભાઈ વાસાણીની ગત તારીખ 30 જુન 2021 ના રોજ તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ રાજલબેન, તેના પતિ હિતેશભાઈ, પુજાબેન સહીત 7 શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે તે વખતે તપાસમાં એવું ખુલ્યું હતું કે રાજલબેન દાઝેલા હોય તે સારવાર માટે વૈધ પાસે જતા હતા અને પરિચય કેળવ્યો હતો. બાદમાં વૃદ્ધને શરીરસુખની લાલચ આપી પૂજા સાથે પરિચય કરાવ્યો હતો. બાદમાં રાજસ્થાનથી અન્ય સાગરીતોને બોલાવી 30 જુન 2021ના રોજ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ રાત્રે ટોળકી પહોચી ત્યારે વૃદ્ધ સુઈ ગયા હોવાથી તેને મોતને ઘાટ ઉતારી રોકડ-દાગીના સહિતની લૂંટ ચલાવી ટોળકી નાસી છૂટી હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો દરમિયાન એલસીબી પીઆઈ વી વી ઓડેદરા અને ટીમે આ ગુનામાં સવા ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ઝૂન-ઝૂન જીલ્લાના ચીડાવા તાલુકાના ઘોવલા ગામના આરોપી અમિત શીશારામ જાજડીયાને બાતમી આધારે જસદણ વિછીયા બાયપાસ રોડ ઉપરથી દબોચી લઈ જસદણ પોલીસને કબજો સોપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.